Abtak Media Google News

જમીન પર રહીને હવામાં 400 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવતી સ્વદેશી મિસાઈલ સિસ્ટમ માટે રૂ. 20 હજાર કરોડનો ખર્ચ કરાશે

ભારત સંરક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદિન વધુ સમૃદ્ધિ કેળવી રહ્યું છે ત્યારે હવે ભારત ત્રણ સ્તરીય મિસાઈલ સિસ્ટમ વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ત્રણ સ્તરીય મિસાઈલ સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ સંરક્ષણ મંત્રાલય પાસે છે અને તેને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ સિસ્ટમ બનાવવા માટે ભારત 20.5 હજાર કરોડનો ખર્ચ કરશે.

Advertisement

એલઆરએસએએમ (લોન્ગ રેન્જ સરફેશ ટુ એર મિસાઈલ) ડિફેન્સ સિસ્ટમ વિકસાવ્યા બાદ ભારત દુશ્મનના ડ્રોન અને ફાઈટર જેટને હવામાં જ નિશાન બનાવી શકશે. આ પ્રકારની સ્વદેશી ટેકનિકલ ક્ષમતા વિશ્વના પસંદગીના દેશો પાસે જ છે. આ મિસાઈલ સિસ્ટમમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલના ત્રણ સ્તર હશે, જેથી અલગ-અલગ રેન્જમાં લક્ષ્યને નિશાન બનાવી શકાય જેની મહત્તમ રેન્જ 400 કિમી હશે.

આ પહેલા ભારતે ઈઝરાયેલ સાથે મિડિયમ રેન્જ મિસાઈલ સિસ્ટમ એમઆરએસએએમ બનાવી છે, જેની રેન્જ 70 કિલોમીટર છે. હવે આ પછી લોંગ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એલઆરએસએએમ વિકસાવવાની તૈયારી છે. એલઆરએસએએમ ડિફેન્સ સિસ્ટમ વિકસાવ્યા બાદ ભારત દુશ્મનના ડ્રોન અને ફાઈટર એરક્રાફ્ટને હવામાં જ નિશાન બનાવી શકશે.તાજેતરમાં ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી છે. રશિયા અને ભારતે ઓક્ટોબર 2018માં એસ-400ની સપ્લાયને લઈને ડીલ કરી હતી.

આ મિસાઇલ સિસ્ટમ 4 અલગ-અલગ મિસાઇલોથી સજ્જ છે જે 400 કિમીના અંતરે દુશ્મનના યુદ્ધ જહાજો, ડ્રોન, એરક્રાફ્ટ અને બેલિસ્ટિક મિસાઇલોને નિશાન બનાવી શકે છે. એસ-400 એ એર ડિફેન્સ સિસ્ટમ છે, એટલે કે તે હવા દ્વારા થતા હુમલાઓને અટકાવે છે. તે દુશ્મન દેશોના મિસાઈલ, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઈટર જેટ્સના હુમલાને રોકવામાં અસરકારક છે. તેને રશિયાના એલમાઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેની ગણતરી વિશ્વની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ્સમાં થાય છે. 2018માં એસ-400ના 5 યુનિટ માટે ભારત અને રશિયા વચ્ચે લગભગ 40 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.