Abtak Media Google News

ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતને ગ્રાહ્ય રખાઇ: તાલુકાના ૨૦ ગામોમાં ધોવાયેલી જમીનમાં થયેલી નુકસાનીનો ટૂંકમાં સર્વે કરાશે

ચોમાસાના પ્રારંભે જ ઉપલેટા તાલુકા પર મેઘરાજાએ અતિ મહેર વરસાવી હતી. આ અતિ વરસાદના કારણે તાલુકામાં આવેલા તમામ ડેમો ઓવરફલો થઈ જવા પામ્યા હતા. ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે ડેમોમાં પાણીની આવક સતત ચાલુ રહેતા તંત્ર દ્વારા પાણીને છોડવામાં આવ્યું હતું. જેના કારણે તાલુકાના ૨૦ ગામોની ખેતી જમીનો ધોવાઈ જવા પામી હતી. ખેતી જમીનોને થયેલા આ નુકશાનનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપવા ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર સમક્ષ માંગ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને રાજ્ય સરકારે ધોવાઈ ગયેલી ખેતીની જમીનનો સર્વે કરવાનો હુકમ કર્યો છે.

U 2

તાજેતરમાં ઉપલેટા વિસ્તારને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડતા ડેમ વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ભરાઈ જવાને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી કાંઠાના ગામોની જમીન સંપૂર્ણ ધોવાણ થતાં કરોડો રૂપિયાના પાકની સાથે હજારે વીઘા જમીન ધોવાઈ જતાં ખેડૂતોને પારાવાર નુકશાન થવા પામેલ હતું. આ સમગ્ર કુદરતી આપતીને ધ્યાનમાં લઈ ધારાસભ્યએ સરકારમાં આધાર-પુરાવા સાથે રજૂઆત કરતા એને રાજ્ય સરકારે તાલુકાના ૨૦ ગામની જમીનનો સર્વે કરવા આદેશ આપ્યો છે.

આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે, થોડાક દિવસો પહેલા ઉપલેટા તાલુકામાં કુદરતી આફત ખેડૂત પર આવી પડી હતી. તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા વેણુ ડેમ-મોજ ડેમના ઉપરના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમ ભરાઈ જવાથી બન્ને નદીના કાંઠાના વિસ્તારો તેમજ ભાયાવદરની સીમમાંથી પસાર થતી રૂપાવટી નદી આ ત્રણેય નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે આ પાણી તાલુકાના ૨૦ ગામો નીલાખા, ઈશરા, ગણોદ, મેખાટીંબી, વરજાંગ જાળીયા, નાગવદર, મોટી પાનેલી, હરિયાસણ, સાતવડી, ચરેલીયા, જાળ, ઢાંક, ઉપલેટા, કોલકી, ખારચીયા, ભાયાવદર, ખાખી જાળીયા, મોજીરા, મેરવદર, તણસવા સહિત ગામોની જમીનમાં વાવેલ કરોડો રૂપિયાના પાકો તેમજ હજારો વીઘા જમીન સંપૂર્ણ પાણીના કારણે ધોવાણ થઈ ગયું હતું. આને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાની નુકશાની થવા પામેલ હતી. આ સમગ્ર વિગત જે તે ખાતાના અધિકારીઓને જાણ કરી પત્ર લખેલ પણ કોઈ જવાબ નહીં આવતા અને સર્વેની કામગીરી ચાલુ નહીં કરતા  હું રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ પાસે રૂબરૂ મળી જમીનના ધોવાણના ફોટા તથા વીડીયો રૂબરૂ બનાવી આખી ઘટનાની વાત કરી તાત્કાલિક ધોરણે જમીનનું સર્વે કરાવી વળતર ચૂકવવા માંગણી કરેલ હતી. રાજ્યના નાણામંત્રીએ આ વાતની ગંભીર નોંધ લઈ તાત્કાલિક ધોરણે જિલ્લા વિકાસ અધિકારી સુચના આપતા સર્વેની કામગીરી માટે તાલુકાના તલાટીઓ ગામ સેવકોની ટીમ બનાવી જે તે વિસ્તારમાં ગામ સરપંચોને સાથે રાખી તાત્કાલીક ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.