Abtak Media Google News

ધોરાજીમાં એક દિવસમાં વધુ ૧૧ પોઝિટિવ, એકનું મોત: જામકંડોરણા, જસદણ,જેતપુર, ઉપલેટા અને ગોંડલમાં કોરોના સંક્રમણ

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંગલાના ગાર્ડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ: ૧૦ કર્મીઓ ક્વોરેઇન્ટઇન

રાજકોટ જિલ્લામાં કોરોનાએ એક દિવસમાં અડધી સદી નોંધાવતા એક દિવસમાં ૫૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૪૫૦ નજીક પહોંચી ગયો છે. જ્યારે બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલા પુરુષ મ્યુનિસિપલ કમિશ્નર બંગલાના ગાર્ડનો હોવાનું જાણવા મળતા વધુ ૧૦ કર્મીઓને ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં ધોરાજીમાં એક દિવસમાં વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ અને એકનું મોત થયાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય તાલુકામાં જામકંડોરણા, જસદણ, જેતપુર, ઉપલેટા અને ગોંડલમાં વધુ કોરોના સંક્રમણનો ફેલાવો યથાવત રહ્યો છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈ કાલે ૫૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.  જેમાં શહેરી વિસ્તારોમાં વધુ ૨૨ લોકો કોરોના સંક્રમણમાં સપડાયા છે. શહેરમાં ૭૦થી વધુ વિસ્તારમાં કોરોના પગ પેસારો થયો છે. ગઈ કાલે શહેરમાં રૈયા રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પરસાણાનગર, નવલનગર અને આનંદનગર માં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.  શહેરી વિસ્તારમાં અત્યાર સુધી કુલ ૨૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

બે દિવસ પહેલા કોરોનાની ઝપટે આવેલા ભાવેશભાઈ નામના પુરુષને રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આજ રોજ જાણવા મળ્યા મુજબ પોઝિટિવ યુવાન મ્યુનિસિપલ કમિશ્નરના બંગલામાં ગાર્ડ તરીકે કામ કરતી હોવાની જાણ થતાં વધુ ૧૦ કર્મીઓને ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લામાં પણ ગઈ કાલે કોરોનાનું મોજું ફરી વળ્યું હોય તેમ વધુ ૨૯ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ધોરાજીમાં ૧૧ પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામા કોરોના વાયુવેગે ફેલાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૬૬ પર પહોંચી છે. જ્યારે ગઈ કાલે નદીબજારમાં ચપ્પલની દુકાન ધરાવતા અશરફભાઈ અહેમદભાઈ ડાંગરા નામના ૬૫ વર્ષના વૃદ્ધનું જૂનાગઢ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અન્ય તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં જામકંડોરણાના ગુંદાસરી ગામના સરપંચ સહિત ૩ લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. જ્યારે જસદણ તાલુકામાં તલાટી મંત્રી સહિત વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વધુમાં ઉપલેટમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત વધુ ૫ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જેતપુરમાં ૩, અને ખોખડદળ અને વિછીયામાં વધુ એક એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે. જૂનાગઢમાં શહેરમાં ૧૦ અને ગ્રામ્યમાં ૬ મળી કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જોષીપુરા, ટીમબાવડી સહિતના વિસ્તારોમાં ત્રણ સ્ત્રી, એક વૃદ્ધ અને ૬ પુરૂષો કોરોનાની ઝપટે ચડ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં વંથલી, કેશોદ, વિસાવદર અને માખીયાલા સહિતના ગામમાં કોરોનાના વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર વધી રહ્યો છે.જિલ્લામાં એક દિવસમાં વધુ ૧૬ વ્યક્તિઓ કોરોના સંક્રમણમાં પોઝિટિવ જાહેર થયા છે. જેની સાથે કોરોના પોઝિટિવ કેસ ૨૨૬ પર પહોંચ્યો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં એક સાથે વધુ ૧૧ કોરોના પોઝિટિવ અને ગ્રામ્યમાં વધુ ૫ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.

જામનગરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે ત્યારે દિન-પ્રતિદિન વધતા જતા કોરોના પોઝીટીવ કેસ અને મૃત્યુઆંકથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જામનગરમાં આજરોજ કોરોનાનાં વધુ પોઝીટીવ સાથે બે વૃદ્ધનાં મોત નિપજયાનું જાણવા મળ્યું છે. જામનગરમાં કોરોનાગ્રસ્ત ૭૫ વર્ષનાં વૃદ્ધ અને ૬૭ વર્ષનાં વૃદ્ધા આઈસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન દમ તોડતા કોરોના મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.