Abtak Media Google News

રામેશ્વર સોસાયટીમાં માતાએ ભણવા બાબતે ઠપકો આપતાં કોલેજીયન યુવતીનો આપઘાત

રાજમોતી મીલ પાસે સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: આજીડેમમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

શહેરમાં છેલ્લા 48 કલાકમાં જુદા જુદા સ્થળોએ નવ લોકોના જીવનદીપ બૂઝાયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રામેશ્વર સોસાયટીમાં માતાએ ભણવા બાબતે ઠપકો આપતાં પુત્રીએ આપઘાત કર્યો હતો. જ્યારે રાજમોતી મીલ પાસે સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ત્યારે બીજી તરફ ધૂળેટી રમ્યા બાદ આજીડેમ માં ન્હાવા પડેલા યુવાનનું મોત નિપજ્યું હતું. આ રીતે અન્ય સ્થળોએ પણ આપઘાત અને આકસ્મિક મોતના બનાવ નોંધાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દામજી મેપા પ્લોટ -5માં રામેશ્વરમાં સોસાયટીમાં રહેતી અને કણસાગરા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા પુનાભાઈ ખાંડેખા નામની 19 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ મૃતક વિશ્વા ગઇ કાલે ધૂળેટી પર્વ પર રંગે રમવા ગઇ હોય જે બાબતે માતાએ ઠપકો આપી ધૂળેટી રમવાનું બંધ કરી પરીક્ષા નજીક આવતી હોવાથી ભણવા બેસવાનું કહેતા પુત્રીને માઠું લાગી આવ્યું હતું. ત્યાર બાદ તેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

તો અન્ય બનાવમાં સંત કબીર રોડ પર સંજયનગરમાં રહેતી મૂળ ઉતરપ્રદેશની સીતાબેન લાલચંદ નામની 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનુ થોરાળા પોલીસ મથકમાં નોંધાતા પીએસઆઈ એન.બી.ડાંગર સહિતના સ્ટાફે તપાસ હાથધરી હતી. જેમાં મૃતક સીતાબેન પોતાના પતિને મૂકી મિત્ર વીરેન્દ્ર નંદુ સાથે રાજકોટ આવી ગઈ હતી. ત્યારે બાદ કોઈ કારણોસર આપઘાત કરી લીધાનુ પોલીસ ચોપડે નોંધાયું છે.

તે ઉપરાંત ગંજીવાડામાં મહાકાળી ચોક પાસે રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા અજય ધીરુભાઈ ધરજીયા નામના 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવારમાં યુવાને દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય બનાવમાં પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના બેટી ગામે રહેતા જગદીશભાઈ નરશીભાઈ ચૌહાણ નામનો 37 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે ગુલમહોરનું ઝાડ કાપતો હતો ત્યારે અચાનક ગુલમહોરનું ઝાડ માથે પડતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં જગદીશ ચૌહાણ ત્રણ ભાઈ બે બહેનમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં સંત કબીર રોડ ઉપર આવેલા ગોકુલનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી ક્રિષ્નાબેન સંજયભાઈ અગ્રાવત નામની 20 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં બીજા માળેથી છલાંગ લગાવી હતી યુવતીને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં ક્રિષ્નાબેન અગ્રવાત છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીમાં સપડાય છે અને અગાઉ પણ તેણે બે વખત પહેલા માળેથી કૂદકો માર્યો હતો અને અવારનવાર પરિવારને ઘરમાં પૂરી જતી રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ એક બનાવમાં સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા ધવલ સુરેશભાઈ ભદ્રા નામનો 19 વર્ષીય યુવાન ગઇ કાલે મિત્રો સાથે રંગોથી ધૂળેટી રમ્યા બાદ આજીડેમના ખાડામાં ન્હાવા ગયો હતો. જ્યાં ધવલ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જુવાનજોધ પુત્રના આકસ્મિક મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

તો બીજી તરફ રાજમોતી મીલ પાસે સીતારામ સોસાયટીમાં રહેતી પૂજાબેન જેન્તીભાઇ કુવાવિયા નામની 16 વર્ષીય સગીરાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીના આપઘાતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે. થોરાળા પોલીસ મથકના પીએસઆઈ એન.બી.ડાંગરે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથધરી છે.તે ઉપરાંત અન્ય એક બનાવમાં માર્કેટિંગ યાર્ડ પાસે સાગરનગર શેરી-2માં રહેતા હરેશભાઈ દેવાભાઇ પટિયાર નામના 40 વર્ષીય યુવાનને વીજશોક લાગતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

જ્યારે વધુ એક બનાવમાં કરણ પાર્ક પાસે આવેલા કૈલાશ સોસાયટીમાં રહેતા બીજલ નથુભાઈ ચાવડા નામનો યુવાન ગત તા.3જી માર્ચના રોજ રાજકુમાર કોલેજ પાસેથી પસાર થતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.