• પોતાની રાજકીય કારકીર્દીના વિકાસ માટે હવે કોંગ્રેસ સહિતના પક્ષોના નેતા પાસે હવે ભાજપ સિવાય કોઈ જ વિકલ્પ નથી
  • ભાજપનો સુર્ય મઘ્યાહન તપી રહ્યો છે, કમળનો ખેસ પહેરો અને આગળ વધોની નીતિ

દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમી રહી છે. એક સમયે દેશના મોટાભાગના રાજયોમાં જેની સત્તા હતી. તે કોંગ્રેસ હાલ દેશમાં દિન-પ્રતિદિન સમેટાય રહી છે. કોંગ્રેસને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. મોદીની ગેરંટીથી કોંગ્રેસના નેતાઓ પર મુખવટો બદલીને પોતાની કિસ્મત ચમકાવવા માટે રિતસર તલપાપડ થઇ રહ્યાં છે. કોંગ્રેસ દિન-પ્રતિદિન કોમામાં સરકી રહી છે. ભાજપનો સુરજ હાલ મઘ્યાહને તપી રહ્યો હોય તમામ રાજકીય પક્ષોના નેતાઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી પોતાની રાજકીય કારર્કીદીને નવી ડિઝાઇન આપી રહ્યા છે.

સામાન્ય રિતે જયારે નિષ્ફળતા મળે ત્યારે તેમાંથી બોઘપાઠ લઇ ભવિષ્યમાં સફળતા માટેનું ચણતર કરવું જોઇએ ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તા વિહોણી છે. રાજયમાં ર9 વર્ષથી કોંગ્રેસને સત્તા સુખ મળ્યું નથી. લોકસભાની છેલ્લી બે ચુંટણીમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નથી. વિધાનસભાની ગત ચુંટણીમાં માત્ર 17 બેઠકો પર સમેટાય ગઇ હતી. સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં પણ મરણ તોલ ફટકા પડે છે. છતાં કોંગ્રેસમાં કોઇ જ બદલાવ આવતો નથી જેના નેતૃત્વમાં ચુંટણીમાં પરાજયનો સામનો કરવો પડયો હોય, ફરી ફરીને તેજ પક્ષની કમાન સોંપી દેવામાં આવે છે.

ગુજરાતમાં પાંચથી સાત ચહેરાઓએ કોંગ્રેસની ધોર ખોદી નાંખી હોવાની વાત સર્વ વિદીત છે છતાં આ નેતાઓને જ જવાબદારી સોંપવામાં આવે છે.

પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલને ગુજરાતની કમાન સોંપાયા બાદ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. પક્ષના સેંકડો કાર્યકરો અને આગેવાનોએ પંજાનો સાથ છોડી દીધો છે. છતાં હજી સુધી હાઇકમાન્ડની આંખો બંધ છે. હાજી ગુજરાતમાં કોંગ્રેસ પાસે માત્ર 14 ધારાસભ્યો બચ્યા છે. હજી પણ કેટલાક ધારાસભ્યો વંડી પર બેઠા છે. જે ગમે ત્યારે ભાજપમાં જોડાઇ જાય તેવી ચર્ચા ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એવું નિવેદન આપ્યું હતું કે, અમે કોંગ્રેસ મુકત ભારતનું સર્જન કરીશું  હાલ એવી સ્થિતિ સજાર્ય છે. જેમાં ખુદ કોંગ્રેસીઓ જ કોંગ્રેસને કોંગ્રેસ મુકત કરી રહ્યા છે. ભાજપનો સૂર્ય હાલ એટલી હદે તપી રહ્યો છે કે કોંગ્રેસ સહિતના કોઇપણ રાજકીય પક્ષોના મોટા નેતા કે સામાન્ય કાર્યકરે પોતાની રાજકીય કારર્કીદીનો વિકાસ કરવો હશે તો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવા સિવાય બીજો કોઇ છુટકો રહ્યો નથી. ગુજરાત હોય કે બિહાર કે પછી કર્ણાટક કે પશ્ર્ચિમ બંગાળ કોંગ્રેસના કાર્યકરો જ પક્ષને પોતાના ભારથી મુકત કરી રહ્યા છે. લોકસભાની આગામી ચુંટણીમાં હરીફ રાજકીય પક્ષો પાસે પ્રચાર કરવા માટે કાર્યકરો કે આગેવાનો ન રહે તેવી વ્યુહ રચના ભાજપે અપનાવી છે. ભાજપમાં જોડનાર તમામને એક ચોકકસ પ્રકારની ગેરંટી આપવામાં આવે છે જે મોદીની ગેરંટી માનવામાં આવે છે. જેના કારણે મુખવટો બદલી કોંગ્રેસના નેતાઓ પોતાની કિસ્મત ચમકાવવા મથી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.