• ચૂંટણીની આચારસંહિતા લાગુ પડશે તે પહેલાં જ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ કાર્યરત કરી દેવાશે: ગડકરી

આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે. તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે. એટલે કે આગામી માર્ચના પ્રથમ સપ્તાહ પૂર્વે આ સિસ્ટમ લાગુ થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે સંસદને ખાતરી આપવા માંગીએ છીએ કે ટોલ સિસ્ટમ માટે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી સેટેલાઇટ આધારિત સિસ્ટમ ટૂંક સમયમાં રજૂ કરાશે. ટોલનાકા પણ હટાવી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે હવેથી નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જરૂર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી ટોલ વસૂલ કરી લેવાશે. આ સિસ્ટમ હાઇવે અથવા એક્સપ્રેસ વેનો કેટલા સમય માટે ઉપયોગ થયો તેના આધારે ટોલ વસૂલી કરશે. ટોલ ફી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે.

દરમિયાન, ફાસ્ટેગથી ટોલ ટેક્સ વસૂલીનો ડેટા શેર કરતી વખતે ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી ફાસ્ટેગથી 49 હજાર કરોડ રૂપિયાથી વધુનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. દૈનિક કલેક્શન 170 થી 200 કરોડની વચ્ચે થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.