Abtak Media Google News

બે લોકોના મોત: ૧૬૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાતા અનેક અસરગ્રસ્ત

બ્રિટનમાં ત્રાટકેલાં અલી વાવાઝોડાંમાં બે લોકોનાં મોત થયા છે. યુકે અને આયર્લેન્ડમાં ૧૬૦ કિમી/કલાકની ઝડપે ત્રાટકેલાં વાવાઝોડાંમાં બુધવારે એક ૨૦ વર્ષીય બ્રિટિશ ટૂરિસ્ટ પર ભેખડ પડતાં તેનું મોત થયું હતું. જ્યારે કન્ટ્રી પાર્કમાં વૃક્ષ પડતાં ૨૦ વર્ષીય વર્કરનું મોત થયું છે.

આ વ્યક્તિ નોર્થ આયર્લેન્ડ વોટરમાં કોન્ટ્રાક્ટર હતો. આ ઘટનામાં વધુ એક કર્મચારી પણ ઘાયલ થયો છે. વાવાઝોડાંના કારણે આજે ૨૫૦,૦૦૦ જેટલાં ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે તમામ મુખ્ય રસ્તાઓ અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સાઉથ સ્કોટલેન્ડમાં ઓથોરિટીએ ‘જીવને જોખમી વાવાઝોડાં’ની ચેતવણી જાહેર કરી છે.

ડમ્ફ્રાઇસ અને ગ્લોવે, સાઉથ વેસ્ટ સ્કોટલેન્ડમાં લોકોને ઘરોની બહાર નહીં નિકળવાની અપીલ કરી છે. બુધવારે વંટોળ અને વાવાઝોડાંના કારણે આજે શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.  સ્કોટલેન્ડમાં અંદાજિત ૭૦,૦૦૦ ઘરોમાં વીજળી ઠપ છે, જ્યારે આયર્લેન્ડમાં અંદાજિત અઢી લાખ મકાનોમાં વીજળી ખોરવાઇ ગઇ છે. સ્કોટલેન્ડ અને આયર્લેન્ડમાં રેલવે, રોડ, ફ્લાઇટ્સ અને ફેરી સેવાઓ બંધ કરવામાં આવી છે.

૧૬૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે ડંગીનો ટે રોડ બ્રિજ આજે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોર્થ રોડ બ્રિજ, ચેકમેનશાયર બ્રિજ અને ક્વિન્સફેરી ક્રોસિંગમાં પણ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ગ્રીનોકમાં એક શિપ નોટિકા વેસલ વાવાઝોડાંમાં ફસાયું હતું. શિપમાં ૪૭૮ પેસેન્જર્સ અને ૨૬ ક્રૂ મેમ્બર્સ હતા. આ તમામને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા છે. નોર્થ યોર્કશાયર પોલીસના જણાવ્યા અનુસાર, બુધવાર બપોર બાદ અત્યાર સુધી મદદ માટેના ૮૧ કોલ્સ આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.