Abtak Media Google News

આપણે પ્રકૃતિ સમક્ષ પણ વિકાસને જેટ ગતિએ દોડાવી રહ્યા છીએ પરિણામે પ્રકૃતિ વિનાશ વેરવામાં પણ કઈ બાકી રાખતી નથી. સુંદર પહાડી વિસ્તારોમાં સુવિધાના નામે આડેધડ બાંધકામો અત્યારે ચિંતાનું કારણ બન્યા છે. ઉત્તરાખંડના જોશીમઠ જેવી હાલત અત્યારે મસૂરીમાં સર્જાઈ છે. તાજેતરમાં મસૂરીમાં જમીનની સ્થિતિના નિરીક્ષણ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ સર્વે કર્યા પછી તેનો  રિપોર્ટ સોંપી દીધો છે. જેમાં તેમણે મસૂરીની ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને જરૂરી પાગલ લેવા ચેતવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં એનજીટી દ્વારા મસૂરીની વહન ક્ષમતાનો અભ્યાસ કરવા માટે પેનલની રચના કરવામાં આવી હતી. પેનલે પોતાનો રિપોર્ટ એનજીટીને સુપરત કર્યો છે, જેમાં અનેક પગલાં સૂચવવામાં આવ્યા છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનએ હિલ સ્ટેશન મસૂરીને બચાવવા માટે ઉત્તરાખંડની ધામી સરકારને ભલામણ કરી છે. એનજીટી દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિએ મસૂરીની વહન ક્ષમતાનો અભ્યાસ કર્યા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવાની ભલામણ કરી છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે લોકોના મકાનોમાં તિરાડો પડવાની ઘટનાને ધ્યાનમાં રાખીને એનજીટીએ આ એડવાઈઝરી જારી કરી છે. ફેબ્રુઆરીમાં એનજીટીના આદેશ બાદ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે સર્વે બાદ સરકારને આ વાત કહી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્તારની વહન ક્ષમતા, ખાસ કરીને પાર્કિંગ અને ગેસ્ટ હાઉસની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની નોંધણી કરાવવી જોઈએ. મસૂરીની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ પાસેથી ચાર્જ લેવામાં આવી શકે છે અને તે પૈસા સ્વચ્છતા વ્યવસ્થાપન અને ડેવલોપમેન્ટ માટે વાપરી શકાય છે.

એનજીટીના અહેવાલ મુજબ, પ્રવાસીઓનો ભારે ધસારો અનિયંત્રિત બાંધકામ, વધુ પડતો કચરો ઉત્પન્ન, સ્વચ્છતા અને ગટરની સમસ્યાઓ, પાણીની અછત, ભીડવાળા રસ્તાઓ, ટ્રાફિકની ભીડ અને વાહનોના પ્રદૂષણ જેવા મુદ્દાઓ મુખ્ય છે.

ગઢવાલ હિમાલયની સ્થિત મસૂરી ભૂકંપની ઝોન 4ની શ્રેણીમાં સમાવિષ્ઠ છે. આ દૃષ્ટિકોણથી, અહેવાલમાં તેને જોશીમઠના રસ્તે જતા બચાવવા માટે ઘણા નિવારક અને ઉપચારાત્મક પગલાં સૂચવવામાં આવ્યા છે. રિપોર્ટમાં ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોમાં પહાડોની નીચેથી પથ્થરો ન હટાવવા અને ઢોળાવ પર દેખાતી તિરાડોને ભરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.