Abtak Media Google News

એ જ ગાંધીબાપુના કારણે આજે રેટિંયો શબ્દ લોકપ્રિય છે

ખાદીનું મહત્વ વર્ણવતા ગાંધીજીએ લખ્યું છે: ખાદી મહાન સંદેશો લઈને આપણી વચ્ચે આવી છે. વરસમાં લગભગ ચાર મહિના ફરજિયાત બેસી રહેતા લાખો-કરોડો લોકોને ઈજ્જતદાર ધંધો આપવાની એનામાં શક્તિ છે. એમાંથી મળનારી મજૂરીની વાત બાજુએ મૂકીએ તો પણ એ કામ જ સ્વયં વળતરરૂપ આશીર્વાદરૂપ છે, કારણ કે જો કરોડો લોકો કશા કામધંધા વગર ફરજિયાત બેકારી વેઠ્યા કરે તો તેઓ આધ્યાત્મિક, માનસિક તેમજ શારીરિક મૃત્યુના પંથે જ જાય. એથી ઊલટું, રેંટિયાથી લાખો ગરીબ કાંતનારાઓનું સમાજમાં આપોઆપ લેખું થવા માંડે છે. સમાજમાં તેમનું સ્થાન અને દરજ્જો વધે છે.

 

ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક.... | India News In Gujarati

1915માં દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી હિન્દુસ્તાન પરત ફર્યા ત્યાં સુધી તેમણે રેંટિયો જોયો ન હતો. ગંગાબહેન નામના એક મહિલાએ વીજાપુરમાં તેમને 1917માં રેંટિયો શોધી આપ્યો. ગાંધીજીએ પોતાની આત્મકથામાં ‘મળ્યો’ નામથી રેંટિયાને હરખભેર આવકાર આપ્યો છે. પ્રારંભમાં મિલની પૂણી દ્વારા કાંતણ પ્રક્રિયાનો આરંભ કર્યો. તે પછી હાથધૂનાઈ તથા હાથપૂણી બનાવવાની શોધ થઈ. આ રીતે ખાદીની સમગ્ર પ્રક્રિયા ગોઠવાઈ જતાં ગાંધીજીની કલ્પનાની ખાદી પ્રવૃત્તિનો ગુજરાતમાં પ્રારંભ થયો. ખાદીકામના વિકાસ માટે હાથકાંતણ ઉદ્યોગને કારણે ખાદી ઉત્પાદન પ્રવૃત્તિ વેગવાન બનતાં 1925માં અખિલ ભારત ચરખા સંઘ અસ્તિત્વમાં આવ્યો. ગાંધીજી ગુજરાતમાં બેઠાં હતાં તેથી ગુજરાતમાં ખાદી પ્રવૃત્તિનો વિકાસ તેમની પ્રેરણા અને સરદાર વલ્લભભાઈની ધગશથી થયો. સમય જતાં ગુજરાતમાં અનેક ખાદીસેવકો તેમજ ખાદી સંસ્થાઓએ આ ક્ષેત્રમાં તેજ પૂર્યું અને તેને રાષ્ટ્રીય સ્તરે મજબૂત તથા નક્કર ભૂમિકા ઉપર મૂક્યું.

ગાંધીજી કહેતા, ‘મારો જન્મદિન રેંટિયા બારસે’ ઉજવજો….

