Abtak Media Google News

શેરબજારનો સેન્સેક્સ 55000 ની સપાટી વટાવીને રોકેટ ગતિઐ આગળ વધી રહ્યો છે. બજારમાં રોકાણકારોને વળતર મળી રહ્યાં છે. રોકાણકારો તો લાભ લઇ જ રહ્યા છે સાથે જ બજારમાંથી મુડી એકત્રિત કરવા માટે કંપનીઓની લાઇન લાગી છે..! આજકાલ બજારમાં ઝોમેટો બહુ ચાલ્યો, અને વિન્ડલાસ બરાબર નથી જેવી ચર્ચાઓ જ સાંભળવા મળે છે.  આંકડા બોલે છે કે 2021 ના વર્ષમાં મૂડીબજારમાંથી કંનીઅઐ આઇ.પી.ઓ દ્વારા 8.8 અબજ ડોલર એકત્રિત કર્યા છે.

માત્ર ઓગસ્ટ-21નાં પ્રથમ 20 દિવસમાં 25 કંપનીઓએ આઇ.પી.ઓ માટે સેબીને અરજીઓ કરી છે. જો આ બધી કંપનીઓના આઇ.પી.ઓ આવે તો 40,000 કરોડ રુપિયાનું નવું મુડીરોકાણ થવાની સંભાવના છે.  આ ઉપરાંત ઓગસ્ટ-21 માં પહેલા જ આઠ કંપનીઓ 18000કરોડ રૂપિયા એકત્રિત કરી ચુકી છે. જો આવી જ ગતિએ આઇ.પી.ઓ આવશે તો 2021 નું વર્ષ કદાચ આઇ.પી.ઓના મુદ્દે ઐતિહાસિક સાબિત થશે. રિઝર્વ બેંક પણ આટલા મોટાપ્રમાણમાં નાણાના પ્રવાહને જોઇને 2021 નાં વર્ષને મુડી બજાર માટે શ્રેષ્ઠ માની રહી છે.

નાણાના અભાવે વેપાર વિકસાવવામાં ખેંચ અનુભવી રહેલી કંપનીઓનાં માલિકો, મર્ચન્ટ બેંકરો, વકિલો, આઇ.પી.ઓ એડવાઇઝરો તથા ફાઇનાન્શલ પ્લાનરોની સિઝન પૂરબહાર ખિલી છે. એવું નથી કે બહુ કમાતી કંપનીઓના આઇ.પી.ઓ જ ભરાય છે. ઝોમેટોની બેલેન્શીટ જોનારા આ વાત કબુલશે. પણ આ આજની હકિકત છે. એટલે જ કદાચ હવે ઓયો હોટલ્સ, ઓલા તથા પાઇન લેબ્સ  પણ બજારમાંથી નાણા ભેગાં કરવાની વેતરણમાં પડ્યા છે.ચાર્ટ બોલે છે કે નવી લિસ્ટ થયેલી કંપનીઓનાં શેર હાલમાં નિફ્ટી-50 નાં પરફોર્મન્સ કરતા પણ વધારે વળતર આપી રહ્યાં છે.

આગામી દિવસોમાં પેટીએમ, ફ્લિપકાર્ટ, કોલ ઇન્ડિયા તથા સ્ટર્લાઇટ પાવર જેવા આઇ.પી.ઓ બજારમાં આવશે. આ ઉપરાંત આગામી છ મહિનામાં 35 થી વધારે સ્ટાર્ટઅપ કંપનીઓ મુડીબજારમાંથી નાણા એકત્રિત કરવાની તૈયારીમાં છે.એવું કહેવાય છે કે ચીનમાં ચાલીરહેલી રેગ્યુલેટરી ઉથલપાથલનાં કારણે ઘણી કંપનીઓ ભારત ભણી આવવા ઉતાવળી બની છે. નિષ્ણાંતો કહે છે કે ઇકોનોમીક ગ્રોથ ની બાબતમાં ભારત કદાચ ચીન જેટલું આકર્ષક નહીં લાગતું હોય પરંતુ વૈશ્વિક સ્તરે કંપનીઓને લાંબા ગાળે ભારતમાં સલામતી વધારે દેખાય છે. તેથી જ ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ સિંગાપોરથી ભારતમાં આવવાનું વિચારી રહી છે.

ફિડાલીટી ઇન્વેસ્ટમેન્ટ, કે.કે.આર. એન્ડ કંપની, સિંગાપોરની ટીમાસેક હોલ્ડિંગ્સ ભારતમાં મુડીરોકાણ કરી રહી છે. કારણ કે પ્રાઇવેટ કંપનીઓ ઉપર ચીનના રેગ્યુલેટરી પગલાંથી આ પ્રાઇવેટ કંપનીઓ ભયમાં છે અને એવા સુરક્ષિત સ્થાનની શોધમાં છે જ્યાં સરકારની પોલીસી લાંબા ગાળે સ્થિર અને સાનુકુળ દેખાતી હોય. તેથી જ પસંદગીનો કળશ ભારત ઉપર ઢોળાઇ રહ્યો છે. જુલાઇ-21 નાં આંકડા જોઇએ તો ભારતમાં વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ 7.9 અબજ ડોલરે પહોંચ્યું છે. 2013 ની સાલથી અત્યાર સુધીમાં સૌ પ્રથમ વાર એવું બન્યું છે કે ભારતમાં એક મહિનામાં ચીનથી વધારે રોકાણ થયું હોય. આ એવા સંકેત છે જે ભારતને વૈશ્વિક મંચ ઉપર ચીન કરતા વધારે સાનુકૂળ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન સાબિત કરે છે.

