Abtak Media Google News

રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં જામનગરના દંપતી સહિત ત્રણ સામે નોંધાતો ગુનો: પારિવાર ઝઘડામાં વાર્ષિક 120 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની 50 વર્ષે વિવાદમાં સપડાય

જામનગરના પંડિત નહેરુ માર્ગ પર આવેલી બુક બેન્ડની સામે આવેલી ઓશિયાનીક ફુડ પ્રા.લી. કંપનીના ચેરમેન અને તેમની પત્નીએ વાર્ષિક 120 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની હડપ કરી સગા નાના ભાઇ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. પારિવાર ઝઘડાના કારણે વિવાદમાં કંપની સપડાતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં પ્રહલાદનગરમાં રહેતા તુલનભાઇ વિનોદરાય પટેલ નામના 45 વર્ષના યુવાને પોતાના જામનગર સિમંધર હાઇટસમાં રહેતા મોટા ભાઇ અજેશ વિનોદરાય પટેલ  તેના પત્ની ફોરમબેન ઉર્ફે દર્ષિતાબેન પટેલ અને શ્રીનિવાસ અનિલભાઇ જાની સામે ત્રાસ દઇ કંપનીમાંથી રાજીનામું લઇ લીધા બાદ રાજીનામું પરત ખેચી લીધું હોવા છતાં તેમના નામના 51 ટકા શેર અન્યના નામે ટ્રાન્સફર કરવાની પેરવી કરી કરોડોની છેતરપિંડી કર્યા અંગેની રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

1972માં તુલનભાઇ પટેલના દાદા દેવરાજભાઇ અને મોટા બાપુ વલ્લભભાઇએ જામનગરના બેડેશ્ર્વર ખાતે  ઓશિયાનિક ડીહાઇડ્રેશન પ્રા.લી. નામની કંપનીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ 1973માં તેમના પતિા વિનોદરાય પટેલ કેનિયાથી જામનગર આવ્યા હતા અને કંપનીમાં જોડાયા હતા.  1993માં આ કંપનીનું નામ  ઓશિયાનિક ફુડ.પ્રા.લી. કરવામાં આવ્યું હતી. અને 2016માં કંપનીને પ્રા.લી. કરવામાં આવી ત્યારે તુલનભાઇ પટેલ વિદેશથી અભ્યાસ કરી પરત ભારત આવીને કંપનીમાં 52 ટકાના શેર માલિક બન્યા હતા. આ કંપની પોતાના મોટા ભાઇ અજેશ પટેલ ચેરમેન હતા અને તેમની પત્ની ફોરમ પટેલ કંપનીની દેખરેખ રાખતા જ્યારે શ્રીનિવાસ જાની કંપનીના સીએફઓ તરીકે કામ કરતા હતા.

આ કંપની અજેશ પટેલ અને તેની પત્ની ફોરમે હડપ કરવા માટે ત્રાસ દેવાનું શરુ કર્યુ હતું. કંપનીમાંથી રાજી નામું દેવા માટે દબાણ ઉભુ કરી રાજી નામું આપવાની ફરજ પાડતા તુલનભાઇ પટેલ ગત તા.11-1-22ના રોજ રાજી નામું આપી દીધુ હતું અને ત્યાર બાદ પોતાની પત્ની અને માતાની સમજાવટથી ગત તા.25-1-22ના રોજ રાજીનામું પરત ખેચી લીધુ હતું.

રાજીનામુ પરત ખેચી લીધું હોવા છતાં કંપની સેક્રેટરી બ્રિજેશ ગુપ્તા દ્વારા અમદાવાદમાં રાજીનામું અપલોડ કરાવી ખોટી રીતે મેનેજીંગ ડીરેકટરનું રાજીનામું બતાવી કંપનીના શેર હોલ્ડર અને ગ્રાહકો સામે ખોટી વિગતો રજુ કરી કંપનીનું ડોમેન રિસેલર કંપની મુંબઇ ખાતેથી મેળવી તુલનભાઇ પટેલનું ઇ-મેઇલ આઇડી હેક કરી તેનો દુર ઉપયોગ કરી આર્થિક વહીવટ કર્યા અંગેનું તેમજ તેમની બનાવટી સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. રાજકોટ સીઆઇડી ક્રાઇમના ડીવાય.એસ.પી. આર.એસ.પટેલના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. એમ.એસ.ગોહિલ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.