Abtak Media Google News

ધરપકડ કરાયેલા સંચાલકોને ૧૪ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે

મુંબઇના વડલામાં આવેલી એક કંપની રોયલ ટવીકલ કલબના સંચાલકો દ્વારા ૧૮ હજાર રોકાણકારોના લગભગ ૪પ૦૦ કરોડ રૂપિયા ચાંઉ કરી જવામાં આવ્યા હતા. જે અંતર્ગત પોલીસે બેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર મુંબઇના પ્રભાદેવી વિસ્તારમાંથી પ્રકાશ ઉત્તકર અને ઘાટકોપરથી વેંકટરામન નટરાજનની ધરપકડ કરવામાં આવી છે. આ બંન્ને કંપનીના ડિરેકટરોએ કંપનીની કામગીરીમાં સક્રીય ભાગ લીધો હતો અને લોકો સાથે છેતરપીંડી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને સંચાલકો ૧૪ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

પોન્ઝી સ્કીમ અંતર્ગત કં૫નીના મેનેજીંગ ડિરેકટર ઓમપ્રકાશ ગોયન્કાની જુન મહીનામાં ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ જયુડીશીયલ કસ્ટડીમાં છે. પોલીસને આ કં૫ની સામે રોકાણકારો દ્વારા ૧૧૦૦૦ ફરીયાદો મળી છે.

આ કંપની વિરૂઘ્ધ પ્રથમ ફરીયાદ રફી અહેમદે કીડવાલી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને ત્યારબાદ આ સમગ્ર મામલાને આર્થિક ગુન્હા શાખામાં ફેર બદલ કરવામાં આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા લોકો જેમ કે ખેડુતો, કારીગરો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને સ્વરોજગારી કરતા લોકો મળીને કુલ ૧૮૦૦૦ રોકાણકારોના લગભગ ૪પ૦૦ કરોડ ચાંઉ થઇ ગયા.

આ કંપની વિરૂધ્ધ પ્રથમ કેસ ફેબ્રુઆરીમાં દાખલ થયો હતો. કેસ કરનાર દારૂનો વ્યાપારી હતો તેણે તેના તેમજ તેના સગા સંબંધીઓના પૈસા આ કંપનીમાં લગાવ્યા હતા. શરુઆતમાં કંપની દ્વારા હોટેલ અને અન્ય લોભામણા પેકેજ પોઇન્ટને આધારે આપ્યા હતા. ત્યારબાદ કંપનીએ તેનો રંગ બદલ્યો હતો અને રોકાણકારોની સાથે છેતરપીંડી કરી હતી.

મહત્વનું છે કે ધરપકડ કરાયેલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે ભારતીય દંડ સંહિતા અને ડીપોઝીટર્સ એકટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સંચાલકોને ૧૪ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.