Abtak Media Google News

‘બજારમાં જ્યારે મોટા રૂપિયા ખોટા સાબિત થાય ત્યારે પરચુરણની કિંમત વધી જાય છે. આમે ય તે આપણામાં કહેવત છે નાનો પણ રાઇનો દાણો..! ઇઝરાયલનાં હમાસ ઉપર હુમલા બાદ વૈશ્વિક શેરબજારોનં વાતાવરણ ડહોળાયેલું હતું ત્યારે ભારતમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉંધા માથે પટકાતા હતા. વિતેલા સપ્તાહમાં ભલે બજારમાં રીકવરી જોવા મળી છે. પરંતુ એકસમયે ગભરાટ ફેલાયો હતો કે દિવાળી 2008-09 જેવી જશે કે શું? જો કે એક વાત સાફ છે કે હવે સમય બદલાયો છે. એક દાયકામાં ભારતની ઇકોનોમી પોતાના પગભર ઉભા રહેવા સક્ષમ બની છે. એટલે વિદેશી રોકાણકારો આપણા બજારમાંથી મુડી ઉઠાવવા માંડે તો પણ સ્થાનિક રોકાણકારો અને સરકારના ટેકે બજાર ચલાવતી સંસ્થાઓ ટેકો આપી શકે છે. યાદ રહે કે વિદેશી રોકાણકારોનો મોટો હિસ્સો સેન્સેક્સની મુખ્ય 30 કંપનીઓમાં કે નિફ્ટીની 50 કંપનીઓમાં હોય છે. આ વખતે પણ આ શેરો તુટ્યા તેનો બજારમાં ગભરાટ હતો પણ આજ સમયગાળામાં સ્મોલ કેપ સેક્ટરનાં આશરે 45 થી 50 કંપનીઓનાં શેરોનાં ભાવ 10 ટકા થી માંડીને 40 ટકા સુધી વધ્યા પણ હતા. આ બધા શેરોને આપણે નાના પણ રાઇના દાણા કહી શકીએ..!

મોટા રૂપિયા ખોટા સાબિત થાય ત્યારે પરચૂરણની કિંમત વધી જાય છે તે કહેવત સાચી પડી રહી છે

જે કોઇ સ્માર્ટ રોકાણકારે બજારની આ ચાલ પારખીને પોતાનો મોટા ગજાનાં શેરોનો પોર્ટફોલિયો નાનો કારીને મુડી આ શેરોમાં લગાવી હશૈ તે રોકાણકાર આજે ખરેખર સ્માર્ટ સાબિત થયો છે. કારણ કે તેણે ઘટતા સેન્સેક્સ વચ્ચે પણ શેરબજારમાંથી જ કમાણી કરી છે. એ પણ સપ્તાહમાં 40 ટકા સુધીની..!

ઇતિહાસ ગવાહ છે કે જયારે પણ યુધ્ધ શરૂ થાય છે ત્યારે બજારો ઉપર તેની અસર પડે છે પણ ત્યારબાદ બજારો આંચકા પચાવીને પાછા સ્થિર થઇ જતાં હોય છે. રશિયાના યુક્રેન ઉપરનાં હુમલા બાદ પણ આવું જ જોવા મળ્યું હતું. આજે એ યુધ્ધને કોઇ ગણકારતું પણ નથી.  એ યુધ્ધ 620 દિવસથી ચાલે છે આગામી ફેબ્રુઆરીમાં બે વર્ષ થશે. પણ હવે તેની બજારો ઉપર અસર થતી નથી. વિશ્વની મોટાભાગની ઇકોનોમીઓએ વ્યાજદર યથાવત રાખ્યા છે. , જેમાં અમેરિકા, ઇન્ગ્લેન્ડ તથા યુરોપિયન સેન્ટ્રલ બેન્કનો પણ સમાવેશ થાય છે.

વિતેલા સપ્તાહમાં પણ અરવિંદ, સેન્ટ્રમ કેપિટલ, જયપ્રકાશ પાવર, ત્રિવેણી ટ્રિબ્યુન, શેલ્બી, જિન્દાલ સો, ડી.બી રિયલ્ટી, ઓરિયેન્ટ ગ્રીન પાવર, થોમસ કૂક, એન્જલ બ્રોકિંગ, ફિનિક્સ મિલ્સ, ટેગા ઇન્ડસ્ટ્રીઝ, તથા ઓમેક્સ જેવી સ્મોલ કેપ ગ્રુપોની કંપનીઓના શેરોમાં 10 ટકા થી વધારે નફો જોવા મળ્યો છે.   મતલબ કે બજાર તેજીમાં હોય મંદીમાં,  જો બજારની મુવમેન્ટ ઉપર જો તમારૂં ધ્યાન હોય તો ઘટતા બજારમાં પણ કમાવાની તકો રહેલી હોય છે.

જો આ બજારમાં આપણે લીધૈલા નિર્ણયો સાચા ન પડતાં હોય તો સીધા રોકાણ ને બદલે મ્યુચ્યુઅલ ફંડ મારફતે એસઆઈપી નાં રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે. હાલમાં જ ટીઆરઆઈ એ રજૂ કરેલા એક રિપોર્ટમાં છેલ્લા 27 વર્ષનાં રિસર્ચ રિપોર્ટનું વિશ્લેષણ કરીને તારણ આપ્યું છે કે જ્યારે તમે એસઆઈપીમાં ઘટતા બજારે મોટા નાણા ઇન્વેસ્ટ કર્યા હોય ત્યારે લાંબા ગાળે તમને રોકાણ સામે વળતર બહુ વધારે મળ્યું છે. જે લોકો એ રોકાણ કરવામાં ઢીલ કરી કે વિલંબ કર્યો એ લોકોને કોસ્ટ ઓફ ડિલે ભોગવવી પડી છે. આજના રોકાણકારે સ્મોલ કેપની સાથે સ્ટાર્ટ અપ કંપનીઓના પર્ફોમન્સ ઉપર પણ સતત નજર રાખવી જોઇએ કારણ કે ક્યો ક્ધસેપ્ટ ક્યારે સફળ થાય છે તે કોઇ કહી શકતું નથી. આવા સંજોગોમાં જે કંપનીની ઓર્ડર બુક મજબુત દેખાય તેના શેર પસંદ કરી શકાય.

ખેર અંતે તો આ બજાર છે, ફાવ્યું વખણાય, આજે સ્મોલ કેપ શેરોએ બજારની લાજ રાખી છે એનો મતલબ એવો પણ નથી કે દરેક વખતે એ ચાલશૈ જ એવું પણ નથી, વળી જો દર વખતે એવા શેરોના ભાવ વધે તો આગળ જતાં સ્મોલ કેપ રહેશે જ નહી..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.