Abtak Media Google News

કેટલાક બુદ્ધિહિન લોકોના કારણે લાખો જિંદગીઓ જોખમમાં મુકાઈ તંત્ર આગવી શૈલીમાં લોકડાઉનની અમલવારી કરાવવા તૈયાર

કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે પણ કેટલાક બેવકુફ લોકો કોઈ કામ વગર આંટાફેરા કરતા જોવા મળી રહ્યાં છે. આવા ગણ્યા-ગાંઠ્યા બેવકુફોના કારણે દેશના કરોડો લોકો પર મોતનું જોખમ ઉભુ થયું છે. આવા સંજોગોમાં સરકાર હવે લોકડાઉનની અમલવારીનો ભંગ કરનાર સામે કાયદાનો દંડો ઉગામવા જઈ રહી છે. હવેથી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. કેટલાક સ્થળોએ પોલીસ પોતાની આગવી શૈલીમાં બેવકુફોને લોકડાઉનનું પાલન કરાવે તેવા દ્રશ્યો જોવા મળે તો પણ નવાઈ નહીં.

Advertisement

વર્તમાન સમયે કરિયાણા, દૂધ અને શાકભાજી સહિતની ખરીદીના બહાને કેટલાક લોકો શેરી-ગલીઓમાં બેખૌફ ફરી રહ્યાં છે. આવા લોકો કોરોના વાયરસની ભયાનકતા અંગે જાણવા હોવા છતાં લાપરવાહીભર્યું વર્તન કરે છે. ટોળે વળી કયાંક બેઠા હોય તેવું જોવા મળે છે. આવા સંજોગોમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવું કઠીન બન્યું છે. જેથી દિન પ્રતિદિન કેસની સંખ્યા વધી રહી છે. થોડા સમય પહેલા આખા દેશમાં માત્ર બે આંકડામાં પોઝીટીવ કેસની સંખ્યા હતા. હવે આ વધી ત્રણ આંકડે પહોંચી ગઈ છે અને માત્ર નજીવા સમયમાં જ સંખ્યા ચાર આંકડે પહોંચે તેવી દહેશત છે. વર્તમાન સમયે અમુક બુદ્ધિહિનજીવીઓ જે રીતે વર્તન કરી રહ્યાં છે. તે જોતા મોતની સંખ્યા પણ ટૂંક સમયમાં ત્રણ આંકડે પહોંચી જશે તેવી ભીતિ નિષ્ણાંતોએ વ્યકત કરી છે.

વર્તમાન સમયે લોકડાઉનમાં દૂધ, શાકભાજી, ફળ-ફળાદી અને ખાદ્ય સામાન ભરીને લઈ જતા વાહનોને છુટ અપાઈ છે. આ ઉપરાંત દવા, સિવિલ સપ્લાય, પેસ્ટ કંટ્રોલ, એડિબલ આઈટમસને પણ છુટ આપવામાં આવી છે. હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલનું ઉત્પાદન થતું હોય તેવા સ્થળો, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સહિતનું ખુલ્લુ રાખી શકાય છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, વોટર સપ્લાય, પેટ્રોલ-ડિઝલ, એલપીજી, સીએનજી, પીએનજીને લગતી સર્વિસ, બેંક અને એટીએમ, કુરીયર, પોસ્ટ સહિતની સર્વિસને પણ લોકડાઉનમાં છુટ આપવામાં આવી છે. અલબત આ તમામ સર્વિસના બહાને અથવા તો કોઈ કારણ વગર આંટાફેરા કરતા અનેક લોકો નજરે ચડી જાય છે. આ લોકો કોરોના વાયરસના હોસ્ટ હોઈ શકે છે પરંતુ એક પરિવારથી બીજા પરિવાર પર આ હોસ્ટ ખતરો ઉભો કરી શકે છે. જો આમને આમ ચાલશે તો ભયંકર મુશ્કેલી ઉભી થશે. આ વાત તંત્રએ સમજી લીધી છે અને આગામી સમયમાં પોલીસ આગવી શૈલીમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવે તેવા સંજોગો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.