Abtak Media Google News

જામનગર સમાચાર

આજથી સાડા ત્રણ વર્ષ પહેલા પુના તથા રાજસ્થાનના દંપતિ દ્વારા ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(કારા), મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ન્યુ દિલ્હીને બાળક દતક લેવા માટે અરજી કરેલ હતી જે અરજીને ગ્રાહ્ય રાખી દંપતિના ઘર તપાસ અહેવાલ તથા કાયદાકીય તમામ પુરાવાના આધારે આ દંપતિઓએ ગુજરાતનું બાળક દતક લેવાની ઈચ્છા દર્શાવતા ભારત સરકાર તથા બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકોને કાયદાકીય રીતે દત્તક વિધાન માટેની મંજૂરી મળ્યાં બાદ આજથી ત્રણ માસ અગાઉ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના બે બાળકોનું રેફરલ આપતા દંપતિઓ દ્વારા બાળકની પસંદગી દર્શાવેલ.જેના આધારે જિલ્લા એડોપ્શન કમિટી જામનગર દ્વારા દત્તક દંપતિઓના પુરાવા તથા ઘર તપાસ અહેવાલ ચકાસી બાળકને પ્રી-એડોપ્શનમાં આપવા એડોપ્શન કમિટી દ્વારા પસંદ કરવામાં આવેલ.જેના આધારે જિલ્લા કલેકટર બી.એ.શાહ દ્વારા આખરી આદેશ અપાયા બાદ આ બાળકોની દતક વાલીઓને સોંપણી કરવામાં આવેલ.

Advertisement

બાળકોને દતક લીધેલ વાલીઓએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે અમને સરકારના વિવિધ વિભાગો તેમજ સંસ્થાઓ દ્વારા અકલ્પનિય સહયોગ પ્રાપ્ત થયો. ખુબ જ બારીકાઇ પુર્વક સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા જેના કારણે આજે અમારો પરિવાર પરિપૂર્ણ બન્યો છે.બાળકોના આગમનથી અમારા જીવનમાં અનહદ ખુશીઓ છવાઇ છે.આ માટે અમે કેન્દ્ર તથા રાજ્ય સરકાર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ તેમજ અમને આ પ્રક્રિયામાં મદદરૂપ થનાર તમામનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ઉલ્લેખનિય છે કે જામનગર સ્થિત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્પેશલાઈઝડ એડોપ્શન એજન્સીની માન્યતા આપવામાં આવેલ છે. તેમજ સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર દ્વારા બાળ સંભાળ સંસ્થા તરીકેની પણ માન્યતા મળેલ છે. આ સંસ્થા દ્વારા અનાથ, નિરાધાર, ત્યજાયેલા બાળકોને આશ્રય, રક્ષણ તથા શિક્ષણ આપી સમાજમાં પુન:સ્થાપન કરવાની કામગીરી કરવામાં આવે છે.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, બાળ કલ્યાણ સમિતિના સભ્યો જમનભાઈ સોજીત્રા, અશ્વિનભાઈ પંડ્યા, એ.ટી.અત્તરવાલા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના બી.સી.પ્રમાણી, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર તથા ખાસ દત્તક સંસ્થાના મેનેજર ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.