રાજકોટને હરિયાળુ બનાવવા ‘ગો ગ્રીન અભિયાન’નો પ્રારંભ

વૃક્ષારોપણ માટે ટ્રી-ગાર્ડ આપવાની વર્ષો જૂની પ્રણાલી બંધ: હવે સદ્ભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષોનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી જતન પણ કરશે: કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં વૃક્ષ વાવી કરાયો અભિયાનનો આરંભ

શહેરના રાજમાર્ગોની આગવી ઓળખ ઉભી થાય તે પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાશે: મેયર ડો.પ્રદિપ ડવ

વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે શહેરીજનોને ટ્રી-ગાર્ડ આપવાની વર્ષો જૂની પ્રણાલી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી છે. હવે શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સદ્ભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષોનું વાવેતર કરી ત્રણ વર્ષ માટે તેનું જતન કરશે. રોજ એક ઝોનમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરી રોજ ત્રણેય ઝોનમાં 600 વૃક્ષો રોપવાના લક્ષ્યાંક સાથે આજે કોર્પોરેશન દ્વારા ગો ગ્રીન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.

કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં પદાધિકારીઓ અને શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરી આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. મુખ્ય માર્ગોની આગવી ઓળખ ઉભી થાય તે પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવી જાહેરાત મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવે છે લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરઓના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. શહેરમાં વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. મેયર ડો.પ્રદિપ ડવે ચાલુ વર્ષે ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક સંસ્થાઓ મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને પીવાના પાણી સાથે ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનો વિચાર પદાધિકારીઓ અને પાર્ટીના હોદેદારઓ સમક્ષ રજુ કરતા જેને આવકારતા ચાલુ વર્ષે સામાજીક સંસ્થાના માધ્યમથી શહેરમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરાયું હતું.

આજે મહાપાલિકા અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્ર્મે સઘન વૃક્ષારોપણ માટે “ગો ગ્રીન” રથનો પ્રારંભ, મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્વામી વિગેરેના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

“ગો ગ્રીન” સઘન વૃક્ષારોપણ અંતર્ગત હાલમાં ત્રણેય ઝોનના મુખ્યમાર્ગો જેવા કે, ડિલક્ષ ચોકથી ગ્રીન લેન્ડ ચોકડી, સંતકબીર રોડ, સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ગામ સુધી, ઢેબર રોડ ત્રિકોણ બાગથી હાઇવે બ્રિજ સુધી, મવડી બ્રિજથી રામધણ સુધીના મુખ્યમાર્ગ વિગેરે માર્ગો પર વૃક્ષારોપણ કરાશે. જેમાં સંસ્થા દ્વારા ખાડો, વૃક્ષ, ટ્રી-ગાર્ડ, નેટ, ખાતર તેમજ સંસ્થા દ્વારા નિયમિત પાણી પીવડાવામાં આવશે. શહેરના અન્ય રસ્તાઓ પણ તબક્કાવાર આવરી લેવામાં આવશે.

સઘન વૃક્ષારોપણમાં કરંજ, લીમડા, પીલખન, ફાઈકર્સ, બોરસલી, પારીજાત, પીપળા, વડલા, બોટલબ્રુસ, રાવણો, ખાટી અંબાલી વિગેરે પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, શહેરના અમુક માર્ગો પર માર્ગની આગવી ઓળખ ઉભી થાય તે પ્રકારના વૃક્ષો જેવા કે, બોટલબ્રુસ, ફાઈકર્સ જેવા વૃક્ષ વવાશે.

કાર્બન ઘટાડવા શહેરની સ્ટ્રીટ લાઇટો એલ.ઇ.ડી. લાઇટમાં પરિવર્તિત, રૂફટોપ સોલાર, સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ, વૃક્ષારોપણ વિગેરે હાથ ધરવામાં આવેલ છે. શહેરને હરિયાળું સ્વચ્છ બનાવવા તમામ નગરજનો જાગૃત થાય અને તંત્રને સહકાર આપવા પદાધિકારીઓએ અપીલ કરી હતી.