Abtak Media Google News

નિફટીએ પણ ૧૨ હજારની સપાટી ઓળંગી: સેન્સેકસમાં ૨૧૩ અને નિફટીમાં ૭૦ પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયો ૯ પૈસા મજબુત

પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીજી ઈનીંગનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે જેનાં ભારતીય શેરબજારે પણ ઓવારણા લીધા હોય તેમ આજે સેન્સેકસે ૪૦,૦૦૦ અને નિફટીએ ૧૨,૦૦૦ પોઈન્ટનો મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી હતી તો ડોલર સામે રૂપિયો ૯ પૈસા મજબુત બન્યો હતો.

Advertisement

ગઈકાલે મોદીની તાજપોશીને શેરબજારે આગોતરી સલામ મારી હતી અને સેન્સેકસમાં ૩૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. મંત્રીમંડળનાં ગઠન બાદ આજે શેરબજારમાં પણ વધુ મજબુતી જોવા મળી હતી. સપ્તાહનાં અંતિમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઉઘડતી બજારે જ સેન્સેકસે ૪૦,૦૦૦ અને નિફટીએ ૧૨,૦૦૦ પોઈન્ટનો મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. નાણામંત્રી તરીકે અમિત શાહની વરણી કરવામાં આવે તેવી શકયતાને પણ શેરબજારે જાણે વધાવી લીધી હોય તેવું આજનાં કામકાજ દરમિયાન લાગી રહ્યું છે. દેશમાં પ્રચંડ જનાદેશ સાથે મોદી સરકાર બનતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત મજબુત બન્યું છે. અમેરિકી ડોલર સામે આજે રૂપિયામાં ૯ પૈસાની મજબુતી જોવા મળી હતી.

આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૪૫ કલાકે સેન્સેકસ ૨૧૪ પોઈન્ટનાં ઉછાળા સાથે ૪૦,૦૪૬ પોઈન્ટ પર અને નિફટી ૬૯ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૨,૦૧૪ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે જયારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૯ પૈસાની મજબુતી સાથે ૬૯.૭૮ પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.