Abtak Media Google News

હાઈકોર્ટમાં દિવાળી વેકેશનની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં મુજબ હાઈકોર્ટમાં ઓફિશિયલ 13 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી એમ 12 દિવસ દિવાળી વેકેશન રહેશે. જોકે, આજે 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી અને ત્યારબાદ 12 નવેમ્બરે રવિવાર હોવાથી આજથી જ અદાલતોમાં રજાઓ શરૂ થઈ ગઈ છે.

જ્યારે 25 નવેમ્બરે ચોથો શનિવાર અને ત્યારબાદ અનુક્રમે રવિવાર અને સોમવારે ગુરુ નાનક જયંતી આવતી હોવાથી હાઈકોર્ટ હવે 28 નવેમ્બરને મંગળવારે ખુલશે. આમ હાઈકોર્ટમાં કુલ 17 દિવસ રજાઓ રહેશે. જ્યારે લોઅર કોર્ટમાં પણ બીજા શનિવાર 11 નવેમ્બરથી રજાઓની શરૂઆત ગણતા 9 દિવસ બાદ 20 નવેમ્બરે કોર્ટ ખુલશે. આ સમયગાળા દરમિયાન તાત્કાલિક સુનાવણીની જરૂરિયાત હોય તેવા કેસ માટે  જસ્ટિસની ફાળવણી કરવામાં આવી છે.

હાઈકોર્ટમાં 11 નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન જસ્ટિસ દિવ્યેશ જોશી ફોજદારી કેસો અને જસ્ટિસ દેવેન દેસાઈ દિવાની કેસો સાંભળશે. 18 અને 19 નવેમ્બરે જજ દિવ્યેશ જોશી સિવિલ અને ક્રિમિનલ એમ બંને પ્રકારના કેસો સાંભળશે. 20 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી સવારે 11.30 કલાકથી બપોરે 01.30 કલાક સુધી જસ્ટિસ એમ.કે. ઠક્કર દિવાની કેસો સાંભળશે. જ્યારે આ સમયગાળામાં વિમલ વ્યાસ ફોજદારી કેસો સાંભળશે. શનિ અને રવિવારે સિટિંગ રહેશે નહીં, જોકે કેસની અર્જન્સી જોઈને જસ્ટિસ નિર્ણય કરશે.

રાજકોટની અદાલતો 20મીએ ખુલશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટની અદાલતોમાં તા.13થી 19મી નવેમ્બર સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે. જોકે આજે બીજો શનિવાર, કાલે રવિવારની રજાનો હોઇ અદાલતમાં આજથી જ રજાઓ શરૂ થઈ ગઈ છે. તા. 20ના સોમવારથી અદાલતો શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.