Abtak Media Google News

શિક્ષણ ક્ષેત્રમાં ૬૬૬ કરોડ રૂ.ના ખર્ચે ૧,૯૦૬ યોજનાનું લોકાર્પણ અને ૩,૬૩૨ યોજનાઓનું ખાતમૂહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સતત વિકસતા જતા ગુજરાતમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વેગવંતી બને તે માટે રૂપાણી સરકારે ૬૬૬ કરોડ રૂ.ના ખર્ચે નવી યોજનાઓનો પ્રારંભ કર્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં તેમની સરકારનો એક વર્ષપૂર્ણ થવાનો અનુલક્ષીને યોજાયેલા એક કાર્યક્રમમાં ૧,૯૦૬ યોજનાઆનું લોકાર્પણ અને ૩,૬૩૨ યોજનાઓનું ખાતમૂહૂર્ત કર્યું હતુ. જેમાં નવા કલાસરૂમો, નવી પોલીટેકનીકો, નવી આંગણવાડી સહિતના કામોનો સમાવેશ થાય છે.રાજયમાં ફરી વખત વિજયભાઈ રૂપાણીની સરકાર આવ્યા બાદ તેને એક વર્ષ પૂર્ણ થતા ગઈકાલે ગાંધીનગરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયમાં શૈક્ષણીક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વિવિધ નવી યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં શાળાથી લઈને કોલેજોમાં બનેલા ૫,૧૭૯ વર્ગ ખંડો નવી બનેલી નવા પોલીટેકનીકો અને ૩૫૦ નવી આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ બાયગેસ મારફત વિડિયો કોન્ફરન્સમાં ૨૧ જિલ્લાનાં ૧,૫૫૦ સેન્ટરોમાં ૧.૧૫ લાખ વિદ્યાર્થી, વાલીઓ અને લાભાર્થીઓને સંબોધતા વિજયભાઈએ આ યોજનાઓનો શુભારંભ કર્યો હતો.આ પ્રસંગે પોતાના સંબોધનમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે આ કાર્યક્રમ નવા ભારતના સ્થાપના સમાન છે.તેમણે નવા નિર્માણ પામેલા વર્ગખંડ અને શૈક્ષણીક સંગઠ્ઠનોમાં સ્વચ્છતા જાળવવા તેને મદિર તરીકે ગણવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. તેમને ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા માટે કાળજી લેવા અને સમયસર કામ પૂર્ણ કરીને પૈસાનો યોગ્ય સ્થળે ઉપયોગ થાય તે જોવા પણ જણાવ્યું હતુ રૂપાણીએ સુશાસન દ્વારા રાજયનો સર્વાંગી વિકાસ કરીને ગુજરાતને દેશનું રોલ મોડલ બનાવવા હાકલ કરી હતી.આ તકે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે રાજય સરકાર માત્ર થોડા વિકાસકામો કરવામાં નહી પરંતુ જથ્થાબંધ વિકાસકામો કરવામાં માને છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈની જન્મજયંતિ દિવસ કે જેને સરકાર ગૂડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવા માંગે છે. આ દર્શાવે છે કે ગુજરાત સરકારનું કામકાજ સુશાસીત સરકાર આપી રહી છે.રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તકે જણાવ્યું હતુ કે રૂ.૬૬૬ કરોડના ખર્ચે શરૂ કરાયેલા આ કામોને હેતુ સારી માળખાકીય સુવિધા પ્રાથમિક શાળાથી લઈને ટેકનીકલ કક્ષા સુધી પુરી પાડવાનો છે. રાજયના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા નવા વિચારો સાથેની યોજનાઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ ચાલી રહ્યા છે. આ પ્રસંગે આદિજાતી કલ્યાણ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં શિક્ષણનો વધુ મહત્વ આપવામાં આવી રહ્યાનું જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.