Abtak Media Google News

નવાગામના જ ત્રણ શખ્સોએ જમીનનો કબજો મેળવવા માટે ખેડૂત બુઝુર્ગને માર મારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયા

મેઘપર પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં હત્યાની ઘટના બનતાં ભારે ચકચાર જાગી છે. 65 વર્ષના ખેડૂત બુઝુર્ગ પર હુમલો કરી તેના પર જીપ ફેરવી દઈ હત્યા નિપજાવવા અંગે તે જ વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જમીનના કબજાના પ્રશ્ને હત્યા નિપજાવી હોવાનું મૃતકના પુત્ર દ્વારા જાહેર કરાયું છે. મેઘપર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં રહેતા ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના 65 વર્ષ ના ખેડૂત બુઝુર્ગ કે જેઓ પોતાના ફઈબા કે જેઓ લંડનમાં રહેતા હતા અને તેઓની ખેતીની જમીનની સાર સંભાળ રાખીને પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. પરંતુ હાલ તેઓ મૃત્યુ પામ્યા હતા, અને જમીનનો કબજો ભીખાભાઈ પાસે છે.

જે જમીન ના કબજાના મામલે નવાગામમાંજ રહેતા બલદેવ સવદાસભાઈ ગોરાણીયા, સંજય સવદાસભાઈ ગોરાણીયા અને તેનો એક સાગરીત જમીન નો કબ્જો મેળવવાના પ્રશ્ને તકરાર કર્યા પછી ગઈ રાતે બે વાગ્યાના અરસામાં એક જીપમાં આવ્યા હતા, અને ભીખાભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. જે હુમલાના કારણે ભીખાભાઈ ઇજાગ્રસ્ત થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જે દરમિયાન ત્રણેય આરોપીઓએ જીપમાં બેસીને ભીખાભાઈ પર થાર જીપ ફેરવી દીધી હતી.

જેથી ભીખાભાઇનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો. જે ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટ્યા છે. જ્યારે સમગ્ર બનાવ મામલે મૃતક ભીખાભાઈ ના પુત્ર ભરત ભીખાભાઈ કેશવાલા દ્વારા મેઘપર પોલીસને જાણ કરી હતી, અને ત્રણેય આરોપીઓ સામે પોતાના પિતાની હત્યા નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, જ્યારે આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ભીખાભાઈ કે જેમના મૃતદેહ નું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.