બંને ટીમો કાલે રાત્રે ૮:૨૫ કલાકે રાજકોટ આવી પહોંચશે: ન્યુઝીલેન્ડની ટીમ શુક્રવારે સવારે અને ભારતીય ટીમ બપોરે નેટમાં પરસેવો પાડશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી શનિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચ પૈકીનો બીજો મેચ રમાવાનો છે. આજે દિલ્હી ખાતે રમાનાર પ્રથમ મેચ પૂર્ણ થયા બાદ કાલે રાત્રે ૮:૨૫ કલાકે બંને ટીમો રાજકોટ આવી પહોંચશે અને શુક્રવારના રોજ બંને ટીમોના ખેલાડીઓ ખંઢેરી મેદાન ખાતે નેટ પ્રેકટીશમાં પરસેવો પાડશે. ભારતની ટીમ ફોર્ચ્યુન હોટલમાં જયારે ન્યુઝીલેન્ડની ટીમ ઈમ્પીરીયલ પેલેસ ખાતે રોકાશે.

આ અંગે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મીડિયા મેનેજર હિંમાશુ શાહે જણાવ્યું હતું કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી ૪થી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડિયમ ખાતે બીજો મેચ રમાવાનો છે. બંને ટીમો આવતીકાલે ગુરુવારે રાત્રે ૮:૨૫ કલાકે એક જ ફલાઈટમાં રાજકોટ આવી પહોંચશે. ભારતીય ટીમને ૧૫૦ ફુટ રીંગ રોડ સ્થિત હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે. જયારે ન્યુઝીલેન્ડની ટીમ યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પીરીયલ પેલેસમાં રોકાશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૩ નવેમ્બર અર્થાત શુક્રવારના રોજ બંને ટીમો નેટ પ્રેકટીસ કરશે અને પત્રકાર પરિષદને સંબોધશે. ન્યુઝીલેન્ડની ટીમ શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન અને ભારતીય ટીમ બપોરે ૨ થી ૫ કલાક દરમિયાન નેટ પ્રેકટીસમાં પરસેવો પાડશે. શનિવારે ખંઢેરી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંઢેરીની વિકેટ બેટસમેનોને યારી આપવા માટે જાણીતી છે અહીં ચોગ્ગા-છગ્ગાની આતશબાજી થાય તેવી સંભાવના છે. આ સ્ટેડિયમ ખાતે એક માત્ર ઈન્ટરનેશનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૦૦ રન ફટકાર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ યુવરાજસિંહની આક્રમક ઈનીંગના સહારે મેચમાં જીત હાંસલ કરી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં પણ બેટસમેનોને યારી આપે તેવી વિકેટ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં ટોસ જીતી પ્રથમ બેટીંગ લેનાર ટીમ ફાયદામાં રહેશે. જોકે પહેલી ઈનિંગમાં તોતિંગ લક્ષ્યાંકને પણ બીજી ઈનિંગમાં હરિફ ટીમ આસાનીથી હાંસલ કરી લે તેવી વિકેટ રહે તેવી સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.