Abtak Media Google News

જાત્રા દરમિયાન અચાનક લોકડાઉન જાહેર થતા યાત્રાળુઓ અયોઘ્યામાં ફસાયા હતા: કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાએ જાણ થતા વેંત તુરંત જ વ્યવસ્થા ગોઠવી: તમામ લોકો બસ મારફતે ઘરે પહોંચવા રવાના

લોકડાઉનનાં પગલે અયોઘ્યા ખાતે ફસાયેલા પડધરી તાલુકાનાં ૧૫૦થી વધુ લોકોની વ્હારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આવ્યા છે. તેઓએ આ તમામ લોકોની ઘરવાપસી માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી આપી છે. આ લોકો કાલ સવાર સુધીમાં પોતાના ઘરે પહોંચી જવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

પડધરી તાલુકાનાં દેપાળીયા સહિતનાં ગામોનાં ૧૫૦થી વધુ લોકો જાત્રાએ હતા આ દરમિયાન અચાનક લોકડાઉન જાહેર થતા તમામ લોકો અયોઘ્યામાં ફસાઈ ગયા હતા. આ અંગે સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સુધી વાત પહોંચાડી હતી બાદમાં ગોવિંદભાઈ પટેલે આ લોકોની ઘરવાપસી માટે પ્રયત્નો હાથ ધરીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને જાણ કરી હતી. મનસુખભાઈને આ જાણ થતા તેઓએ તુરંત જ અયોઘ્યા ખાતે ૧૫૦થી વધુ લોકો માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી હતી ઉપરાંત તેઓએ આ લોકોની ઘરવાપસી થાય તે માટે ત્વરીત આયોજન ઘડી કાઢયું હતું. આ તમામ ૧૫૦થી વધુ લોકો ૫ થી ૬ બસ મારફત અયોઘ્યાથી ખાતેથી રવાના થઈ ચુકયા છે જે આવતીકાલે સવાર સુધીમાં પોતાના ઘરે પહોંચે તેવી શકયતાઓ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ લોકો લોકડાઉનનાં પગલે અયોઘ્યા ખાતે ફસાઈ ગયા હતા. તેઓને લોકડાઉન સુધી ત્યાં જ રોકાણ કરવું પડે તેવી સ્થિતિ હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ અંગત રસ દાખવીને તેઓની મદદ કરી છે. વધુમાં આ તમામ લોકો અહીં પહોંચે ત્યારે તેઓનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી તકેદારીનાં ભાગરૂપે કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.