Abtak Media Google News
  • સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂ.૪૧૯ કરોડના ખર્ચે કુલ ૧.૬૫ લાખ આદિજાતિ લાભાર્થીઓને લાભ અપાયો :આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી  કુંવરજીભાઈ હળપતિ
  • આદિજાતિ પશુપાલકોને જાતવાન પશુઓ આપીને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર કટિબદ્ધ

ગાંધીનગર ન્યૂઝ : આદિજાતિ વિસ્તારના પશુપાલકોને જાતવાન પશુઓ આપીને દૂધમાં વધારો કરીને વધુને વધુ આર્થિક પગભર બનાવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કટિબદ્ધ છે.ગુજરાતમાં સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ.૪૧૯ કરોડથી વધુના ખર્ચે કુલ ૧.૬૫ લાખ આદિજાતિ લાભાર્થી ભાઈ-બહેનોને લાભ આપવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૭૭૮ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ૯૬૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે તેમ,વિધાનસભા ગૃહમાં જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું હતું.

રાજ્ય મંત્રી હળપતિએ વધુ વિગતો આપણા ગૃહમાં જણાવ્યું હતું કે,આ યોજના હેઠળ પશુ સારવાર,પશુ આહાર તેમજ પશુ ઉછેર માટે પશુપાલકોને તાલીમ પણ આપવામાં આવે છે. લાભાર્થીને અત્યારે કુલ રૂ. ૭૦ હજારની સહાય કરવામાં આવતી હતી, જેમાં રૂ. ૪૫,૦૦૦ની સબસીડી, ૨૨,૫૦૦ની લોન તેમજ લાભાર્થી ફાળા તરીકે રૂ. ૨,૫૦૦ લેવામાં આવે છે. જ્યારે આગામી બજેટ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આ રકમ વધારીને રૂ. ૯૦,૦૦૦ કરવામાં આવી છે જેના પરિણામે પશુપાલન સાથે જોડાયેલી આદિજાતિ મહિલાઓ વધુ આર્થિક સમૃદ્ધ બનશે તેમ,મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.

રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

વર્ષ-૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ બનાસકાંઠામાં રૂ.૧.૪૬ કરોડથી વધુ અને પાટણમાં રૂ.૧.૫૪ કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઇ

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૧-૨૨થી અમલમાં છે.

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં ૭૪૫૨ અરજીઓ અને પાટણ જિલ્લામાં ૯૬૮૨ અરજીઓ મળી હતી. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૭૩૧૯ અરજીઓ મંજૂર કરી રૂ.૧.૪૬ કરોડથી વધુ રકમની સહાય અને પાટણ જિલ્લામાં ૭૭૦૭ અરજીઓ મંજૂર કરી રૂ.૧.૫૪ કરોડથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ પાટણ જિલ્લામાં ૧૯૭૫ અરજીઓ મંજૂર કરી રૂ.૩૯.૫૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. એટલું જ નહિ, યુક્ત સ્થિતિએ કોઈ અરજીઓ પડતર નથી.

રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાત થી મેરીટના ધોરણે જ કરવામાં આવે છે : શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર

વર્ષ ૨૦૨૩ માં TET પાસ કરેલ ઉમેદવારો પૈકી ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી
રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ

રાજ્યના માધ્યમિક શિક્ષણમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં ૮૪.૧૨% જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલ છે.  શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગથી નહીં પરંતુ લાયકાત અને મેરીટના ધોરણે જ કરવામાં આવે છે. વિધાનસભામાં વર્ષ-૨૦૨૩ની સ્થિતિએ TET અને TAT ના પાસ થયેલ ઉમેદવારોની ભરતી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે.

રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. હાલ રાજ્યની સરકારી અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં કુલ ૨૫,૮૮૦ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૬,૮૯૪ શિક્ષકો ફરજરત છે. રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ૮૪.૧૨% જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલ હોવાનું મંત્રી શ્રી એ ઉમેર્યું હતું.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.