અત્યારે ભારતીય શેર બજાર એવા ઢાળ ઉપર દોડી રહ્યું છે કે બ્યુટીથી માંડીને બુટીક તથા ફૂડ થી માંડીને ફેશન સહિતના કોઇપણ સેક્ટરની કંપની થોડું પ્રોજેક્શન સારૂં કરે તો આ ઢાળમાં પુરપાટ ગતિઐ બજારમાંથી મુડી એકત્રિત કરીને મંઝિલ સુધી પહોંચી શકે તેમ છે. આમાં એવી પણ ઘણી કંપનીઓ હશે જેને ધંધો ચલાવવા માટે 100 રૂપિયાની જરૂર હોય અને એ બજારમાંથી 500 રૂપિયા એકત્રિત કરીને અન્ય ધંધામાં લગાવશૈ. આવી કંપનીઓની સફળતાની સંભાવના પણ એટલી જ ઓછી હોય છે. ખેર, આતો બજાર છૈ જે સૌથી જોખમી મુદ્દા હોય તે સૌથી ઝીણા અક્ષરે લખાયેલા હોય એ સમજીને જ રોકાણકારે રોકાણ કરવાનું હોય છે. બાકી નસીબ અપના અપના..!

ઉભરતે સિતારેં, ખો ન જાયે યે તારે જમીં પર

યે તો આશા કી લહેર હૈ યે તો ઉમ્મીદ કી સેહર હૈ, ખુશીયોં કી નહેર હૈ..! બસ આવાજ કોઇ ખ્યાલ સાથે કેન્દ્ર સરકારે ઉભરતે સિતારેં સ્કીમ શરૂ કરી છે. જે ભારતમાં કાંઇક નવુ, વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવી, આગળ જતાં રોજગારની વિપુલ તકો ઉભી કરી શકે તેવી તથા દેશ માટે વિદેશી હુંડિયામણ રળી શકે એવી પાણીદાર નાની કંપનીઓ માટે છે.

આ સ્કીમના એક સાથે ઘણા હેતુ છે. દેશની યુવા ટેલેન્ટ યોગ્ય તક અને માહોલના અભાવે વિદેશ જતી રહે છે, આવી યુવા પેઢીને દેશમાં જ સ્થાયી કરીને તેમના દિમાગ થકી અન્ય ભારતીયોને નવા રોજગાર આપી શકાય, લાંબા સમયથી ભારતીય કુશળ અધિકારીઓનાં દિમાગના સહારે ભારતમાંથી ખોબા ભરીને કમાણી કરી જતી વિદેશી કંપનીઓ સામે કોમ્પિટીશન કરીને ભારતના રૂપિયાને બહાર જતો રોકી શકાય, તથા નાના વર્ગના પ્રતિભાશાળી ઉદ્યોગપતિને અધવચ્ચે જ પ્રોજેક્ટ પડતા મુકીને મોટા નુકસાનમાંથી બચાવ શકાય એવા બહુહેતુક પ્રયાસ છે અહીં સરકારના.મેડમ સિતારામનનો ઉભરતે સિતારેં યોજનાનો ડ્રાફ્ટ એવું કહે છે કે સરકાર માઇક્રો, સ્મોલએન્ડ મિડીયમ ઐન્ટરપ્રાઇઝ (એમ.એસ.એમ.ઇ) સેક્ટરની એવી કંપનીઓને આ યોજના હેઠળ વિશેષ મદદ કરવામાં આવશે.  આમ તો સરકારે આ યોજનાની જોગવાઇ નાણાકિય વર્ષ-2021 નાં બજેટમાં કરી હતી પરંતુ કોવિડ-19 ની મહામારી અને અન્ય આર્થિક જવાબદારીઓ આવી પડતાં તેનો અમલ થઇ શક્યો નહોતો.

જે કંપની વાર્ષિક 500 કરોડ સુધીના ટર્નઓવરની ક્ષમતા ધરાવતી હશે, જેના ફાઇનાન્શયલ ક્રેડેન્શ્યલ સારાં હશે, ટેકનોલોજી કે સર્વિસ સેક્ટરમાં કાંઇક ઇનોવેટીવ આઇડિયા હશે, સારું બિઝનેસ મોડેલ હશે, ઉચ્ચ ગુણવત્તા સાથે ભારતનું નામ વૈશ્વિક મંચ ઉપર જમાવી શકે તેવી હશે તેવી કંપનીઓને નાણાકિય સહાય ઉપરાંત, માળખાકિય અને કાનુની સલાહ-સુવિધા પણ આપવાની સરકારની ઓફર છે. આવી કંપનીઓ માટે વિદેશોમાં ક્યાં નિકાસની તકો છે તેની પણ માહિતી આપવામાં આવશે. જેનાથી આવી કંપનીઓ નાણા અને સેલ્સ માટેના માર્કેટની સમસ્યાના કારણે અધવચ્ચે મોટા નુકસાન સાથે બંધ ન પડી જાય. આ એક એવો પ્રયાસ છે કે જેમાં આસમાનમાં ચમકી શકે એવી  ક્ષમતા ધરાવાતા સિતારાને આગળ આવવાની તક મળે જેથી કરીને ખો ન જાયે યે તારે જમીં પર..! જો આ સ્કીમ માત્ર ચોપડા ઉપર લોન લઇને સબ્સીડી ખાઇ જવાની મેલીમુરાદનો ભોગ ન બની જાય તો..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.