Abtak Media Google News

ચૂંટણી કમિશ્નરની નિમણુંક પ્રક્રિયા અને લાયકાત અંગે સર્વોચ્ચ અદાલતમાં કરાઈ હતી અરજી

ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત મામલામાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપનારી છે. જસ્ટિસ કે.એમ. જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિ કુમાર આ મામલે ચુકાદો આપનાર છે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં આ મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે પરામર્શ પ્રક્રિયામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)ને સામેલ કરીને ચૂંટણી પંચની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રમાં કોઈપણ શાસક પક્ષ “સત્તામાં રહેવાનું પસંદ કરે છે” અને વર્તમાન સિસ્ટમ હેઠળ આ પદ પર “યસમેન” નિયુક્ત કરી શકે છે.

Advertisement

કોર્ટે કહ્યું હતું કે વધુમાં, તેણે આ સંબંધમાં સંસદ દ્વારા કાયદો ઘડવાની કલ્પના કરી હતી, જે છેલ્લા ૭૨ વર્ષમાં કરવામાં આવી નથી. જેના કારણે કેન્દ્ર તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે. કોર્ટે નોંધ્યું હતું કે ૨૦૦૪ થી કોઈપણ મુખ્ય ચૂંટણી કમિશનરે છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના ૧૦ વર્ષના શાસન દરમિયાન છ મુખ્ય ચૂંટણી કમિશનર હતા.

સીઇસી અને ઇસીની નિમણુંક અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, વર્તમાન સિસ્ટમ મુજબ સરકાર એવી વ્યક્તિની પસંદગી કરશે જે ફક્ત એક ‘યસ મેન’ એટલે કે સરકાર કહે એટલું જ કરશે જે ખૂબ જ જોખમકારક બાબત છે. ત્યારે કેન્દ્ર સરકારવતી એટર્ની જનરલ આર વેંકટરામણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઈ વિશેષ પસંદગી પ્રક્રિયા અપનાવવામાં આવી નથી પરંતુ અધિકારીને તેમની સિનિયોરિટી અને લાયકાત મુજબ નિમણુંક આપવામાં આવી રહી છે. એવો કોઈ જ દાખલો નથી કે જેમાં સરકાર દ્વારા પક્ષપાત કરીને સરકારની પસંદગીના અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હોય. જે પણ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તેઓને તેમની સિનિયોરિટી તેમજ લાયકાત પ્રમાણે નિયુક્તિ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.