Abtak Media Google News

SS રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ સમગ્ર ભારતમાં જ નહિ વિશ્વમાં ડંકો વગાડ્યો છે ત્યારે ‘RRR’ના ગીત ‘નાટુ-નાટુ’એ ઓસ્કાર 2023માં ઈતિહાસ રચ્યો છે અને બેસ્ટ ઓરીજનલ સોંગનો એવોર્ડ જીત્યો છે. આ સાથે આખો દેશ ખુશી માનવી રહ્યો છે. ફિલ્મ આરઆર વિશે વાત કરીએ તો, તે એક ઐતિહાસિક કાલ્પનિક ફિલ્મ છે જેમાં સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે.

‘RRR’ ભારતમાં બ્રિટિશ શાસન સામે લડતા બે ક્રાંતિકારીઓની કાલ્પનિક વાર્તા કહે છે. રાજામૌલીએ કહ્યું હતું કે તેઓ નાટુ નાટુને “એક્શન સિક્વન્સ” તરીકે જોતા હતા. જેમાં બે સ્વાતંત્ર્ય સેનાનીઓ ડાન્સ દ્વારા બ્રિટિશ ઓફિસરને ઘૂંટણિયે લાવે છે. ‘નાટુ-નાટુ’ને ઓસ્કાર એવોર્ડ મળ્યા બાદ ફિલ્મની આખી ટીમની ખુશીનો પાર જ રહ્યો નથી. જુનિયર એનટીઆર, રામચરણ અને રાજામૌલી ‘નાટુ-નાટુ’ માટે એવોર્ડની જાહેરાત થતાં જ એકબીજાને ગળે લાગ્યા. આ એવોર્ડ જીતવાની ખુશી તેમના ચહેરા પર દેખાતી હતી.

ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થનારું આ ભારતનું પહેલું ગીત છે. RRR ગીત ”નાટુ-નાટુ” ગયા વર્ષે યુએસમાં રિલીઝ થયા બાદ વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને ઓસ્કાર એવોર્ડ 2023ની શ્રેષ્ઠ ગીત શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું અને ‘નાટુ-નાટુ’ એ આ યાદીમાં સમાવિષ્ટ 15 ગીતોને પાછળ છોડી દીધા હતા.

એમએમ કીરવાણીએ ‘નાટુ-નાટુ’ ગીત કર્યું કમ્પોઝ

‘નાટુ-નાટુ’  ગીત એમએમ કીરાવાણી દ્વારા રચવામાં આવ્યું છે અને ચંદ્રબોઝે લખ્યું છે. આ ગીત હિન્દીમાં “નાચો નાચો”, તમિલમાં “નટ્ટુ કૂથુ” અને કન્નડમાં “હલ્લી નાટુ” તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતે 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ પણ જીત્યો હતો.આ પહેલા ‘નાટુ-નાટુ’  ને પણ બેસ્ટ સોંગ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.