Abtak Media Google News

ગિફ્ટની “ગિફ્ટ” વિશ્વભરમાં ડંકો વગાડશે!!

ગિફ્ટ સિટીમાં સ્થાન મેળવવા માટે છેલ્લા 1 વર્ષમાં આઈએફએસસી પર 140 ફાઇનાન્સિયલ કંપનીઓનું રજીસ્ટ્રેશન,અનેક વૈશ્વિક નાણાકીય કંપનીઓ હજુ કતારમાં

ગિફ્ટની “ગિફ્ટ” વિશ્વભરમાં ડંકો વગાડી દેશે. જેથી ગિફ્ટ સિટી હોંગકોંગ- સિંગાપોરને ટક્કર મારી ફાઇનાન્સિયલ હબ બનવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં સ્થાન મેળવવા માટે છેલ્લા 1 વર્ષમાં આઈએફએસસી પર 140 ફાઇનાન્સિયલ કંપનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ  અનેક વૈશ્વિક નાણાકીય કંપનીઓ કતારમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગાંધીનગરનું ગિફ્ટ સિટી અત્યારે વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બનવા તરફ સતત આગેકૂચ કરી રહ્યું છે. ગિફ્ટ સિટીના કુલ 3.58 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 60 ટકા કોમર્શિયલ, 23 ટકા રેસિડેન્શ, 2 ટકા હોટેલ, 5 ટકા રિટેઇલ, 9 ટકા પબ્લિક બિલ્ડીંગ અને 1 ટકા રિક્રિએશન માટે છે.

નાણાકીય વર્ષ 2022-23 ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી માટે ફળદાયી રહ્યું છે. કારણ કે તેણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે નાણાકીય પ્રવેશદ્વાર બનવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ દરમિયાન 140 જેટલી ફાઇનાન્સિયલ પેઢીઓએ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર એટલે કે આઈએફએસસી પર નોંધણી કરાવી છે, જેમાં મોર્ગન સ્ટેનલી, એમયુએફજી બેન્ક, બીએનપી, પરિબાસ, જેપી મોર્ગન અને ડોઇશ બેન્ક જેવી નાણાકીય કંપનીઓનો સમાવેશ થાય છે.

ભારત સરકારે ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની સ્થાપના અને સંચાલન કરીને મોટા નાણાકીય ક્ષેત્રના સુધારાનો અમલ કર્યો.  આઈએફએસસી ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપેશ શાહે જણાવ્યું હતું કે, આઈએફએસસી એ એક વિશેષ નાણાકીય અધિકારક્ષેત્ર છે.  જે મૂડી નિયંત્રણ પ્રતિબંધો વિના વિદેશી ચલણના વ્યવહારો કરવાની મંજૂરી આપે છે.

તેમણે કહ્યું કેઅમને એરક્રાફ્ટ લીઝિંગ અને શિપ લીઝિંગ કંપનીઓ પણ મળી છે.  આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ પણ ગિફ્ટ સિટીમાં કેમ્પસ સ્થાપી રહી છે.  ગિફ્ટ સિટીમાં આશરે 20,000 કર્મચારીઓ કામ કરે છે જેમાં આઈએફએસસીના લગભગ 5,000 કર્મચારીનો સમાવેશ થાય છે અને આગામી નાણાકીય વર્ષમાં આઈએફએસસીમાં 5,000 થી વધુ નોકરીઓનું સર્જન કરવામાં આવશે.

દેશનું પ્રથમ બુલિયન એક્સચેન્જ પણ અહીં કાર્યરત

દેશનું પ્રથમ અને વિશ્વનું છઠ્ઠુ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એવું ઇન્ડિયા-ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે.  આ એક્સચેન્જમાં શરૂઆતના તબક્કામાં દરરોજ 50 હજાર કરોડથી વધુના સોના-ચાંદીનું ટ્રેડિંગ થઇ રહ્યું છે. અહીં 5 ગ્રામથી લઈને 1 કિલો સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકે છે. અહીંથી સોનાની આયાત પણ કરી શકાઇ છે. હાલના તબક્કે 56 ક્વોલિફાઇડ જ્વેલર્સની આ એક્સચેન્જ દ્વારા સોનાના ટ્રેડિંગ માટે નોંધણી થયેલી છે.

23થી વધુ આંતરરાષ્ટ્રીય બેંકોએ આઈએફએસસીનું લાયસન્સ મેળવ્યું

ગયા વર્ષે, આઈએફએસસી ઓથોરિટીએ ભારતીય અને વૈશ્વિક ઇક્વિટી, ડેટ, ડેરિવેટિવ્ઝ અને ઇન્ટરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવા માટે 11 બિલિયન ડોલરની કુલ પ્રતિબદ્ધતા સાથે 50 થી વધુ ફંડ રજીસ્ટર કર્યા હતા.  હાલમાં, 23 બેંકો ગિફ્ટ આઈએફએસસીમાં લાઇસન્સ ધરાવે છે, જેમાં અગ્રણી વિદેશી બેંકો જેવી કે  સીટ8 બેન્ક, જે.પી. મોર્ગન બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, એચએસબીસી અને બાર્કલેઝ, બીએનપી પરિબાસ, ડોઇશ બેંક અને એમયુએફજી બેંકનો સમાવેશ થાય છે.

13,000 કરોડના રહેણાંક પ્રોજેક્ટ્સ નિર્માણાધીન

ગિફ્ટ સિટીમાં રહેણાંક પ્રોજેક્ટ્સ માટે પણ બિલ્ડરોનો રસ વધ્યો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે લગભગ 30 લાખ ચોરસ ફૂટના રહેણાંક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.  આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 13,000 કરોડ રૂપિયાથી વધુ છે.  આ પ્રોજેક્ટ્સ ગિફ્ટ સિટીના સ્થાનિક અને એસઇઝેડ ઝોનમાં થઈ રહ્યા છે. સેવી ગ્રૂપના સીએમડી જક્ષય શાહે જણાવ્યું હતું કે, સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણાધીન છે, અને ગિફ્ટ સિટીમાં વોક-ટુ-વર્ક લાઇફ આકાર લઈ રહી છે.

ટોચની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ ગિફ્ટ સિટીમાં આવી રહી છે અને ત્યાં શાળાઓ, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો, ક્લબ્સ અને રિવરફ્રન્ટ્સ વિકાસ હેઠળ છે.  ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ભવિષ્યનું આયોજન ચાલી રહ્યું છે.  આગામી ત્રણ વર્ષમાં ગિફ્ટ સિટીમાં 40 બિલ્ડીંગો બનશે.  ગિફ્ટ સિટી માટે વિવિધ કંપનીઓમાં ભારે રસ છે અને તેઓ અહીં બેઝ સ્થાપવા માંગે છે, શિલ્પ બિલ્ડર્સના સીએમડી યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.