આપણી સંસ્કૃતિ અનેરી છે. જેના મૂળ પાયામાં નારીનું સ્થાન છે. કૃતિ સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે. વેદ અને પૂરાણો સાક્ષી છે કે યત્ર નારી પૂજ્યંતે તત્ર સર્વ દેવતા રમન્તે. અર્થાત જ્યાં નારી પૂજાય છે ત્યાં સર્વ દેવતાનો વાસ છે. સમાજ અને સંસ્કૃતિને જીવંત રાખનાર નારી છે. રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષ આપનાર નારી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પૃથ્વી પર જન્મ લેવા માટે નારીનું શરણું લેવું પડયું હતું. જેના ફળ સ્વરૂપે આપણે સતી અનસુયાના ખોળે ભગવાન દત્તાત્રેય અવતર્યા. આજે ભારતની ભૂમિ સંતો, સતી, જતી અને શૂરવીરની ગણાય છે. એની જન્મદાત્રી નારી છે. બાળકને નાનપણથી કેવો બનાવવો એ માતાના હાથની વાત છે. શિવાજીની માતાએ હાલરડું ગાઈને પારણામાંથી જ શૂરવીરતાના સંસ્કારનું સિંચન કર્યું હતું. મોટા થયા પછી શિવાજી છત્રપતિ કહેવાયા. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંશ, રવિન્દ્રનાથ ટાગોર અને અન્ય મહાન વિભૂતીઓને જન્મ આપનાર નારાયણી નારી ખરેખર રતનની ખાણ છે. નારી વિધાતા છે. જન્મધાત્રી છે.

અત્યારની પરિસ્થિતિ જોઈએ તો પુરુષ-મહિલા સમોવડી આજે ભલે થઈ ગયા હોય પરંતુ આજે પણ સમાજનો એક વરવો ચહેરો એવો પણ છે જ્યાં મહિલાઓ ઘરેલુ હિંસા, બળાત્કાર, છેડતી સહિતની સમસ્યાનો ભોગ સતત બને છે. ગુજરાતમાંથી જ પ્રતિ પાંચ મિનિટે સરેરાશ 1 મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે.

ગુજરાતમાંથી વર્ષ 2023માં મહિલાઓ માટેની હેલ્પલાઈન અભયમને 98830 કોલ્સ આવ્યા હતા. વર્ષ 2019ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં 61 ટકા જ્યારે 2022ની સરખામણીએ 22 ટકાનો વધારો થયો છે. જાણકારોના મતે વર્ષ 2020માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. જેમાં લોકડાઉનને પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક-સ્વાસ્થ્ય અંગેના દબાણને પગલે પણ અનેકુ પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું હતું. ઘરેલુ હિંસાના 17642 કોલ્સ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે. આ સિવાય અમદાવાદથી વર્ષ 2023માં 4815 કોલ્સ સતામણી, 2155 કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે.

આ સિવાય વર્ષ 2023માં જે અંગે સૌથી વધુ કોલ્સ આવ્યા છે તેમાં 10373 કોલ્સ સાથે લગ્નેત્તર સંબંધ, 10164 કોલ્સ સાથે જાતિય સતામણી, 7243 કોલ્સ સાથે કાયદાકીય સમસ્યા, 5131 કોલ્સ સાથે કસ્ટડી અંગે, 3345 કોલ્સ સાથે ઘરમાંથી કાઢી મૂકવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2839 કોલ્સ સંબંધની સમસ્યા, 2758 કોલ્સ ટેલિફોન પર હેરાનગતી, 2372 કોલ્સ સાથે નાણાકીય સમસ્યા જ્યારે 2085 કોલ્સ સાથે છેડતીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.