Abtak Media Google News

રાજ્યમાં એસજીએસટી વિભાગે અગાઉ રૂ.18000 કરોડના બોગસ બીલિંગ કૌભાંડનું કર્યું હતું પર્દાફાશ

બોગસ જીએસટી બીલિંગ કૌભાંડ, ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટની માંગણી સહિતના કૌભાંડોમાં ગુજરાત સમગ્ર દેશભરમા ચોથા નંબર પર આવીને ઊભો છે. સમગ્ર દેશમાં જીએસટીને લગતા સૌથી વધુ કૌભાંડ આચરનાર ગુજરાત ચોથું મોટું રાજ્ય બનીને સામે આવ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રાલએ જાહેર કરેલા આંકડાઓ પરથી આ બાબત સ્પષ્ટ થઈ છે. વર્ષ 2017-18 થી વર્ષ 2020-21 સુધીમાં સમગ્ર દેશભરમાં કુલ 27 હજાર જેટલા જીએસટી કૌભાંડના કેસ સામે આવ્યા છે. જેમાંથી ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 2848 કેસો ફક્ત ગુજરાત રાજ્યમાં નોંધાયા છે. જ્યારે સૌથી વધુ જીએસટી કૌભાંડો દિલ્હીમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં કુલ 3295 જેટલા જીએસટી કૌભાંડના કેશ થયા છે. જ્યારે તમિલનાડુમાં 3220 અને મહારાષ્ટ્રમાં 3195 જેટલા જીએસટી કરચોરી અને બોગસ બિલિંગ કૌભાંડના કેસો સામે આવ્યા છે.

જ્યારથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસનો નિયમ આવ્યો ત્યારથી કોઈપણ ધંધાર્થીએ ફિઝિકલ વેરિફિકેશનની જરૂરિયાત રહેતી નથી. જેના પરિણામે દિનપ્રતિદિન ફેક રજીસ્ટ્રેશન જીએસટીમાં નોંધાઈ રહ્યા છે અને જેના પરિણામે અનેકવિધ બોગસ બિલિંગ કૌભાંડ પણ સામે આવી રહ્યા છે તેવું સ્ટેટ કોમર્શિયલ ટેક્સ કમિશનર જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું. ગુપ્તાએ ઉમેર્યું હતું કે, જીએસટી આવ્યા બાદ વેચાણકારે કર ન ભર્યો હોય તેની પાસેથી માલ ખરીદનાર ધંધાર્થી ટેક્સ ક્રેડિટની માંગણી પણ કરતો હોય છે જેના કારણે અનેક  કૌભાંડો પ્રકાશમાં આવતા હોય છે. જીએસટી અમલી બન્યા બાદ જીએસટી વિભાગ દ્વારા 50થી પણ વધુ લોકોની બોગસ બિલિંગ કૌભાંડમાં હાલ સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

બોગસ બિલિંગ કૌભાંડને રોકવા વિભાગ દ્વારા સમગ્ર દેશભરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બોગસ બિલિંગ સહિતના મુદ્દે નવેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 સુધીમાં આશરે રૂપિયા 20.124 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. જે પૈકી 857 કરોડ રૂપિયા સાથે 282 લોકોની ધરપકડ સમગ્ર ભારતમાંથી કરવામાં આવી છે.  નોંધનીય છે કે, રાજ્યમાં એસજીએસટી વિભાગ દ્વારા રૂ 18000 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.