Abtak Media Google News
  • ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ સવારમાં મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઇ પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અંગત કામો પતાવ્યા, સાંજે કાર્યકરોને મળી આભાર માનશે
  •  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પરિવાર સાથે હળવાશની પળો વિતાવી: સાંજે ઢોલરામાં વૃદ્વ માવતરો સાથે કરશે ભોજન: કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ સવારે ઘરે પતિદેવ માટે બનાવી ચા
  •  શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ઓફિસના રૂટિન કામમાં પરોવાય ગયા: ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ દિવસ દરમિયાન કર્યો સંપૂર્ણ આરામ: ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે જનસેવા કાર્યાલયનો હવાલો સંભાળ્યો, મેયર નયનાબેન પેઢડિયા કોર્પોરેશન કચેરીએ સમયસર આવી ગયા

 છેલ્લા એક પખવાડીયાથી લોકસભાની ચૂંટણીની ભાગાદોડી કરતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મતદાન પૂર્ણ થતાની સાથે રાહતનો ઊંડો શ્ર્વાસ લીધો હતો. આજે નેતાઓ હળવાશના મૂડમાં જણાતા હતા. કેટલાક આગેવાનોએ આજે સંપૂર્ણ આરામ કરવાનું મૂનાસીબ સમજ્યું હતું તો કેટલાક આગેવાનો આજથી ફરી રૂટિન પ્રક્રિયામાં પરોવાય ગયા છે તો કેટલાક ફરી જનસેવાના કાર્યોમાં લાગી ગયા છે.

Advertisement

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ આજે સવારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. આજથી તેઓ ફરી રૂટિન કામગીરીમાં પરોવાય ગયા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે પોતાના ઓફિસના અંગત કામો પતાવ્યા હતા. સાંજે તેઓ કાર્યકર્તાઓને મળી આભાર વ્યક્ત કરશે. છેલ્લા ઘણા સમયથી ચૂંટણીની ભાગાદોડી કરી રહેલા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ આજે સવારે પરષોત્તમભાઇ રૂપાલાની પત્રકાર પરિષદમાં હાજરી આપ્યા બાદ અન્ય કામો ટાળ્યા હતા અને આરામ કરવા માટે પોતાના ઘરે ઉપડી ગયા હતા. ધર્મપત્ની કાશ્મિરાબેન, પુત્રી ખુશી અને પુત્રવધૂ જીલબેન સાથે સમય પસાર કર્યો હતો. તેઓ દર અઠવાડીયે એકવાર અચૂકપણે ઢોલરા સ્થિત દીકરાના ઘર વૃદ્વાશ્રમ ખાતે જાય છે અને ત્યાં વસવાટ કરતા વૃદ્વ માવતરો સાથે સમય પસાર કરે છે. લોકસભાની ચૂંટણીને કારણે તેઓ છેલ્લા દોઢ મહિનાથી દીકરાના ઘરની મુલાકાત લઇ શક્યા હોય આજે સાંજે તેઓ ઢોલરા જશે અને વૃદ્વો સાથે સમય પસાર કરી રાત્રિ ભોજન પણ ત્યાં આરોગશે. પરષોત્તમભાઇ રૂપાલાને પણ તેઓએ ઢોલરા વૃદ્વાશ્રમની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે સવારે ગૃહિણી ધર્મ નિભાવ્યો હતો અને પોતાના પતિદેવ મનોહરભાઇ બાબરિયા અને પુત્રી માટે ચા બનાવી હતી. આખો દિવસ પરિવાર સાથે પસાર કર્યો હતો. જ્યારે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ આજે સવારથી ફરી સામાજીક કાર્યોમાં પરોવાય ગયા છે. તેઓએ સવારમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારબાદ સમય મળતા તેઓની વિધાનસભામાં કાળઝાળ ગરમીમાં ભાજપ તરફી મતદાન કરાવવા માટે પરસેવો પાડનાર તમામ કાર્યકર્તાઓને વ્યક્તિગત ફોન કરી આભાર માન્યો હતો. બપોરે 2:00 કલાકે તેઓ પોતાના વિધાનસભા પશ્ર્ચિમ જનસંપર્ક કાર્યાલય ખાતે લોકસેવાના કામોમાં લાગી ગયા હતા. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી પણ આજે ચૂંટણીની ભાગાદોડીમાંથી ફ્રી થયા બાદ રૂટિન દિનચર્યામાં આવી ગયા છે. તેઓએ સવારના સમયે પોતાની ઓફિસે ગયા હતા અને પેન્ડિંગ કામોને નિપટાવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂએ આજે સંપૂર્ણપણે આરામ ફરમાવ્યો હતો.

ચૂંટણીની આચાર સંહિતાના કારણે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન કચેરીમાં પદાધિકારીઓ આવતા હતા. દરમિયાન ગઇકાલે મતદાન પૂર્ણ થયા બાદ આજે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નયનાબેન પેઢડિયા કોર્પોરેશન કચેરીએ સવારે સમયસર આવી ગયા હતા અને અરજદારોને પણ સાંભળ્યા હતા. કેટલાક નેતાઓ આજે પોતાના ફોન સ્વિચઓફ કરી દીધા હતા તો કેટલાક નેતાઓએ ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી હતી. ટૂંકમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓ હવે સંપૂર્ણપણે હળવાશના મૂડમાં આવી ગયા છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.