Abtak Media Google News

અંતે ચીને પાક ઉપરથી હાથ ઉઠાવ્યો !!

સંયુક્ત રાષ્ટ્ર પરિષદે અબ્દુલ રહેમાન મક્કી પર ૨ અબજ ડોલરનું ઇનામ જાહેર કર્યું !!

મુંબઈ ૨૬/૧૧ હુમલામાં માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવનાર તેમજ જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલા, આતંકીઓને ભંડોળ પૂરું પાડવા, યુવાનોને ભડકાવી આતંકી બનાવવા સહિતની નાપાક હરકતમાં મહત્વની ભૂમિકા ભજવનાર અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર પરિષદએ વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે.

પાકિસ્તાની આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ સામે ચીન વારંવાર અવરોધ સમાન બનતું આવ્યું છે. મે, ૨૦૧૯ માં જ્યારે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો ત્યારે ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં મોટી રાજદ્વારી જીત મળી હતી. ચીન ઘણા સમયથી પાકિસ્તાનની તરફેણ કરતું આવ્યું છે પરંતુ હવે ચીને પણ પાકિસ્તાન પરથી હાથ ઉઠાવી લીધો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

ભારત અને અમેરિકાએ ગત વર્ષે સંયુક્ત રીતે પાકિસ્તાનના અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે ખુદ ચીને આ પ્રસ્તાવ પર અડચણ ઉભી કરી હતી. હવે ચીને આ પ્રતિબંધ હટાવતા જ મક્કીનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનને નારાઝ ન કરવા માટે ચીનના વિદેશ પ્રધાન વાંગ વેનબિને પોતે પોતાના દેશના પગલાનો બચાવ કર્યો હતો. તેમણે બેઇજિંગમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓની યાદી વૈશ્વિક સ્તરે આતંકવાદનો સામનો કરવા માટે સુસંગત છે. ચીને પણ આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

વર્ષ ૨૦૨૦ માં મુંબઈ હુમલામાં સામેલ મક્કીને પાકિસ્તાનની કોર્ટે સજા સંભળાવી છે. તે યુપીના રામપુરમાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલામાં પણ સામેલ હતો. અમેરિકાએ મક્કી પર બે અબજ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.

જૈશ-એ-મોહમ્મદના નેતા અબ્દુલ રઉફ અસગર સંસદ ભવન પર હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંથી એક છે.  તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ ભારત દ્વારા સુરક્ષા પરિષદમાં રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ ચીને ટેકનિકલ પ્રતિબંધ લગાવી દીધો છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદ, લશ્કર-એ-તૈયબાના શાહિદ મેહમૂદ અને સાજિદ મીર વિરુદ્ધ કાર્યવાહીનો પ્રસ્તાવ પણ યુએનએસસીમાં પેન્ડિંગ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે બાકી રહેલા આતંકવાદીઓ પર કાર્યવાહી ઝડપી કરવામાં આવશે… આ ભૂતકાળનું ભારત નથી.”  પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ કહ્યું કે, આ આપણી કૂટનીતિનો ગૌરવપૂર્ણ સમયગાળો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રહેલા રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ મક્કી સામેની કાર્યવાહીને મોટી સફળતા ગણાવી છે. તેમણે કહ્યું કે, સુરક્ષા પરિષદમાં આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવા માટેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ઠરાવમાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો ઉલ્લેખ છે.  ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૨માં તિરુમૂર્તિના કાર્યકાળ દરમિયાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ધારા ધોરણ શું છે ?

યુએનએસસી માર્ગદર્શિકા અનુસાર, સમિતિના સભ્યો ઠરાવ પર પુનર્વિચારની વિનંતી કરી શકે છે અને જ્યાં સુધી અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી ઠરાવ પેન્ડિંગ ગણવામાં આવે છે. દરખાસ્ત અટકાવનાર સભ્યએ ત્રણ મહિના પછી તે સંબંધમાં પ્રગતિની વિગતો શેર કરવાની રહેશે.જ્યારે સભ્ય દેશો પ્રતિબંધ હટાવે છે, ત્યારે યુએન સચિવાલય તાત્કાલિક ઇસીલ અને અલ કાયદાની પ્રતિબંધોની સૂચિ અપડેટ કરવી જોઈએ અને સભ્ય દેશો સાથે માહિતી શેર કરવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ અત્યાર સુધીમાં લગભગ ૧૫૦ આતંકવાદીઓ અને સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે જેઓ પાકિસ્તાન સ્થિત અથવા તેની સાથે જોડાયેલા છે.

યુવાનોને આતંકી બનાવવાથી માંડી ભંડોળ પૂરું પાડવા સહિતની નાપાક હરકતમાં મુખ્ય ભૂમિકા ભજવે છે મક્કી

આતંકી અબ્દુલ રહેમાન મક્કી, મુંબઈ ૨૬/૧૧ હુમલામાં માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવનાર તેમજ જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલા, આતંકીઓને ભંડોળ પૂરું પાડવા, યુવાનોને ભડકાવી આતંકી બનાવવા સહિતની નાપાક હરકતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાશ્મીરી યુવાનોને ભડકાવી આતંકવાદી બનાવવામાં પણ મક્કીનું નામ મોખરે છે. મક્કી આતંકી હાફિઝ સઈદનો સાળો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.