Abtak Media Google News
  • કોટડાસાંગાણીમાં 122 હેકટર, બામણબોરમાં 59 હેકટર, માખાવડમાં 14 હેકટર અને પીપરડીમાં 100 હેકટર જમીન જીઆઇડીસી માટે ફાળવવા પ્રક્રિયા શરૂ

રાજકોટ જિલ્લામાં નવી ચાર જીઆઇડીસી આકાર લેશે. કોટડા સાંગાણી, બામણબોર, માખાવડ અને પીપરડીમાં હાલ જીઆઇડીસીને જમીન ફાળવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે. તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું છે.

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ નવી જીઆઇડીસી ફાળવી રાજકોટનો ઔદ્યોગિક વિકાસ વધુ પ્રમાણમાં થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જો કે રાજકોટ પહેલેથી જ શાપર અને મેટોડા જેવી વિશાળ જીઆઇડીસી ધરાવે છે. આ ઉપરાંત બીજી અનેક જીઆઇડીસી પણ રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં પ્રાણ પયરી રહી છે.

વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા મુજબ રાજકોટમાં નવી 4 જીઆઇડીસી બનશે. જેમાં  પીપરડીમાં 100 હેકટર, માખાવડમાં 14 હેકટર, કોટડામાં 122 હેકટર, બામણબોરમાં 59 હેકટર જમીનમાં જીઆઇડીસી આકાર લેશે. મખાવડ અને બામણબોરમાં જીઆઇડીસી માટે ડેપ્યુટી કલેકટરનો અભિપ્રાય આવી ગયો છે. બાકીની બે જીઆઇડીસીમાં અભિપ્રાય બાકી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ નવી ચાર જીઆઇડીસી આકાર લેશે એટલે રાજકોટના ઔદ્યોગિક વિકાસને ચાર ચાંદ લાગશે. હાલ ચારેય ઔદ્યોગિક વાસહતોને લઈને કલેકટર તંત્ર દ્વારા જમીન ફાળવણી માટેની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. જે પ્રક્રિયા પૂર્ણ થયે જીઆઇડીસીને જમીન ફાળવવામાં આવશે. ત્યારબાદ જીઆઇડીસી ચારેય નિયત સ્થળોએ સુવિધાઓ વિકસાવી પ્લોટિંગ પાડીને ઉદ્યોગોને જમીન વેચી ત્યાં ઔદ્યોગિક વસાહત સ્થાપશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ માંગેલી સરકારી જમીનની દરખાસ્ત સરકાર લેવલે પેન્ડિંગ

ખંઢેરી નજીક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનું નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ આવેલ છે. જેની સામેની બાજુએ જે સરકારી જમીન છે તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને ફાળવવા માટે કલેકટર તંત્રને ભૂતકાળમાં દરખાસ્ત મળી હતી. આ દરખાસ્ત કલેકટર તંત્ર દ્વારા સરકારમાં મોકલવામાં આવી હતી. જે પ્રકરણ હાલ સરકાર કક્ષાએ પેન્ડિંગ હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.