103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4 | વિનોદ વિહાર

ખાદી એ ગાંધીજીની કોઈ નવી શોધ નહોતી. ઓગણીસમી સદીમાં લખાયેલા કાર્લ માર્ક્સના ‘દાસ કેપિટલ’ પુસ્તકમાં ભારતના કાંતણ અને હાથવણાટનો ઉલ્લેખ છે. ગાંધીજીએ ખાદીને નવી ભૂમિકા ઉપર મૂકી. ખાદી માત્ર વસ્ત્ર અથવા રોજગારીના સાધન તરીકે નહીં, પણ સ્વરાજ મેળવવા ચરખા અને ખાદીને ગાંધીજીએ અનિવાર્ય ગણ્યાં હતાં. સ્વરાજ પછી પણ ખાદીને વિકેન્દ્રિત અર્થરચના અને તેના દ્વારા અહિંસક સમાજ રચનાના એક અસરકારક માધ્યમ તરીકે સ્થાપિત કરવા ગાંધીજીનું સ્વપ્ન હતું.ખાદી ગાંધીજીની વિશિષ્ટ પ્રકારની કલ્પનાસૃષ્ટિ હતી. આથી તેમણે હિંદુ પંચાંગ પ્રમાણે, ભાદરવા વદ બારસે આવતા પોતાના જન્મદિવસને ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવા કહેલું. ખાદી અને રેંટિયાનું મહત્વ ગાંધીજીએ આ રીતે પ્રસ્થાપિત કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં આઝાદી પૂર્વે રચનાત્મક કાર્ય અને રાજકારણ એક સિક્કાની બે બાજુ જેવાં હતાં. રચનાત્મક કાર્ય સેવાલક્ષી હતું, જેમાં વાસ્તવિક રીતે ‘છેવાડાના માણસ’ની ગણના થતી હતી. રચનાત્મક કાર્યમાં ખાદી મુખ્ય હતી. તે પછી અસ્પૃશ્યતા, નશાબંધી વગેરે આવતાં હતાં. વાંકાનેર અને મોરબીના મુમના પરિવારોમાં રેંટિયા ચાલતા, ધ્રાંગધ્રામાં રૂનો પાક સારો થતો હોવાથી ખેડૂતોના ઘરમાં રેંટિયા ચાલતા. અમરેલી જિલ્લામાં લાઠી, લીલિયા, ચલાલા, બગસરા વિસ્તારમાં રેંટિયા ચાલતા હતાં. તેને પુનર્જીવન આપવા 1916ના દુકાળમાં અમરેલીના, પણ ઉદ્યોગ ધંધા માટે કોલકતા સ્થાયી થયેલી રામજીભાઈ હંસરાજ કામાણી અમરેલી આવ્યા હતા. રેંટિયા દ્વારા દુકાળરાહતમાં જરૂરતમંદોને મદદ કરવામાં આવી હતી. ઠક્કરબાપા (અમૃતલાલ ઠક્કર)એ પણ ભારત સેવક સમાજના સભ્ય હોવા છતાં ગાંધીજીની વાત સ્વીકારીને, સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)ના એક વતની તરીકે પોતાની ફરજ સમજીને અમરેલીમાં રેંટિયાનું કામ ચલાવવા, 1918માં થાણું નાખ્યું હતું. આ રીતે ઠક્કરબાપાને પણ આકર્ષી કાઠિયાવાડમાં ખાદીકામનો પાયો 1916 થી 1918 વચ્ચે અમરેલીના ઉદ્યોગપતિ રામજીભાઈ હંસરાજ કામાણીએ નાખ્યો.

ગાંધીજીએ સળગતી સમસ્યાનો શું ઉકેલ આપ્યો હતો? | What Did Gandhiji Solve The Burning Problem

આજથી એક સૈકા પૂર્વે 25-9-1919ના રોજ રાજકોટમાં સ્વદેશી તથા હાથકંતામણ અંગે ગાંધીજીનું વક્તવ્ય યોજાયું હતું. 27મી સપ્ટેમ્બરે ગોંડલમાં સ્વદેશી ભંડારને ગાંધીજીએ ખૂલ્લો મૂક્યો હતો. તા.10-1-1919ના રોજ અમરેલીમાં રેંટિયા વર્ગ ગાંધીજીના હસ્તે ખુલ્લો મુકાયો છે. 12મી ઓક્ટોબરે ભાવનગરમાં સ્વદેશી અને કાંતણ ઉપર ગાંધીજી વક્તવ્ય આપે છે. તા.5-4-1925ના રોજ અમરેલીમાં હાથવણાટ અને સ્વદેશી કામગીરી પ્રદર્શનનું ગાંધીજી ઉદ્ઘાટન કરે છે. તા.6 અને 7 એપ્રિલ, 1925ના બે દિવસો ગાંધીજી અમરેલી, ચલાળા, ઢસા, હડાળા, બગસરા અને કુંકાવાવના પ્રવાસે જઈ આ વિસ્તારમાં વિકાસ પામેલા ખાદી-કંતાઈ અને વણાટ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરે છે. આ પહેલા તા.15 2-1925ના રોજ રાજકોટની રાષ્ટ્રીય શાળાના નવા મકાનનું રાજવી લાખાજીરાજે ઉદ્દઘાટન કર્યું તે પ્રસંગે ગાંધીજીએ આપેલા પ્રવચનમાં ખાદીને આવરી લીધી હતી. સમય જતાં રાષ્ટ્રીયશાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદીનું કેન્દ્રબિંદુ બની હતી. આ રીતે 1925 સુધીમાં સૌરાષ્ટ્રમાં ખાદીકામ ઠીકઠીક વિકાસ પામી ચૂક્યું હતું.

