Abtak Media Google News

ધોરાજી પંથકના છત્રાસા, કલાણા અને પાટણવાવના ગામોમાં 3 થી 4 ઈંચ સુધી  વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ: માણાવદરના ચૂડવામાં નદીમાં ઘોડાપુર: આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને  કચ્છમાં માવઠાની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વૈશાખમાં ચોમાસાની જમાવટ થઈ છે. એટલે માવઠાના છેદ ઉડી જાણે ચોમાસુ જ શરૂ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.  સતત સાત દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સાંજે ધોરાજી  તાલુકાના ગામડાઓમાં જાણે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય ત્યારે જેવો  વરસાદ પડયો હોય તેવો વરસાદ પડયો હતો.

ધોરાજી પંથકના છત્રાસા, કલાણા અને પાટણવાવના  ગામડાઓમાં અનરાધાર  3 થી 4 ઈંચ જેટલો  વરસાદ વરસી  જતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતુ.  નદીઓમાં  ઘોડાપુર આવ્યા હતા. જોકે કોઈ જાનમાલની નુકશાની જવા પામી  નથી. આજે પણ  સૌરાષ્ટ્ર-કચ્છમાં  વરસાદની  આગાહી આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના  જણાવ્યાનુસાર  રાજકોટ જિલ્લાના  ત્રણ તાલુકાઓમાં  નહીવત  વરસાદ  પડયો છે. જયારે ધોરાજી તાલુકાના  છત્રાસા, કલાણા અને પાટણવાવ  પંથકમાં 3 થી 4  ઈંચ જેટલો  વરસાદ  વરસી ગયો છે.  ભારે વરસાદથી નુકશાનીના  કોઈ અહેવાલ  પ્રાપ્ત  થયા નથી. ઉપલેટા  તાલુકામાં 21 મીમી વરસાદ પડયો હતો. જયારે લોધીકા તાલુકામાં 2મીમી વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં કમોસમી   વરસાદની હેલી થવા પામી છે. ગત  બુધવારથી  છુટાછવાયા વિસ્તારોમા   રોજ વરસાદ વરસી  રહ્યો છે.જેના કારણે જતાતે પારાવાર નુકશાનીનો સામનો કરવો પડયો છે. ગઈકાલે  માણાવદરના ચુડવા ગામે  નદીમાં ઘોડાપુર આવતા છકડો રીક્ષા તણાય ગઈ હતી જેમાં સવાર 9 વ્યકિતઓ પૈકી ત્રણ વ્યકિતઓ હજી લાપતા છે.

વિસાવદરના વંથલી પંથકના  નાવડા ગામે અને કેશોદના   અજાબમાં પણ 3 ઈંચ   જેટલો વરસાદ પડયો હતો.  મેંદરડા પંથકમાં  પણ બે ઈંચ  જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા  24 કલાક  દરમિયાન   રાજયનાં 44 તાલુકાઓમાં કમોસમી વરસાદ  પડયો હતો. અમરેલીના   ખાંભામાં   27 મીમી, વિસાવદરમાં 25 મીમી,  મહેસાણામાં 25 મીમી,  માણાવદસરમાં  24 મીમી, ઉપલેટામાં 21 મીમી,  ભુજમાં 16 મીમી,  વિસનગરમાં 16 મીમી,  મોડાસામાં 14 મીમી, ખેડબ્રહ્મમાં 13 મીમી, વિજાપુરમાં 13 મીમી સાયલામાં 13 મીમી,  અંજારમાં 12 મીમી, લખતરમાં 10 મીમી વરસાદ પડયો હતો.

બગસરા તાલુકામાં સાત દિવસથી વરસાદ વરસી  રહ્યો છે. ત્યારે   ખેડુતોને વરસાદનો માર સહન કરવાનો વારો આવ્યો  છે.તલ, મગ, અડદ તેમજ બાજરો ઉનાળુ  પાકમાં નુકશાની વેઠવાનો વારો  આવ્યો છે. જેથી કરી  સરકાર એ સર્વે કરી ખેડુૂતોને  આ સમયે મદદ કરવી જોઈએ. તેવી માંગણી ઉઠી રહી છે. ગીરગઢડાનાં જંગલમાં કોદિયા, જગવડ,  ઈટવાયા, પીલાવડ,  ધોકડવા અને બેડીયા  સહિતના   ગામોમાં વરસાદ પડયો હતો. જેના કારણે  કેસર કેરી, ઘઉં, બાજરા સહિતના  પાકને નુકશાની  થવા પામી છે.

આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર,  ગીર સોમનાથ, રાજકોટ જિલ્લા ઉપરાંત   કચ્છમાં  છુટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની  આગાહી   આપવામાં આવી છે. આ   ઉપરાંત  અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા  અને ભરૂચ  જિલ્લામાં  પણ કમોસમી  વરસાદ  વરસી શકે છે. હજી શુક્રવાર  સુધી માવઠાનું  જોર યથાવત રહેશે.  રાજયમાં છેલ્લા બે માસથી સતત  વરસાદ  પડી રહ્યો છે. જેના કારણે ખેડુતોએ  પારાવાર નુકશાની વેઠવી  પડી છે.

ચોમાસાની  સિઝનમાં વરસાદની  હેલી   થતી હોય છે. પરંતુ ઉનાળામાં વરસાદની  હેલી થઈ છે.  છેલ્લા એક  સપ્તાહથી   સતત માવઠાની મહોંકાણ સર્જાઈ છે.  હજી ત્રણ દિવસ   કમોસમી  વરસાદ પડશે. સતત માવઠાનો માર સહન  કરનાર જગતાત   હવે રાજય સરકાર પાસે સહાયની  માંગણી કરી રહ્યું છે.

ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચમાં વરસાદે દે  ધનાધન દેવાનું ચાલુ કરતા ભર ઉનાળે  શહેર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેરી વિસ્તારમાં 1 ઈંચ કરતા    વધુ વરસાદ  વરસતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા તાલુકાના વરજાંગ જાળીયા,  નાગવદર, ઢાંક ચરેલીયા, ગવેયર સહિત વિસ્તારોમાં દોઢ ઈંચ   વરસાદ પડી જતા ખેડુતોને ખેતીમાં  વાવેલ ઉનાળુ પાક, માંડવી, તલ, મગના પાકને પારાવાર  નુકશાની  થવા પામી છે.   જયારે ભાયાવદર વિસ્તારની  પટીમાં ગડઢાળા સર્વત્રા, ભાખ,  ખાખીજાળીયા, વિસ્તારમાં  નજીવો વરસાદ થયો છે. ભર ઉનાળે  દોઢ ઈંચ   વરસાદ વરસી જતા ખેડુતોના ખેતી પાકને ભારે નુકશાની થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.