Abtak Media Google News

મુખ્યમંત્રી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર

હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન તથા વિસ્તૃતી માટે રૂપિયા ૫ થી ૧૦ કરોડ સુધીની મળશે સહાય

હેરિટેજ મ્યુઝીયમ, હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન- રિસ્ટોરેશન માટે ૪૫ લાખથી ૧ કરોડ સુધીની સહાય અપાશે

કોરોના બાદ ટુરિઝમ ક્ષેત્રને ધમધમતું કરવા રાજ્ય સરકારની કવાયત : જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બનાવી શકશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. કોરોના બાદ રાજ્યના ટુરિઝમ ક્ષેત્રને ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બનાવવાની છૂટ આપવામાં આવી છે.

રાજ્યની પ્રથમહેરિટેજ ટુરીઝમ પોલિસી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે જાહેર કરવામાં આવી છે. ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના  ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે.નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો છે.

નવી પોલિસી મુજબ ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો,  ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે.

૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી છે.

સરકાર દ્વારા સ્થાનિક સ્તરે રોજગાર સર્જન સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત  હેરિટેજ હોટલ માં રિનોવેશન  એકસપાંશન માટે રૂપિયા ૫ થી ૧૦ કરોડ સુધીની  સહાય મળશે. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચર ને કોઈ છેડ છાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે

હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે ૪૫ લાખથી ૧ કરોડ સુધીની સહાય અપાશે.

પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે. રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.

આ નવી પોલિસીથી રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને બુસ્ટ અપ મળશે.વિદેશી હૂંડિયામણથી આવકના વધુ  સ્ત્રોત ઊભા કરવાનો મુખ્યમંત્રીનો વિકાસ લક્ષી પ્રેરણાદાયી વિચાર છે. જેનાથી ટુરીઝમ ક્ષેત્રને વેગ મળશે.

પ્રવાસીઓ માટેના હોમ સ્ટેને પ્રોત્સાહન આપતી પોલિસી જાહેર

હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને વીજ દરમાં લાભ અપાશે, સોલારમાં પણ રાહત અપાશે

ગુજરાત હોમ સ્ટે પોલીસી ૨૦૧૪-૧૯ને વધુ  સરળ  બનાવવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ  જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને ભલી ભાંતી પરિચિત કરાવવાનો ઉદ્દેશ આ હોમ સ્ટે પોલિસીથી પાર પડશે

ગુજરાતનું ગ્રામીણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સગવડ  આ હોમ સ્ટે પોલીસી અન્વયે મળશે. ૧ થી ૬ રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે  તરીકે પોતાના આવાસ આપી શકશે. આવા હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ મળશે.ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે. ગુજરાતભરમાં ૧૦૦ જેટલા હોમ સ્ટે  કાર્યરત છે તેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો થશે. ગ્રામીણ રોજગારીની  સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.