ગાંધીજીએ પોતાના ત્રીજા પુત્ર રામદાસ ગાંધીને ખાદીકામ શીખવા માટે અમરેલી અને ચલાળા મોકલ્યા હતા. અમરેલી અને ચલાળામાં ઉત્પન્ન થયેલી ખાદીનો ઉપયોગ અમદાવાદમાં 1920ની સાલમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં મંડપ બાંધવામાં કરવામાં આવ્યો હતો. ખાદીનો જાજરમાન મંડપ કદાચ પહેલી વાર ત્યારે બંધાયો હતો. સૌરાષ્ટ્રના દેશી રાજ્યો ખાદીની વાતથી નારાજ થતાં ત્યારે ભાવનગર અને પોરબંદર જેવા મોટા રાજ્યોએ ખાદીને ઉપયોગી થવા શક્ય યોગદાન આપ્યું હતું.રાષ્ટ્રીયશાળાના સંચાલક અને ગાંધીજીના ભત્રીજા નારણદાસ ગાંધીએ 1935માં ગાંધીજીને તેમનો 66મો જન્મદિવસ રાજકોટમાં ઉજવવા મંજૂરી માગી. ગાંધીજીએ લખ્યું : ‘મારા જન્મદિવસની ઉજવણી ન હોય, પણ મારો જન્મદિવસ ભાદરવા વંદ બારસે આવે છે, એટલે રેંટિયા બારસ તરીકે તમે તેને ઉજવી શકો છો.’ રેંટિયા બારસ નિમિત્તે દરિદ્રનારાયણની થેલીમાં જે રકમ એકત્ર થતી તેનો ઉપયોગ ખાદી, હરિજનસેવા અને અન્ય રચનાત્મક કાર્યોમાં થતો હતો. કાઠિયાવાડના રાજવીઓ, શ્રીમંતો અને નાની-મોટી અનેક વ્યક્તિઓ આ ગાંધી થેલીમાં ફાળો આપતા. કાઠિયાવાડના એક અગ્રણી મણિલાલ કોઠારી જીપ જેવી મોટરમાં ખાદી લઈને સૌરાષ્ટ્રમાં ફરતા, લોકોને ખાદીનો મહિમા સમજાવતા. લોકો હોંશે-હોંશે ખાદી પહેરતા અને ગૌરવ અનુભવતા. આઝાદી પૂર્વેના પ્રખ્યાત જૈન મુનિ નાનચંદજી મહારાજ ખાદી પહેરતા, એટલું જ નહીં, જે શ્રાવક ખાદી ન પહેરતા હોય તેને ત્યાં વહોરવા પણ જતા નહીં.ધીમે ધીમે ખાદી પ્રવૃત્તિમાં સાધનો અને ખાદીમાં સુધારા થતા ગયા. ડોશીમાના રેંટિયાને સ્થાને બારડોલી રેંટિયો આવ્યો. તેનું સ્થાન પેટી રેંટિયાએ લીધું. પેટ રેંટિયાના સ્થાને 1950 પછી અંબર ચરખો અસ્તિત્વમાં આવ્યો. કોઈ આયોજન અથવા ટેકનિકલ જ્ઞાન વગર સૌરાષ્ટ્રમાં ખાદીકામ કેવળ પરિશ્રમ અને શ્રદ્ધાની બળે આગળ વધતું હતું.ગાંધીજીએ યંત્રો અંગે લખ્યું છે “હું અને ચરખાસંઘ બેમાંથી એકને યંત્રો સામે વિરોધ નથી, પણ ઉદ્યોગના યાંત્રીકરણની પ્રક્રિયાને એટલી હદ સુધી ન લઈ જવી જોઈએ કે જેથી ગૃહઉદ્યોગોનો નાશ થાય અને એ સાંકડા ક્ષેત્રમાં સમાઈ જાય. હિન્દુસ્તાનને તેની સંસ્કૃતિ અને ગ્રામજીવનને ભોગે શહેરી બનાવી દેવાની સામે મારો વિરોધ છે.”

