જુનાગઢમાં જળબંબાકાર: વિસાવદરમાં ૧૦ ઈંચ

junagadh | rain | monsoon
junagadh | rain | monsoon

ભેંસાણમાં ૮, વંથલીમાં ૬, જુનાગઢમાં ૫, મેંદરડામાં ૪ અને માણાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો: વિલીંગટન ડેમ સહિતના જળાશયો ઓવરફલો: ગીરના જંગલમાં ૧૦ થી ૧૨ ઈંચ જેટલા વરસાદ

મેઘરાજાએ બીજા રાઉન્ડમાં સોરઠ પર વિશેષ હેત વરસાવી છે. ગઈકાલ સુધી ક્રિકેટના મેદાનસમા ભાસતો વિલીંગટન ડેમ એક જ દિવસમાં ઓવરફલો થઈ જતા જુનાગઢનું જળસંકટ તણાઈ ગયું છે. જુનાગઢ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ૨ થી લઈ ૧૦ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. સવારથી સમગ્ર સોરઠ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં ૧૮૩ મીમી, જુનાગઢ ગ્રામ્ય તથા સિટીમાં ૧૧૯ મીમી, કેશોદમાં ૫૦ મીમી, માળીયાહાટીનામાં ૬૦ મીમી, માણાવદરમાં ૮૩ મીમી, માંગરોળમાં ૫૩ મીમી, મેંદરડામાં ૮૯ મીમી, વંથલીમાં ૧૩૫ મીમી અને વિસાદરમાં ૨૩૩ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જુનાગઢમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૪૯.૫૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જુનાગઢ ઉપરાંત ગીરના જંગલોમાં ૧૦ થી ૧૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ગઈકાલ સુધી ખાલીખમ્મ જુનાગઢનો વિલીંગટન ડેમ મેઘરાજાની અનરાધાર કૃપાથી એક જ દિવસમાં ઓવરફલો થઈ ગયો છે તો દામોદરકુંડ પણ છલકાય ગયો છે. જુનાગઢ જિલ્લાના તમામ જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે.

આજે સવારથી જુનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. જુનાગઢના વિલીંગટન ડેમ, નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થઈ ગયા હતા. કાળવામાં ઘોડાપુર આવતા અક્ષર નદીની પાછળના ભાગે ત્રણ વ્યકિત પાણીમાં ફસાયા હતા. જેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરના મુળુભાઈ ભારાઈ, કમલેશભાઈ પુરોહિત, રાજીવ ગોહિલ, વિમલ ધામેચા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણ વ્યકિતને બચાવી લીધા હતા.

જુનાગઢના વૈભવ ફાટક પાસે રેલવેના પાટા વચ્ચે ધોવાણ થઈ ગયું છે. જેમાં બસ ફસાઈ હતી. બસ ફસાઈ જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. વરસાદના પગલે જયશ્રીરોડ, વૈભવ ફાટક, માર્કેટીંગ યાર્ડ, દોલતપરા મોતીબાગ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, દાતાર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જેના પગલે નદીના ઉપરના ભાગેથી એક ખુંટ અને વાછરડી તણાયા હતા. જંગલમાં પણ ભારે વરસાદ પડયો હતો. જેના પગલે ગુપ્તેશ્ર્વર મહાદેવ મંદિર પાસેના પર્વતની માટીનું ધોવાણ થઈ ગયું હતું. જુનાગઢમાં પડેલા વરસાદને કારણે સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જુનાગઢમાં બપોર બાદ પવન સાથે વરસાદ પડવાનું શ‚ થયું હતું. જેમાં મનપા કચેરી પાસે આવેલી એસીબીની કચેરીના મેદાનમાં વૃક્ષ તુટી પડયું હતું જોકે કોઈ જાનહાન થઈ ન હતી. જુનાગઢમાં વરસાદ પડતા વાણંદ સોસાયટીમાં પાણી ભરાયા હતા. જુનાગઢ નજીક ચોકી ગામના પાદરેથી ઉબેણ નદી પસાર થાય છે. આજે ઉબેણમાં પાણી આવતા ગામમાં જવુ મુશ્કેલ બન્યું હતું.