ગુજરાત શિક્ષિત છતાં બેરોજગાર: બેરોજગારીનો આંકડો આટલો વધ્યો, સરકારે જાહેર કર્યાં આંકડા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ચાલુ રહ્યું છે. રાજ્ય સરકાર અને વિપક્ષ વચ્ચે પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાંમાં બેરોજગારો અને તેમને આપવામાં આવેલી રોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેને લઈને સરકારે જવાબમાં આંકડા જાહેર કર્યા હતાં.

રાજ્ય સરકારે ગૃહમાં જણાવ્યુ કે, રાજ્યમાં 3,92418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયેલા છે, જ્યારે બે વર્ષમાં 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જીલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે બજેટમાં 22 લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કર્યો છે.

રાજ્યમાં 3 લાખ 92 હજાર 418 શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયેલા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 30 હજાર 192 શિક્ષિત બેરોજગાર લોકો સરકારી ચોપડે નોંધાયેલા છે. જ્યારે આણંદ જિલ્લામાં 23,439, રાજકોટમાં 19,794, સુરતમાં 17,966, મહેસાણામાં 17,888, ખેડામાં 17672 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે અર્ધ શિક્ષિત બેરોજગાર જોઇએ તો અમદાવાદમાં 34,063 અને આણંદ જિલ્લામાં 24136 અર્ધ શિક્ષિત બેરોજગાર છે.