ગાંધીજીએ ગુજરાતના સત્યાગ્રહમાં જ્યારે હાર કબૂલી - Bbc News ગુજરાતી

રાજકોટની રાષ્ટ્રીય શાળાના સંચાલક નારણદાસભાઈ ગાંધીએ 1935થી ખાદી પ્રવૃત્તિનો અને 1936 થી તેલઘાણીનો વ્યવસ્થિત આરંભ કર્યો. 1930ના દાયકામાં ચલાળાના એક ગાંધીભક્ત હીરજીભાઈ મિસ્ત્રીએ ગાંધીજીની અસરથી ચલાળામાં કાંતણ, પીંજણ અને વણાટનું કામ નિષ્ઠાપૂર્વક આરંભ્યું. તેમની મિસ્ત્રી અને 1938થી નાગરદાસભાઈ દોશી જોડાયા. ગાંધીજીએ સંસ્થાનું નામ ‘કાઠિયાવાડ ખાદી મંડળ’ રાખ્યું. નાનાભાઈ ભટ્ટ મંડળના પ્રથમ પ્રમુખ અને નાગરદાસભાઈ મંત્રી બન્યા. કાઠિયાવાડ ખાદી મંડળના નેજા નીચે અનેક કાર્યકરો તૈયાર થયા, જે બાદમાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પથરાયા. 1938માં રૂ. 2,32,4 21નું 45,919 ચોરસવાર ખાદીનું ઉત્પાદન સંસ્થાએ કર્યું હતું. 1936માં લલ્લુભાઈ શેઠ, કેશુભાઈ ભાવસાર અને અમૂલખભાઈ ખીમાણીએ સાવરકુંડલામાં કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંસ્થાની સ્થાપના કરી. કંતાઈ તો થઈ, પણ કાપડ વણવા શાળ ક્યાંથી લાવવી તે પ્રશ્ન થયો. માહિતી મળી કે તરવડામાં સર્વોદય ચર્માલયમાં રતુભાઈ અદાણી ખાદીકામ ચલાવે છે ત્યાં શાળ છે, લલ્લુભાઈ અને અમૂલખભાઈ પગપાળા સાવરકુંડલાથી તરવડા જવા નીકળ્યા. ખભે શાળ નાખી રાતોરાત બંને મિત્રો સાવરકુંડલા આવ્યા. 40-50 માઇલનો પંથ પગપાળા કાપ્યો. ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ તેમના રાજ્યના એક મથક સાવરકુંડલામાં ચાલતું ખાદીકામ જોઈ કહ્યું હતું: “અમને કોલેજમાં શીખવવામાં આવેલું કે કાપડ તો મોટી-મોટી મિલોમાં ઉત્પન્ન થાય. અહીં તો હું જોઉં છું કે હાથે નાના સાધન ચલાવીને માણસ પોતે જ કપડું તૈયાર કરે છે. મને તો આ જોઈને અચરજ થાય છે.”

ગાંધીજીને ઝેર આપતાં પહેલાં જ્યારે બતખમિયાં રડી પડ્યા અને હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો - Bbc News ગુજરાતી

