Abtak Media Google News

સુપર ઓવરમાં હૈદરાબાદે નોંધાવ્યા ૮ રન જયારે મુંબઈએ પંડયાની સિકસ થકી ૩ બોલમાં ૯ રન કરી થયું કવોલીફાઈ

આઈપીએલ-૨૦૧૯માં મુંબઈ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ૫૧મો મેચ રમાયો હતો જેમાં મુંબઈએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ પોતાની ટીમમાં કોઈ જ ફેરફાર કર્યા ન હતા. જયારે હૈદરાબાદની ટીમમાં બે ફેરફાર જોવા મળ્યા હતા.

જેમાં માર્ટીન ગફટીલ અને બેસીલ થમ્પીને રમાડવામાં આવ્યા હતા. ટોસ જીતતાં પ્રથમ દાવમાં ૨૦ ઓવરનાં અંતે ટીમે ૫ વિકેટ ગુમાવી ૧૬૨ રન નોંધાવ્યા હતા જેમાં મુંબઈ માટે કવીન્ટન ડિકોકે છેલ્લે સુધી અણનમ રહેતાં ૫૮ બોલમાં ૬૯ રન કર્યા હતા. તેની ઈનીંગમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકારતાં આઈપીએલમાં પોતાની ૧૨મી અર્ધ સદી ફટકારી હતી.

ટીમમાં રોહિત શર્મા ૨૪ સુર્યકુમાર યાદવે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું ત્યારે હૈદરાબાદ માટે ખલીલ અહેમદે ૩ વિકેટ જયારે ભુવનેશ્વરકુમારે અને મોહમદ નબીએ એક-એક વિકેટ ઝડપી હતી. ૧૬૩ રનનો પીછો કરતાં હૈદરાબાદ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૬૨ રન કર્યા હતા.

જેમાં મનિષ પાંડે ૪૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૭૧ રન કર્યા હતા.મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, કૃણાલ પંડયા અને હાર્દિક પંડયાએ બે-બે વિકેટ ઝડપી હતી. સ્કોર ટાઈ થતાં મેચ સુપર ઓવરમાં ફેરવાયો હતો જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે સુપર ઓવરમાં ૨ વિકેટ ગુમાવી ૮ રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે ૩ બોલ રમી ૯ રન કરીને મેચ જીતતાં પ્લે ઓફમાં કવોલીફાય થનારી ત્રીજી ટીમ બની હતી.

ભારતને વિશ્વકપમાં વિજેતા બનાવવા ‘માહી’ ઉપર મદાર!!!

વિશ્વકપ માટે ભારતીય ટીમ સૌથી હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે ત્યારે ભારતીય ટીમ માટે વિરાટ કોહલીનું માર્ગદર્શન અને ટીમને મજબુતાઈ પુરી પાડવા મહેન્દ્રસિંહ ધોની ઉપર ટીમ આખાનો મદાર જોવા મળી રહ્યો છે તેમ સુનિલ ગાવસ્કરે પણ જણાવ્યું હતું. વાત કરવામાં આવે તો ટીમમાં ધોનીની હાજરી ટીમનાં ખેલાડીઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ અને ઉત્સાહભરી સાબિત થશે.

વિકેટ પાછળ ટીમને પ્રોત્સાહન આપતા ધોનીનું વિશ્વપમાં ખુબ જ વધુ મહત્વ દેખાઈ રહ્યું છે જેને લઈ વિરાટ કોહલી પણ આશા અને ભરોસો રાખી રહ્યો છે કે ટીમને ધોનીનો સાથ સહકાર મળી રહેશે અને ટીમ વિશ્વવિજેતા બનવા માટે ખુબ જ મદદરૂપ થશે. વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ ધોની તમામ ક્ષેત્રે પોતાની કલા-કૌશલ્યથી વિપક્ષોને લોઢાના ચણા ચાવવા પર મજબુર કરી દે છે. માહીની સતર્કતા ભારતીય ટીમને ખુબ જ ઉપયોગી સાબિત થશે તે વાત પણ સાચી છે ત્યારે વિશ્વપમાં મહેન્દ્રસિંહ ધોનીની હાજરી માત્ર ભારતીય ટીમ માટે નહીં પરંતુ સમગ્ર ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.