Abtak Media Google News
  • 48 કલાકમાં ખૂલાસો આપવાની તાકીદ કરતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી: કોર્પોરેટરપદેથી પણ હકાલપટ્ટી થવાની પ્રબળ સંભાવના

રાજકોટ શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજનામાં ગેરકાયદે 19 જેટલા આવાસો હડપ કરી જવાના કથીત કૌભાંડમાં ભાજપના બે નગરસેવિકાઓના પતિદેવો સામે આક્ષેપો થઇ રહ્યા છે. ગઇકાલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન પદેથી રાજીનામું લઇ લેવાયા બાદ આજે વોર્ડ નં.6ના નગરસેવિકા દેવુબેન જાદવ અને વોર્ડ નં.5ના નગરસેવિકા વજીબેન ગલોતરને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. 48 કલાકમાં ખુલાસો પૂછવામાં આવ્યો છે. બંનેની કોર્પોરેટર પદેથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કથીત આવાસ યોજના કૌભાંડનો રિપોર્ટ આજે આવ્યા બાદ દેવુબેન જાદવ અને વજીબેન ગલોતરને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવણીમાં તેઓની સામે થયેલા આક્ષેપ અંગે ખુલાસો રજૂ કરવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તેઓને પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. શો-કોઝ નોટિસ અંગે બંને નગરસેવિકા દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવશે. તે પ્રદેશમાં મોકલી દેવાશે અને પ્રદેશની સૂચના મુજબ ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને નગરસેવિકાઓની હકાલપટ્ટી કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

માલિકીનું મકાન ધરાવતા 23 કુટુંબોના આવાસ રદ કરાશે

સર્વે દરમ્યાન સાગરનગરના 148 ઈમલાઓ માટે 304 લાભાર્થીઓના ડોક્યુમેન્ટ રજુ થયેલ અને બેટ દ્વારકાના 84 ઈમલાઓ માટે 139 લાભાર્થીઓના ડોકયુમેન્ટ રજુ થયેલ. જેની સ્લમ રી-ડેવલપમેન્ટ પોલીસી પ્રમાણે પુન:ચકાસણી કરવામાં આવેલ. જે પૈકી સાગરનગરના 154 લાભાર્થીઓના ડોક્યુમેન્ટ અને બેટ દ્વારકાના 39 લાભાર્થીઓના ડોકયુમેન્ટ પ્રાથમિક રીતે યોગ્ય જણાતા, તેઓની તૈયાર કરવામાં આવેલ યાદી પૈકી રાજકોટ મહાનગરપાલિકાના ડેટા બેઝમાંથી મેળવેલ માહિતી મુજબ સાગરનગરના 24 અને બેટદ્વારકાના 07 લાભાર્થીઓના ભળતા નામોની અન્ય પ્રોપર્ટીની વિગતો મળી આવેલ છે.

જેની ખરાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. વોર્ડ ઓફિસર્સ તથા આવાસ યોજના (ટેકનીકલ) સ્ટાફ દ્વારા તૈયાર થઇ આવેલ રીપોર્ટ મુજબ 23 કુટુંબો અન્ય જગ્યાએ માલિકી હક્કનું મકાન ધરાવે છે તેવું ધ્યાને આવેલ છે. તેથી નિયમાનુસાર તેમને ફાળવેલ આવાસ રદ કરવાના રહે છે.  આ ઉપરાંત આવાસ યોજના વિભાગમાં લાભાર્થીઓ દ્વારા રજુ થયેલ તમામ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવતા સાગરનગર અને બેટદ્વારકાના 193 લાભાર્થીઓ પૈકી 14 લાભાર્થીઓના ડોક્યુમેન્ટ્સમાં પુન:ચકાસણી, સ્થાનિકે વેરીફીકેશન અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ ચકાસવા જરૂરી જણાય છે. તેથી તેઓની ફાળવણી હાલમાં પેન્ડીંગ રાખવામાં આવે છે. ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લેતા કુલ 23 આવાસોની ફાળવણી રદ કરવાની થાય છે,

14 લાભાર્થીઓના ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સની પુન: ચકાસણી કરવાની થાય છે. આ સાથે તમામ લાભાર્થીઓના ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી તેમની પાસેથી તેઓ અથવા તેમના પરિવાર અન્ય કોઈ જગ્યાએ પોતાની માલિકીનું મકાન ધરાવતા નથી તે પ્રકારનું નોટરાઈઝ સોગંદનામું મેળવીને આવાસ ફાળવણીની કાર્યવાહી કરવાની રહેશે તેમજ જે આસામીઓ દ્વારા નિયમ વિરુદ્ધ આવાસ મેળવવા પ્રયત્ન કરેલ છે તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવાની રહેશે.

આવાસ કૌભાંડમાં કર્મચારીઓની સંડોવણીની પણ શંકા: સીપી પાસે તપાસ કરાવો

Housing Scam: Show-Cause Notices To Devuben Jadav And Vajiben Goltar
Housing scam: Show-cause notices to Devuben Jadav and Vajiben Goltar

બંને કોર્પોરેટરોને તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરવાની માંગ સાથે કોંગ્રેસે સતત બીજા દિવસે આપ્યું આવેદન

શહેરના સંતકબીર રોડ પર આવેલી કોર્પોરેશનની ગોકુલ નગર આવાસ યોજનામાં ભાજપના બે નગરસેવિકાના પતિદેવોએ ભ્રષ્ટાચાર આદરી આવાસ મેળવી લીધા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. દરમિયાન આ ઘટના અંગે આજે સતત બીજા દિવસે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

સમગ્ર કૌભાંડમાં કોર્પોરેશનના કર્મચારીઓની પણ બરોબરની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસ કમિશનર અથવા સ્ટેટ મોનિટરીંગ સેલના વડા પાસે તટસ્થ તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સતત બીજા દિવસે આવાસ કૌભાંડ મામલે મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આવાસ યોજનાના ટેકનિકલ શાખાના અધિકારીની માસ્ટર માઇન્ડ કામગીરી થકી સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારીના બદલે નવેસરથી તપાસ સમિતિ બનાવી પોલીસ કમિશનર કે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા પાસે તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઇ જાદવ અને વજીબેન કવાભાઇ ગોલતરે ભ્રષ્ટાચાર કર્યો હોય તેઓને પદભ્રષ્ટ કરવાની માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.