1947માં સ્વરાજપ્રાપ્તિ બાદ અને ગાંધીજીના નિધન પછી 1948માં અહિંસક સમાજ રચનાની દિશામાં કામ કરવા, લોકશક્તિ નિર્માણ કરવા અને રચનાત્મક કાર્યક્રમોનો ‘પૂર્ણ અમલ એ જ પૂર્ણ સ્વરાજ’ એ ગાંધીમંત્રને કાર્યાન્વિત કરવાનો વિચાર નારણદાસ ગાંધી, ઢેબરભાઈ, નાનાભાઈ ભટ્ટ, દરબાર સાહેબ ગોપાળદાસ, વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, રતુભાઈ અદાણી અને અન્ય અગ્રણીઓને આવ્યો. કાઠિયાવાડમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરી 2હેલા કાર્યકરોનું એક સંમેલન કાકાસાહેબ કાલેલકરના પ્રમુખસ્થાને રાજકોટમાં તા.3-5-1948ના દિવસે યોજાયું. તેમાં સૌરાષ્ટ્રમાં ગાંધીવિચાર આધારિત રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી બધી સંસ્થાઓ અને કાર્યકરોને એકસૂત્રે સંગઠિત કરવાનો નિર્ણય લેવાયો. બીજા દિવસે તા.4-5-1948ના રોજ રાષ્ટ્રીય શાળામાં ઢેબરભાઈના પ્રમુખસ્થાને મળેલી વરિષ્ઠ રચનાત્મક કાર્યકરોની બેઠકમાં ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ’ની સ્થાપના કરવામાં આવી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી 50 જેટલી સાથી અને મિત્ર સંસ્થાઓનું પારિવારિક સંગઠન બની. તેના દ્વારા ખાદી-ગ્રામોદ્યોગ, નઈ તાલીમ, ગૌસેવા, કૃષિવિકાસ, સહકારી-પંચાયત પ્રવૃત્તિ, હરિજનસેવા, નશાબંધી, વ્યસન મુક્તિ વગેરે મૂળભૂત મૂલ્યોને કેન્દ્રમાં રાખીને અનેક પ્રવૃત્તિઓ છેલ્લા સાત દાયકામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં થઈ અને હજી યત્કિંચિત થઈ રહી છે. લોકભારતી (સણોસરા), ઉદ્યોગભારતી (ગોંડલ), ગ્રામભારતી (જૂનાગઢ) જેવી કેટલીયે સંસ્થાઓની સ્થાપના, નિર્માણ અને વિકાસમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો સહયોગ મળ્યો હતો. કેટલીક સંસ્થાઓ સમિતિના કેન્દ્રો તરીકે ઉદ્દભવી અને 1978થી સ્વતંત્ર સંસ્થા તરીકે આગવી વિકાસ સાધ્યો.

સમિતિ અને તેની પારિવારિક સાથી સંસ્થાઓએ સૌરાષ્ટ્રના આ નાના વિસ્તારમાં અનેકવિધ રચનાત્મક કાર્યો કર્યા અને તેનાથી સમાજ નવનિર્માણનું કામ થયું. સૌરાષ્ટ્રની સંસ્થાઓ આજે દેશની ગણનાપાત્ર સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે.

1978માં દેશમાં મોરારજી દેસાઈના વડપણ હેઠળની સરકાર હતી તે સમય દરમિયાન ખાદી કમિશને પોલીવસ્ત્રનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધર્યો. તેના પાયલોટ પ્રોજેક્ટ માટે ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાની પસંદગી કરાઈ હતી. આજે ખાદી-ગ્રામોદ્યોગ સંઘ (સમન્વય), ઉદ્યોગ ભારતી, કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ રાજ્યમાં પોલીવસ્ત્રનું ઉત્પાદન કરતી અગ્રણી સંસ્થાઓ છે.રાજકોટની રાષ્ટ્રીય શાળા અને કસ્તૂરબા ધામ (ત્રંબા) સંસ્થામાં ખાદી તાલીમ માટેના વર્ગો ચાલતા હતા. રેંટિયાનું ઉત્પાદન રાષ્ટ્રીય શાળામાં મહત્તમ થતું હતું. તે ઉપરાંત ખાદીકામ માટેના પરંપરાગત સાધનોનું ઉત્પાદન કાઠિયાવાડ ખાદી મંડળ (ચલાળા) ગ્રામસેવા મંડળ (સાવરકુંડલા) અને સર્વોદય આશ્રમ(શાહપુર)માં પણ થતું હતું. આ બધા પરંપરાગત સાધનો લાકડામાંથી બનતા હતા.

1950ના દાયકાથી અંબર ચરખો અસ્તિત્વમાં આવ્યો હતો. તેમાં નવા નવા સંશોધનો ચાલુ હતા. ખાદી કમિશનના અધ્યક્ષ ઢેબરભાઈના સુચનથી સ્ટીલ ફ્રેમના અંબર ચરખાનું નિદર્શન સૌપ્રથમ 1965માં દિલ્હીમાં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ સ્ટીલ ફ્રેમવાળા સાત ત્રાકના અંબર ચરખાનું ઉત્પાદન કરવાનો કાર્યક્રમ 1966 થી હાથ ધર્યો. સમિતિની અંબર ચરખા ઉતાદન વિભાગ દ્વારા 1999 સુધીના ત્રીસ વર્ષના સમયગાળામાં કુલ અઢી લાખ જેટલાં ઉપકરણો, જેની કિંમત રૂ.ત્રીસ કરોડ થાય, તે દેશના વિવિધ રાજ્યોમાં ખાદી કમિશનની યોજના અંતર્ગત સપ્લાય કરવામાં આવ્યા હતા. અંબર ચરખાના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને ઉદ્યોગ ભારતી બે મહત્ત્વની સંસ્થાઓ રાષ્ટ્રીય સ્તરે છે.

