Abtak Media Google News

મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણમાં ફરિયાદ

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણો થઈ ગયા છે અને તેને દૂર કરવા માટેની પાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ તસ્તી લેવામાં આવતી નથી જેથી કરીને દિવસેને દિવસે દબાણો વધી રહ્યા છે અને રોડ રસ્તાની સાઈડમાં, મુખ્ય ચોક અને મુખ્ય વિસ્તારોમાં આડેધડ દબાણ થઈ ગયા છે જેથી કરીને ત્યાં ખરીદી કરવા માટે આવતા લોકોને વાહન પાર્ક કરવામાં તેમજ વેપારીઓને પોતાની દુકાનમાં ધંધા કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ તમામ લારી, ગલ્લા અને પાથરણાના મોરબી શહેરના જુદા જુદા વિસ્તારના લગભગ બે હજાર જેટલા દબાણો થઈ ગયા છે તેને દૂર કરવા માટે થઈને મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણમાં પત્રકાર દ્વારા અરજી કરવામાં આવેલ છે.

Advertisement

દર મહિનાના પહેલા શનિવારે દરેક જિલ્લાના તાલુકામાં તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક મળતી હોય છે અને તેમાં અરજદારો તરફથી જે કોઈ પ્રશ્નો આવ્યા હોય તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવતો હોય છે અને સ્થળ ઉપર જ મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં આવતા હોય છે તેવું વારંવાર તંત્ર તરફથી કહેવામાં આવતું હોય છે ત્યારે મોરબી શહેરના લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પત્રકાર હિમાંશુ અનિલભાઈ ભટ્ટ દ્વારા હાલમાં મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની સમિતિમાં મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર થયેલા લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણને દૂર કરવા માટેની અરજી કરવામાં આવી છે જોકે આ અરજીને ધ્યાને લઈને આ તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે.

હાલમાં જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ મોરબી શહેરના નેહરૂગેટ ચોક, પરાબજાર, શાકમાર્કેટ, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ, લોહાણાપરા, ગાંધી ચોક, સરદાર રોડ, નવા બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણ થઈ ગયા છે અને આ દબાણોને દૂર કરવા માટેની પાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ તસ્તી લેવામાં આવતી નથી જેથી કરીને લારી, ગલ્લા અને પાથરણા ના દબાણના લીધે રોડ રસ્તા ઉપર ટ્રાફિક, ગંદકી, મારામારી અને ઝઘડા વગેરે જેવા બનાવો બનતા હોય છે તેને રોકવા માટે થઈને આ તમામ દબાણોને દૂર કરવામાં આવે તેવી લાગણી અને માગણી લોકોના હિતાર્થે કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.