Abtak Media Google News

કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં ખાનગી શાળાઓમાં બાળકોના પ્રવેશમાં ઘટાડો થયો છે જ્યારે સરકારી શાળાઓમાં એનરોલમેન્ટમાં વધારો દેખાયો છે

ગુજરાતમાં હવે ખાનગી શાળાઓના બદલે ધીરે-ધીરે સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. તાજેતરમાં જ લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં ખાનગી શાળાઓમાં બાળકોના પ્રવેશમાં ઘટાડો થયો છે જ્યારે સરકારી શાળાઓમાં એનરોલમેન્ટમાં વધારો દેખાયો છે.

Advertisement

ગુજરાતમાં છેલ્લાં 4 વર્ષમાં 453 નવી સરકારી શાળાઓ ખુલી છે. રાજ્યમાં 3 વર્ષની અંદર ખાનગી શાળામાં પ્રવેશ 5 લાખ ઘટ્યો છે. જ્યારે સરકારી શાળાઓમાં 3 લાખ વિધાર્થીઓનો વધારો થયો છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં હાલમાં 14,767 શિક્ષકોની જગ્યા ખાલી છે.

રાજ્યમાં હવે ખાનગી શાળાની સામે સરકારી શાળાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે સરકારી શાળાનું નામ સાંભળતા જ લોકોના નાકનું ટીચકું ચઢી જતું.જોકે બદલાતા સમય સાથે સ્થિતિએ એવો પલટો માર્યો છે. અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે પણ વાલીઓ-વિદ્યાર્થીઓ સતત ઝઝૂમી રહ્યા છે.

સરકારી શાળામાં તાલીમબદ્ધ અને કુશળ શિક્ષકો ઉપરાંત રમત-ગમ્મતના મેદાન, પુસ્તકો તથા માળખાકીય સુવિધાઓથી સજ્જ હાઈટેક સ્કૂલ સરકારી સ્કૂલોને લીધે એડમિશન માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. બીજી તરફ શિક્ષણના નામે આવકની દુકાન ખોલી બેઠેલ અમુક ખાનગી શાળા સંચાલકોના પાપે વાલીઓનો હવે ખાનગી શાળાઓ પરથી મોહભંગ થયો છે.

ખાનગી શાળાઓમાં રમત-ગમ્મતના મેદાનનું નહિવત અસ્તિત્વ ઉપરાંત ગ્રામ્ય કક્ષાની મોટાભાગની ખાનગી શાળાઓમાં કુશળ શિક્ષકોનો આભાવ છે. કોરોનાકાળમાં પણ ન કરાયેલ સંપૂર્ણ ફ્રી માફી તેમજ અમુક શાળા સંચાલકો તમામ નીતિ નિયમો નેવે મૂકી તગડી ફ્રી તો ઠીક પણ પુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મ પણ પોતાના મળતીયાઓ પાસેથી ખરીદવાનું દબાણ કરતાં હોવાની પણ ભૂતકાળમાં વાલીઓમાંથી રાવ ઉઠી હતી. આવી તમામ પ્રતિકૂળતા અને દાદાગીરીને લઈને હવે ખાનગી શાળાઓની લોકપ્રિયતાનો દશકો ખતમ થવાના આરે હોય તેવું લાગી રહ્યું છે.

છેલ્લાં 3 વર્ષમાં ત્રણ લાખનો વધારો

2019-20માં 47 લાખ ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટ થયું છે. જેની સામે 2021-22માં 41.55 લાખ ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટ થયું હતું. 3 વર્ષમાં ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટમાં 5.50 લાખ બાળકોનો ઘટાડો નોંધાયો છે. જેની સામે સરકારી શાળાઓમાં છેલ્લાં 3 વર્ષમાં ત્રણ લાખનો વધારો થયો છે.

છેલ્લા 4 વર્ષમાં દેશમાં કુલ 7600 નવી સરકારી શાળાઓ ખુલી

2021-22માં માત્ર 42 જ નવી શાળાઓ ખોલવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં દેશમાં કુલ 7600 નવી સરકારી શાળાઓ ખુલી છે જેમાં બિહારમાં 2827 શાળાઓ નવી ખુલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.