Mahatma Gandhi 150Th Birth Anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

ખાદી કમિશનના સહયોગથી સૌરસ મોડલના ચરખા અને પૂર્વ પિસાઇ- ઉત્તર પિસાઈના સાધનોના સેટ વિદેશમાં ઈથીઓપીઆ, મોરેશિયસ અને લાઓસમાં પણ મોકલવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તરફથી વિયેતનામ કંબોડિયાના યુદ્ધવિરામ બાદ ત્યાંના લોકોને રોજગારી આપવાની દ્રષ્ટિએ લાઓસમાં અંબર ચરખા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ઊની ખાદીનું ઉત્પાદન બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાલ નળકાંઠા ખાદી-ગ્રામોદ્યોગ મંડળ સંસ્થામાં કરવામાં આવે છે. રાજકોટની ખાદી ગ્રામોદ્યોગ સંઘ (સમન્વય) સંસ્થાએ સોલાર એનર્જીથી ચાલતા ચરખા અને શાળ અપનાવ્યા છે. સુતરાઉ અને રેડીમેડ વસ્ત્રોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી રેડીમેડ વસ્ત્રો યુવાપેઢીને અનુરૂપ આકર્ષક હોઈ તે સમયની માગ છે. ખાદી કમિશને ‘સ્ફૂર્તિ’ યોજના અમલમાં મૂકી હતી. સૌરાષ્ટ્રની ઘણી સંસ્થાઓએ તેનો લાભ લઈ તૈયાર વસ્ત્રોની શૃંખલા (સિરિઝ) વિકસાવી છે. યુવા પેઢી ખાદી તરફ અભિમુખ બની તેમાં આકર્ષક રંગબેરંગી વસ્ત્રોનો ફાળો મહત્વનો છે. ખાસ કરીને ડેનિમ, જીન્સ, કુર્તા અને બંડી યુવાપેઢી ખૂબ પસંદ કરે છે. આસન અને શેતરંજી તથા ગરમ ધાબળાનું ઉત્પાદન પણ સૌરાષ્ટ્રમાં સારા પ્રમાણમાં થાય છે.સૌરાષ્ટ્રના ખાદીક્ષેત્રના અગ્રણીઓની સેવા રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. ઢેબરભાઈ, ઘનશ્યામભાઈ ઓઝા અને દેવેન્દ્રકુમાર દેસાઈ ખાદી-ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ (ચેરમેન) રહ્યા હતા. રતિભાઈ ગોંધિયા ઉપાધ્યક્ષ (વાઇસ ચેરમેન) બન્યા હતા. ખાદી-ગ્રામોદ્યોગ કમિશનની મહત્ત્વની સમિતિ-પ્રમાણપત્ર સમિતિના પ્રમુખ તરીકે મનુભાઈ મહેતાની વરણી થઈ હતી. દેશમાં નામખ્યાત થયેલા સૌરાષ્ટ્રના ખાદી ક્ષેત્રના અગ્રણીઓની યાદી જોઈએ તો – નારણદાસ ગાંધી, ઢેબરભાઈ, નાનાભાઈ ભટ્ટ, નાગરદાસભાઈ દોશી, વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, રતુભાઈ અદાણી, ગોકળદાસભાઈ પ2મા2, જયાબહેન શાહ, દેવેન્દ્રકુમાર દેસાઈ, મનુભાઈ મહેતા, રતિભાઈ ગોંધિયા, મનુભાઈ બક્ષી, છગનભાઈ જોશી, લલ્લુભાઈ શેઠ, અમૂલખભાઈ ખીમાણી, પુરુષોત્તમભાઈ ગાંધી, કનુભાઈ ગાંધી, હરગોવિંદભાઈ પટેલ, મથુરાદાસ ભુપ્તા વગેરે.

