Abtak Media Google News

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ બંધ કવરમાં આવેલું નામ જાહેર કર્યું: અભિનંદન વર્ષા

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ કક્ષાએથી વધુ એકવાર ગોરધન ધામેલીયાને મેન્ડેટ આપવામાં આવતા વધુ અઢી વર્ષ સુધી ગોરધન ધામેલીયા જ ડેરીનું સુકાની સંભાળનાર છે.

Advertisement

સૌરાષ્ટ્રના સૌથી મોટુ દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં લાખો પશુપાલકો જોડાયેલા છે ત્યારે રાજકોટ ડેરીની ચૂંટણી પર સૌરાષ્ટ્ર આખાની મીટ મંડાઇ હતી. ત્યારે આજે બપોરે 12 વાગ્યે પ્રદેશ ભાજપમાંથી આવેલુ મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગોરધનભાઈ ધામેલીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટ ડેરીની ચૂંટણીમાં મુખ્યત્વે અનેક ટર્મ સુધી ડેરીનું સુકાની પદ સંભાળનાર ગોવિંદભાઇ રાણપરીયા અને ગોરધનભાઈ ધામેલીયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. અંતિમ ઘડી સુધી સહકારી આગેવાનો વચ્ચે જબરું સસ્પેન્સ જોવા મળ્યું હતું.

રાજકોટ જિલ્લાની બીજા નંબરની સહકારી સંસ્થા રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સરકારી સંઘ (રાજકોટ ડેરી)નાં ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાની અઢી વર્ષની મુદત પુરી થતા આજે બાકીના અઢી વર્ષ માટે નવા ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. તેમાં ફરી એક વખત સહકારી નેતા જયેશ રાદડીયા જૂથના ગોરધન ધામેલીયાને રિપીટ કરાયા હતા અને સર્વાનુમતે ચેરમેન તરીકે ધામેલીયાની નિમણુંક કરવામાં આવી હતી.

રાજકોટ ડેરીના ચૂંટાયેલા સભ્યોની ગત સોમવારે ભાજપના નિરીક્ષકોએ સેન્સ લીધી હતી અને ત્યારબાદ સભ્યોની લાગણી ભાજપ હાઇકમાન્ડને પહોંચાડી હતી. જોકે, મોટાભાગના સભ્યોએ જયેશ રાદડીયા અને પક્ષ નકકી કરે તે શિરોમાન્ય હોવાની લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન આજે સવારે 12 વાગ્યે ડેપ્યુટી કલેકટર કે.જી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજકોટ ડેરીની બોર્ડ બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં પક્ષમાંથી નકકી કર્યા મુજબનું કવર ખોલાયું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ આ કવર ખોલ્યું હતું અને તેમાં ચેરમેન પદ માટે ગોરધન ધામેલીયાનું નામ નીકળ્યું હતું. આજે ફરી અઢી વર્ષની મુદ્દત માટે ગોરધન ધામેલીયાનું નામ રિપીટ થતાં આગેવાનોએ તેમને વધાવ્યા હતાં. આ ઉપરાંત જયેશ રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે.

ડેરીમાં રાદડિયા જૂથનો દબદબો યથાવત

અગાઉ સોમવારે રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ – ઉપપ્રમુખ અને રાજકોટ ડેરીના ચેરમેન માટે પ્રદેશ ભાજપ કક્ષાએથી સેન્સ લેવામાં આવી હતી ત્યારે મોટાભાગના ડિરેકટરોએ પ્રદેશ ભાજપ અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા જે નક્કી કરે તે શિરોમાન્ય તેવો શૂર વ્યક્ત કર્યો હતો. ત્યારે રાજકોટ ડેરીના ચેરમેન માટે ગોવિંદભાઇ રાણપરીયા અને ગોરધનભાઈ ધામેલીયા પ્રબળ દાવેદારો હતા અને બંને સહકારી આગેવાનો રાદડિયા જૂથના હોવાથી રાદડિયા જૂથનો દબદબો રાજકોટ ડેરીમાં યથાવત રહ્યો છે.

ભેળસેળયુક્ત દૂધ પર તૂટી પડવાનું વિઝન : પશુપાલકોના હિતમાં નિર્ણય કરવાની ધામેલીયાની પ્રાથમિકતા

રાજકોટ ડેરીના ચેરમેનપદે રિપીટ થતાં ગોરધનભાઈ ધામેલીયાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન પશુપાલકો અને ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાના વડા તરીકે પશુપાલકો અને ખેડૂતોને મહતમ લાભ આપી શકાય તેવી તેમની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ખાનગી ડેરીઓમાં યુરિયા સહિતનું ભેળશેળયુક્ત દૂધ વેંચાતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ બંનેને રજુઆત કરીને આ પ્રકારના દૂધ પર તૂટી પડવાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે વધુ ભાવ આપવા બાબતે જણાવ્યું હતું કે, હાલ રાજ્યભરની એકાદ-બે ડેરીઓને બાદ કરતાં રાજકોટ ડેરી પશુપાલકોને સૌથી ઊંચા ભાવ આપી રહી છે અને આગામી દિવસોમાં પશુપાલકો, ખેડૂતો અને ડેરીની ટીમ સાથે સંકલન કરીને યોગ્ય નિર્ણય કરવા જણાવ્યું હતું.

રા.લો.સંઘની ચૂંટણી પર મંડાતી મીટ ભાજપના બે જૂથ વચ્ચે જબરી ખેંચતાણ

રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સહકારી સંઘમાં ભાજપના જ બે જુથ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. રા.લો.સંઘના વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને વાઈસ ચેરમેન સંજય અમરેલીયા છે. સામે અગાઉ વર્ષો સુધી રા.લો.સંઘમાં શાસન કરનાર નીતિન ઢાંકેચાનું જુથ ચેરમેન પદ માટે પડયું છે અને તેની સાથે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ પણ હાથ મિલાવી લેતા ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

રા.લો.સંઘના કુલ 19 ડિરેકટરમાંથી એક જુથ પાસે 10 થી 11 અને બીજા જુથ વચ્ચે 8 થી 9 સભ્યો હોવાનું જાણવા મળે છે. એક જુથે વર્તમાન ચેરમેન નરેન્દ્ર સિંહ જાડેજાએ ભ્રષ્ટાચાર મુકત વહીવટ ચલાવ્યો હોવાથી આગામી અઢી વર્ષ તેમને જ ફરી ચેરમેન બનાવવા રજૂઆતો કરી હતી, જ્યારે બીજા જુથ નીતિન ઢાંકેચા અથવા અરવિંદ રૈયાણીને ચેરમેન બનાવવા રજુઆત કરી હતી. બન્ને જૂથની ખેંચતાણ વચ્ચે ભાજપ હાઈકમાન્ડ રા.લો.સંઘના ચેરમેન પદ માટે કોના નામનો મેન્ડેટ આપે છે તે આગામી તા.17મી એપ્રિલે સ્પષ્ટ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.