માનવના જીવનમાં લાઇફ મેકર, પ્રોટેકટર અને લાઇફ સેવરનું કામ હોસ્પિટલ કરે છે: ધીરગુરૂદેવ

ધરમપુરમાં 16 કરોડના ખર્ચે અતિ આધુનિક ડો.સી.જે.દેસાઇ ડે-કેર અને ડાયગ્નોસ્ટીક સેન્ટરનું ચંદ્રવદન દેસાઇના હસ્તે ઉદ્ઘાટન

 

વલસાડ-વાપીની મધ્યમાં ગુજરાતના રજવાડી ધરમપુર ગામે માલણપાડા, સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે રાજકોટના વતની હાલ કલકત્તા ડો.સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ ફાઉન્ડેશનના ઉપક્રમે 16 કરોડના ખર્ચે નવનિર્મિત અતિ આધુનિક અને સાતાકારી ડે-કેર એન્ડ ડાયગ્નોસ્ટીક સેન્ટરનું ઉદ્ઘાટન 11 માર્ચના પૂ.ધીરગુરૂદેવના મંત્રોચ્ચારે ચંદ્રવદનભાઇ દેસાઇ, જ્યોત્સના દેસાઇ, પ્રણય દેસાઇ, શૈલી દેલાઇ, જ્યોતિબેન તુરખીયાના હસ્તે “આરુગ્ગ બોહિલાભં” જયનાદે કરાતાં હર્ષોલ્લાસ છવાયો હતો.

 

સમારોહ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશનના આત્માર્પિત મૌલિકજી, અપૂર્વજી, રક્ષિતજી તેમજ ટ્રસ્ટી મહેશ ખોખાણી, મહેન્દ્ર પારેખ તથા વીરાયતન પરિવારના યશાજી, સંઘ મિત્રાજી તદુપરાંત નિર્માણ નિયોજક અરવિંદભાઇ દેસાઇ, હિરેનભાઇ શાહ (રૂબી મિલ), હસમુખભાઇ શેઠ, યોગેન લાઠીયા, માલિનીબેન સંઘવી, મનોજ અને અતુલ અજમેરા, અભય શાહ, સંજય સંઘવી, મીતેશ શાહ, ઉર્વિશ વોરા, નવીનભાઇ દોશી, કમાણી જૈન ભવન, વેસુ સંઘના ટ્રસ્ટી, પ્રશાંત વોરા, રાજેશ વિરાણી, બીનાબેન શેઠ, ડો.બીજલ મહેતા વગેરેની હાજરી હતી. સૂત્ર સંચાલક અજયભાઇ શેઠએ પરિચય વિધિ અને દેસાઇ પરિવારની ઉદાર ભાવનાને બિરદાવી હતી. વિરાણી બહેરા-મૂંગા શાળાની ક્ધયાઓએ ગણેશ વંદના રજૂ કરતા સહુ ભાવવિભોર બન્યા હતાં. ઇન્ડોર સ્પોર્ટ્સ વિભાગમાં દેસાઇ પરિવારે 31 લાખ રૂપિયાના અનુદાનની ઘોષણા કરેલ. ધર્મસભાને સંબોધતા ગુરૂદેવે જણાવેલ કે મહાવીર પ્રભુના અપરિગ્રહ સંદેશને સાર્થક કરનાર ચંદ્રવદનભાઇએ આજ સુધીમાં આશરે 81 કરોડનું દાન કરેલ છે. 16 કરોડના ખર્ચે સંપૂર્ણ સેન્ટરનું નિર્માણ અને 14 ડાયાલિસીસ મશીન તથા આંખની સર્જરી નિ:શુલ્ક કરાશે. તેમજ પેથોલોજી, એક્સ-રે, સોનોગ્રાફી, તપાસ વગેરે રાહતદરે કરી આપવામાં આવશે. આ ડે-કેર હોસ્પિટલ લાઇફ મેકર-રોગની અસ્ત-વ્યસ્તતામાં જિંદગી બનાવશે. લાઇફ પ્રોટેક્ટર જીવન રક્ષક બની શકશે. લાઇફ સેવર – જિંદગી બચાવી પણ શકે. આવા ઉમદા કાર્ય કરવા બદલ સહુએ અનુમોદના કરેલ. અરવિંદભાઇ પ્રાણલાલ દેસાઇની નિર્માણ સેવાને ખૂબ જ બિરદાવવામાં આવેલ. અંતમાં પ્રસાદ લઇ સહુ ભાવવિભોર હૈયે વિખરાયા હતાં.