Abtak Media Google News

મવડી નવું ઇન્ડોર સ્ટેડિયમ, મોટા મવા બ્રિજ વાઈડનિંગ, સહિતના કામે સાઈટ વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ મહાનગર પાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં.12 માં મવડીમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા, મોટા મવામાં કાલાવડ રોડ પરનાં બ્રિજનું વાઈડનિંગ વગેરે કામો સબબ સ્થળ મુલાકાત લીધી હતી. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.12માં મવડીમાં રામ ધણ પાસે નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા માટેનો ડીપીઆર તૈયાર થઇ ગયો છે. આ ઇન્ડોર સ્ટેડિયમમાં સ્પોર્ટસ પર્સન્સને વિવિધ ફેસિલિટીઝ પ્રાપ્ત થાય તે બાબત પર ધ્યાન આપવામાં આવશે.

Advertisement

જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટ બોલ, શૂટિંગ રેન્જ, તીરંદાજી, કબડ્ડી, તેમજ કેરમ, ચેસ, સહિતની રમતો માટે સુવિધા ઉભી કરવાનું આયોજન વિચારવામાં આવી રહયું છે.

કાલાવડ રોડ પર મોટા મવામાં સ્મશાન પાસેનાં બ્રિજનું વાઈડનિંગ કરવા માટેના કામ અનુસંધાને કમિશનર અને સંબંધિત અધિકારીઓએ આ સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટનો ડીપીઆર પણ તૈયાર છે.

મ્યુનિ. કમિશનરે ભીમનગર સોસાયટી પાસેના નાળા ખાતે હાઈલેવલ બ્રિજ બનાવવાના કામનાં તૈયાર કરાવેલા ડીપીઆર અનુસંધાને તેમજ પુનીતનગર રોડના રિડેવલપમેન્ટ માટેના કામ અનુસંધાને આ બંને સ્થળોની પણ મુલાકાત કરી હતી.

કમિશનરે કહ્યું હતું કે, જે કામના ડીપીઆર તૈયાર છે તેની પ્રક્રિયા આગળ ધપાવવા અને અન્ય કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.