‘ફાસ્ટેગ’ને મળી સફળતા : રોકડ વ્યવહાર કરતા ફાસ્ટેગમાં ૬૬ ટકાનો વધારો

પ્રતિ દિવસ ૧૦૦ ટોલ બુથોને કરાય છે મોનીટર : નેશનલ હાઈવે ઓથોરીટીને ૨૦૦ ટોલ પ્લાઝાનાં મળે છે વીડિયોફીડ

રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં ટોલ બુથોને કેશલેશ બનાવવા માટે સરકારે ફાસ્ટેગને અમલી બનાવ્યું છે ત્યારે ફાસ્ટેગ અમલી બનતાની સાથે જ રોકડ વ્યવહારની સરખામણીમાં ફાસ્ટેગમાં ૬૬ ટકાનો વધારો નોંધાયો છે. ૧૭ થી ૨૩ નવેમ્બર દરમિયાન ફાસ્ટેગ મારફતે ૨૬.૪ કરોડ જયારે ૧૫ થી ૨૧ ડિસેમ્બરનાં રોજ ફાસ્ટેગ મારફતે ૪૪ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી. જયારે કેશ કલેકશનમાં ઘટાડો ૩૦ ટકા જેટલો નોંધાયો હતો જેની આંકડાકિય માહિતી લેવામાં આવે તો કેશ કલેકશન ૫૧ કરોડથી ઘટી ૩૫.૫ કરોડ પહોંચ્યો છે.

ફાસ્ટેગ વાહનોમાં લાગવાની સાથે જ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ વધુ કલેકશન હાથ ધરવામાં આવશે. પ્રતિ દિવસ ૧ લાખથી વધુનાં ફાસ્ટેગ વાહનોમાં લગાવવામાં આવાથી હાલ ૧.૦૪ કરોડ ટેગ વાહનોમાં લગાવવામાં આવ્યા છે જે આગામી દિવસોમાં હજુ વધુ થશે તેવું જાણવા મળી રહ્યું છે. ફાસ્ટેગ લગાડી જે પ્રતિદિવસ ૧૯.૫ લાખ લોકો ટોલબુથમાંથી પસાર થતા હતા તે આંકડામાં વધારો થઈ આંકડો ૨૪.૭૮ લાખે પહોંચ્યો છે જેનું એકમાત્ર કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, લોકોએ ફાસ્ટેગને ખુબ સહજતાથી સ્વિકારી લીધું હોય. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રતિ દિવસ ૬૦ લાખ રૂપિયાનું ટોલ કલેકશન કરતું હોય છે. જેમાંથી ૨૦ કરોડ નોંધાયેલા વાહનો ટોલ બુથથી પસાર થતા હોય છે જેમાં ૬ કરોડ જેટલા વાહનો ફોર વ્હીલ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોવાનું સામે આવ્યું છે તથા ૭૦ ટકામાં ટુ-વ્હીલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૬ કરોડમાંથી અંદાજીત ૧.૦૪ કરોડ વાહનો સ્માર્ટ ટેગ એટલે કે ફાસ્ટેગ એનાયત કરવામાં આવ્યા છે.

ફાસ્ટેગ મારફતે જે ટોલ કલેકશન કરવામાં આવ્યો છે જો તેની આંકડાકિય માહિતી લેવામાં આવે તો સપ્ટેમ્બર માસમાં ૪૭૯ ફાસ્ટેગ પ્લાઝામાંથી ૬૪.૭૦ કરોડ રૂપિયા એકત્રિત કરાયા છે. ઓકટોબર માસમાં ૪૮૦ ફાસ્ટેગ ટોલ પ્લાઝા મારફતે ૭૦.૫૦ કરોડ, નવેમ્બર માસમાં ૪૮૩ ફાસ્ટેગ પ્લાઝા મારફતે ૭૮.૧ કરોડ જયારે ડિસેમ્બર ૧૭ સુધી ૫૨૩ ટોલ પ્લાઝામાંથી ૭૮.૬ કરોડ જેટલો ટોલ વસુલવામાં આવ્યો છે. આ તકે પીએમઓ દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયને સુચિત કરી જણાવ્યું છે કે, ટોલ પ્લાઝા ઉપર વાહનોને કેટલો સમય રાહ જોવી પડે છે તેનું મુલ્યાંકન કરી રીપોર્ટ આપવામાં આવે. હાલ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા અંદાજીત ૧૦૦ ટોલ પ્લાઝાને મોનીટર કરી રહ્યું છે જેમાંથી નેશનલ હાઈવે ઓથોરીટીને ૨૦૦ ટોલ પ્લાઝાનું વિડીયોફીડ પણ મળી રહ્યું છે ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે સરકાર દ્વારા ફાસ્ટેગ લાગુ થતાની સાથે જ ટોલ કલેકશનમાં ૬૬ ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે.