Abtak Media Google News

યોજનાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર

ગુજરાતના ગૌવંશની ચિંતા કરતા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રૂપિયા 490 કરોડની ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ તેમજ રૂ. 50 કરોડની ‘ગૌવંશના બિનવારસી પશુઓના નિભાવ માટે સહાય યોજના’ જાહેર કરેલી છે.

રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં આ બંને યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે. આ બંને યોજનામાં સહાય મંજૂર કરવા માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં આ બંને યોજનાના સુચારુ અમલ માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. કે.યુ. ખાનપરા તથા રાજ્યના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નાયબ પશુપાલન નિયામક ડો. એ.એમ. ડઢાણિયા સાથે બેઠક યોજી હતી.

કલેક્ટરએ જિલ્લામાં આ બંને યોજનાના અસરકારક અમલ માટે પશુપાલન વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ યોજનાના અમલ માટે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર , સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સભ્ય સચિવ તરીકે નાયબ પશુપાલન અધિકારીશ્રી-જિલ્લા પંચાયત અને અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે તાલુકા મામલતદાર, સભ્ય તરીકે તાલુકા વિકાસ અધિકારી, સભ્ય સચિવ તરીકે તાલુકા પશુ ચિકિત્સક અધિકારી  તેમજ અન્ય એક સભ્યનો સમાવેશ થાય છે.

રાજ્યમાં પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળા તેમજ પાંજરાપોળ ખાતે રાખવામાં આવતાં ગાય-ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે, સંસ્થાને આર્થિક સહાય આપવાના હેતુથી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરૂ કરાઈ છે. જે અંતર્ગત નોંધાયેલી સંસ્થાઓને પશુદીઠ રોજના રૂપિયા 30ની સહાય આપવામાં આવશે. વધુમાં વધુ 3000 પશુદીઠ આવી સહાય મળવાપાત્ર થશે.

ગ્રામ્ય વિસ્તારમાં રઝળતા ગૌવંશના નિભાવ માટે ‘ગૌવંશ બિનવારસી પશુઓના નિભાવ માટેની સહાય યોજના’ જાહેર કરાઈ છે.

જે અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા બિનવારસી હાલતમાં રહેલા ગૌવંશને નોંધાયેલી ગૌશાળા કે પાંજરાપોળમાં મુકવામાં આવશે, જેના નિભાવ માટે  પશુદીઠ રૂપિયા 30ની સહાય સંસ્થાઓને આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.