Abtak Media Google News

વેટમાં ઘટાડાના પગલે પેટ્રોલ-ડીઝલમાં રૂ.૪ થી ૬નો ઘટાડો થાય તેવી આશા: ગુજરાતના પગલે ભાજપ શાસીત અન્ય રાજયો પણ કર ભારણ ઘટાડશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વડપણ હેઠળ ચાલતી ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર કરનું ભારણ ઘટાડયું છે. આ સાથે જ ગુજરાત ઈંધણ પર કર ભારણ ઘટાડનાર દેશનું પ્રથમ રાજય બની ગયું છે. બે દિવસ પૂર્વે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રીએ રાજયોને પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા વેટમાં ૫ ટકા સુધીનો ઘટાડો કરવા અપીલ કરી હતી. જેનો સૌથી પહેલો પ્રતિસાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આપ્યો હતો. પેટ્રોલ-ડીઝલ પર કર ભારણ ઘટાડવા ઉપરાંત અન્ય આર્થિક નિર્ણયોની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ઉપર સેસ સાથે કુલ વેટ ૨૮ ટકા જેટલો વસુલવામાં આવે છે. ૨૦૦૮માં વિશ્ર્વભરમાં આર્થિક મંદીની ભયાનક અસર ભારત પર થઈ ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની આયાત, જકાત અને એકસાઈઝમાં ઘટાડો કરી રાજયોને પોતાના વેરા ઘટાડવા અપીલ કરી હતી. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર પ્રધાનોની સમીતી બનાવી તેની ભલામણના આધારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ત્રણ ટકાનો ઘટાડો કર્યો હતો. અલબત ૨૦૧૪ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૈશ્ર્વિક કારણોથી થતા ઘટાડાના પગલે સરકારે વેરાની આવકને જાળવી રાખવા બન્ને પેદાશો પર વેટ અને સેસના દરમાં વધારો કર્યો હતો.

પેટ્રોલ પરનો વેટ ૨૩ ટકા અને ૨ ટકા સેસમાં અનુક્રમે ૧ ટકા અને ૨ ટકાનો વધારો કરી કુલ ૨૮ ટકાનો વેરો નિયત કર્યો હતો. ડીઝલ પરનો વેટ ૨૧ ટકા અને ૩ ટકા સેસ હતી તે અનુક્રમે ૩ ટકા અને ૧ ટકા વધારીને ૨૮ ટકા વેરો નિયત કર્યો હતો. જેના કારણે પેટ્રોલ-ડીઝલ અનુક્રમે રૂ.૧.૯૦ અને રૂ.૧.૮૨ પ્રતિ લીટર મોંઘુ થયું હતું. જયારે પેટ્રોલ રૂ.૬૨ અને ડીઝલ રૂ.૫૦ પ્રતિ લીટરની આસપાસ હતા. આજે પેટ્રોલ રૂ.૭૦ થી ૭૧ તથા ડીઝલ રૂ.૬૨ થી ૬૩ની આસપાસ છે.

હવે સરકારે ચૂંટણીને અનુલક્ષીને વેટમાં ૫ ટકાનો ઘટાડો કરતા કિંમતમાં ૪ થી ૬ જેટલો પ્રતિ લીટર ઘટાડો થશે. પેટ્રોલ-ડીઝલ ઉપરનું વેરાનું ભારણ ઘટાડનાર પ્રથમ રાજય ગુજરાતને ભાજપ શાસીત અન્ય રાજયો અનુસરે તેવી શકયતા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ સહિતના રાજયો વેટ ઘટાડવા મુદ્દે આગળ આવશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. બિહાર પણ પેટ્રોલ-ડીઝલ પરના કરમાં ઘટાડો કરે તેવી શકયતા છે. રાજયો દ્વારા વેટમાં થતા ઘટાડાનો સીધો ફાયદો લોકોને રાહત અપાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.