Abtak Media Google News

જેલમાં જવું સજા કે મજા?

ગુંડાઓના ગોરખધંધા માટે જેલ ‘સ્વર્ગ’ બને તે પૂર્વે કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત

ટૂંક સમય પૂર્વે રાજ્યભરની જેલોમાં રાત્રીના સમયગાળા દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન અનેક જેલોમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી હતી. અગાઉ અનેકવાર રાજ્યની જેલોમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ તો મળી જ આવી હતી પણ સાથોસાથ જેલમાં સુખાકારીના સાધનો, મોબાઈલ ફોન, જન્મદિવસની ઉજવણી સહીતની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. ત્યારે સવાલ ઉઠે છે કે, જેલમાં જવું સજા છે કે મજા?

ખૂંખાર માફિયા અતિક અહેમદની ટૂંક સમય પૂર્વે હત્યા કરી દેવામાં આવી હતી પણ અતિક અહેમદ અનેકવાર જેલમાં રહીને પોતાના ગોરખધંધા ચલાવતો હતો. જેલમાં રહીને જ તે ખંડણી ઉઘરાવતો અને હત્યાના કાવતરા પણ જેલમાં જ ઘડવામાં આવતા હતા.

આ દિશામાં બરેલી જેલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.જ્યાં ઉમેશ પાલની હત્યામાં સંડોવાયેલા પાંચ લોકો સહિત નવ લોકો અશરફને મળ્યા હતા. કથિત રીતે પાલની હત્યાનું કાવતરું ઘડવા માટે ગેંગસ્ટરોએ જેલનો સુરક્ષિત સ્થળ તરીકે ઉપયોગ કર્યો હોય તેવી આ પહેલી ઘટના ન હતી.

2018 માં લખનૌના વેપારી મોહિત જયસ્વાલનું ગેંગસ્ટર અતીક અહેમદના સહાયકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને દેવરિયા જેલમાં લઈ જવામાં આવ્યો હતો અને જેલના અધિકારીઓ જોતા હોવા છતાં પણ સેલની અંદર ટોર્ચર કરવામાં આવ્યા હતા. જે મામલામાં સીબીઆઈએ હવે ચાર્જશીટ દાખલ કરી છે અને ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે.

આ વર્ષની શરૂઆતમાં ગેંગસ્ટર મુખ્તાર અંસારીના ધારાસભ્ય પુત્ર અબ્બાસ અંસારી, જે ચિત્રકૂટ જેલમાં બંધ હતો, તેની પત્ની નિખતને સેલમાં મળતો અને એક બિઝનેસમેનને ધમકી આપતો પકડાયો હતો. બાદમાં જેલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને અબ્બાસની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માર્યા ગયેલા ડોન અતીક હંમેશા તેના રેકેટની યોજના બનાવવા અને ચલાવવા માટે જેલની બેરેકનો ઉપયોગ કરતો હતો.  ગુજરાતની સાબરમતી જેલમાં બંધ અતીકે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે જેલમાં એક અધિકારીને ઓળખતો હતો જે તેની પત્ની શાયસ્તા પરવીન પાસેથી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ મેળવ્યા બાદ તેને સુવિધા આપશે.

ગોંડલ સબજેલમાં નિખિલ દોંગા ગ્રુપએ મહેફિલ માણ્યાનો ગુન્હો થયો’તો દાખલ

હાલ ગુજસીટોકના ગુન્હામાં ભુજ જેલમાં રહેલા નિખિલ દોંગા ગ્રુપે ગોંડલની સબજેલમાં જન્મદિવસની ઉજવણી કરી હોય તેવી બાતમીના આધારે રેઇડ કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જ્યાં આ ટોળકીએ જેલની અંદર જ મહેફિલ માણ્યાનો ઘટસ્ફોટ તો થયો જ હતો સાથે વિડીયો પણ વાયરલ થયો હતો. જે બાદ આ ટોળકીના શખ્સોને અલગ અલગ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ગુન્હો પણ નોંધવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.