બાપુ બોલે તો...: ગાંધીજી ફિલ્મ-સંગીત-ગાયકીના વિરોધી હતા? - Bbc News ગુજરાતી

આ ઉપરાંત હિંમતભાઈ ગોડા, વલ્લભભાઈ લાખાણી, બળવંતભાઈ દેસાઈ, અંતુભાઈ ભટ્ટ, રવજીભાઈ સોલંકી, જ્વલંત દેસાઈ, હ2સુખભાઈ મહેતા, કાનજીભાઈ પટેલ, હર્ષદભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ ધોળકિયા, ઉકાભાઈ મિસ્ત્રી, રાજારામભાઈ વૈષ્ણવ વગેરેનું પ્રદાન ખાદી ક્ષેત્રના વિકાસ-વિસ્તારમાં મહત્ત્વનું રહ્યું છે.વર્તમાનમાં દિલીપભાઈ શુક્લ, ગોવિંદભાઈ ડાભી, ચંદ્રકાંત પટેલ, અજય દોશી, પ્રકાશ પંચમિયા, ભરત ભટ્ટ, પરાગ ત્રિવેદી, દિપેશ બક્ષી, રાજુલ દવે,  ઇત્યાદિ ખાદી પ્રવૃત્તિને આગળ ધપાવવાની કામગીરી સફળતાપૂર્વક કરી રહ્યા છે.ગુજરાત રાજ્ય ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડના પ્રમુખપદે સૌરાષ્ટ્રમાંથી વજુભાઈ શાહ, જયાબહેન શાહ, પ્રસન્નવદન મહેતા, ઇબ્રાહીમ કલાણિયા (મહુવા), જીવરાજભાઈ પટેલ(મોરબી)ની સેવાઓ રાજ્ય સરકારે લીધી હતા. બોર્ડના સભ્ય સચિવ તરીકે મનુભાઈ બક્ષી, મનુભાઈ મહેતા, પ્રવીણભાઈ લહેરીએ ઉત્તમ કામગીરી બજાવી હતી.સૌરાષ્ટ્રની ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓની નામાવલિ જોઈએ : સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, ઉદ્યોગ ભારતી, ગ્રામભારતી (જૂનાગઢ), ખાદી-ગ્રામોદ્યોગ સંઘ (સમન્વય), ગિર વિકાસ મંડળ (ઉના), કાઠિયાવાડ ખાદી મંડળ (ચલાલા), કુંડલા તાલુકા ગ્રામસેવા મંડળ (સાવરકુંડલા), ગ્રામ નિર્માણ સમાજ (મહુવા), સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોદ્વાર ટ્રસ્ટ (ગઢડા), ભારતોદય મંડળ (પોરબંદર), ગાંધી સ્મૃતિ (ભાવનગર), મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ, મોરબી હળવદ-ધ્રાંગધ્રા તાલુકા ગ્રામસેવા મંડળ (ધ્રાંગધ્રા) વગેરે.ગુજરાત ખાદી-ગ્રામોદ્યોગ સંસ્થા સંઘ રાજ્યની આ ક્ષેત્રની સંસ્થાઓનું સંગઠન છે. તેના પ્રમુખ તરીકે દેવેન્દ્રકુમાર દેસાઈ, મનુભાઈ મહેતા, હર્ષદભાઈ ત્રિવેદી, વલ્લભભાઈ લાખાણી રહ્યા હતા.સૌરાષ્ટ્રમાં એક સદીથી ખાદી પ્રવૃત્તિ ચાલી રહી છે. રેંટિયાને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ અનેકવિધ રચનાકાર્યો સૌરાષ્ટ્રમાં થયા અને હાલમાં પણ થઈ રહ્યાં છે. વર્તમાન પરિસ્થિતિમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી કઠિન છે, પરંતુ ગાંધીવિચાર શાશ્ર્વત છે. સૌરાષ્ટ્રના સામાજિક જીવનના તાણાવાણા દ્રઢ કરવાનું, જરૂરતમંદ લોકોને રોજી આપવાનું અને સ્વાશ્રયી બનાવવાનું કામ ખાદીના માધ્યમથી સૌરાષ્ટ્રમાં થયું તે હકીકત છે.

17

સંદર્ભ : 1. ગાંધીજીની દિનવારી : સંપા, ચંદુભાઈ દલાલ, 2. સૌરાષ્ટ્રનાં ખાદીતીર્થો: છગનલાલ જોશી 3.ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે ગુજરાત : સંપા. હિંમતભાઈ ગોડા, અજય દોશી 4. સૌરસના સાત દાયકા : પુરુષાર્થ અને પ્રગતિ – બે ભાગ, સંપા. હિંમતભાઈ ગોડા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.