Abtak Media Google News

અત્યાર સુધી વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે. અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા.

વડાપ્રધાને જણાવ્યું કે, તેમની કયા નેતાઓ સાથે મિત્રતા છે, શું ખાવું પસંદ છે, વડાપ્રધાન કેવી રીતે બન્યા, તેઓ સ્ટ્રીક છે તેવી છબી કેવી રીતે બની ગઈ આ દરેક સવાલોના જવાબ આપ્યા હતા. આ ઉપરાંત તેમણે અલાદીનનો ચિરાગ મળી જાય તો તેને શું કહેશે તે વિશે પણ વાત કરી હતી…

પીએમ ઘડિયાળ ઉંધી કેમ પહેરે છે?: 

આ વિશે વડાપ્રધાને કહ્યું કે, ઘણી વખત મીટિંગમાં હોઈએ ત્યારે સમય પણ જોતા રહેવું પડે છે. પરંતુ જો મીટિંગમાં આપણે ઘડિયાળ જોઈએ તો સામે વાળી વ્યક્તિને ઈન્સલ્ટ ફીલ થાય છે કે, આપણે એને જવાનો ઈશારો કરીએ છીએ. તે સારું ન લાગે તેથી જ હું ઘડિયાળ ઊંધી પહેરું છું અને એ રીતે સરળતાથી સમય પણ જોઈ શકું છું.

ટ્વિંકલનો ગુસ્સો જોઉં છું ટ્વિટર પર- મોદી:

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતા વિશે પણ વાત કરી હતી. તેમણે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ વિશે ટીપ્પણી કરી હતી. મોદીએ કહ્યું હતું કે, હું સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહું છું જેથી બહાર શું થાય છે તેની જાણકારી મને મળે છે. હું તમારી અને ટ્વિંકલ ખન્નાની ટ્વિટ જોઉં છું અને જે પ્રમાણે તે તેમનો ગુસ્સો નીકાળે છે તે જોઈને સમજુ છું કે તમારા ઘરમાં કેટલી શાંતિ રહેતી હશે.

પોતાની ફેશન વિશે શું કહ્યું મોદીએ?: 

પીએમ મોદીએ કહ્યું- મારા કપડા વિશે પણ છબી બનાવવામાં આવી છે. પરંતુ હકીકત એ હતી કે મારી જિંદગી એક નાની બેગમાં સમાયેલી હતી. હું સીએમ બન્યો ત્યાં સુધી મારા કપડાં જાતે ધોતો હતો. ત્યારે મને કુર્તા અને શર્ટની લાંબી સ્લીવ વિશે થતું કે તે લાંબી હોય એટલે ધોવામાં સમય પણ વધારે જાય અને બેગમાં પણ વધારે જગ્યા રોકે. તેથી મેં તે સ્લીવ જાતે જ કાપીને નાની કરી દીધી.
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, મારા ઘરમાં ઈસ્ત્રી નહતી તેથી હું લોટામાં કોલસા ભરીને મારા કપડાં પ્રેસ કરતો હતો. મારા મામાએ મને વ્હાઈટ બુટ આપ્યા હતા. તેને કરવા માટે પોલીશ ન હોય તો હું સ્કૂલ છૂટ્યા પછી થોડી વાર રોકાતો અને ચોકના નાના ટૂકડાં ભેગા કરી લેતો અને રોજ સવારે તેને જૂતા પર ઘસી દેતો.

મારા જેવો લાભ કોઈ પીએમને નથી મળ્યો- મોદી:

વડાપ્રધાને આ વિશે કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી કોઈને મારા જેવો આ લાભ નહીં મળ્યો હોય. હું ગુજરાતમાં બહુ લાંબો સમય મુખ્યમંત્રી રહ્યો હતો. તેથી કામ કેટલું ઝીણવટપૂર્વક કરવું પડે છે તે મને ખબર છે. મુદ્દા તમારી સામે સીધા આવે છે અને તેનો ઉકેલ પણ તમારે સીધો જ લાવવાનો હોય છે.

જોક્સ કે છે અને સાંભળે પણ છે પીએમ મોદી: 

મોદીએ કહ્યું- મારી કડક વર્તનની છબી બનાવવામાં આવી છે જે હકીકતમાં છે નહીં. હું કામ માટે ક્યારેય કોઈને પ્રેશર નથી કરતો. હું સવારથી મોડી સાંજ સુધી વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરતો હોઉ છું. આવું પહેલા નહોતું થતું. આ રીતે ટીમ સ્પીરિટ બને છે અને આસપાસનું વર્ક કલ્ચર ઊભું થાય છે. હું કામના સમયે કામ જ કરું છું. મીટિંગ સમયે જો કોઈનું ધ્યાન મોબાઈલમાં હોય તો હું એને પૂછું કે, મેં હમણાં શું કહ્યું એ તમને ખબર છે? મારા આવા વલણ પછી લગભગ હવે મારી મીટિંગમાં કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરતાં.

મમતા દીદી મને કુર્તા મોકલે છે- મોદીઃ 

પીએમ મોદીએ તેમના રાજકીય સંબંધો વિશે વાત કરતા કહ્યું કે, મમતા દીદી આજે પણ વર્ષમાં એક વાર મારા માટે એકથી બે કુર્તા મોકલે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વર્ષમાં 3-4 વાર માટે ખાસ બંગાળી મીઠાઈ મોકલે છે. મમતા દીદીને ખબર પડી કે મને બંગાળી મીઠાઈ ખૂબ ભાવે છે તો હવે તેઓ પણ વર્ષમાં એક-બે વાર મારા માટે બંગાળી મીઠાઈ મોકલે છે.

ઘણાં નેતાઓ સાથે સારી મિત્રતા- મોદીઃ 

રાજનેતાઓ સાથે દોસ્તીની વાત કરતાં વડાપ્રધાને એક જૂનો કિસ્સો સંભળાવ્યો કે, જ્યારે હું સીએમ પણ નહતો અને કોઈ કામ માટે સંસદ ગયો હતો. ગુલામ નબી આઝાદ સાથે હું ગપ્પા મારતો હતો ત્યારે મને મીડિયાવાળાએ કોઈએ પૂછ્યું હતું કે, તમે આરએસએસ વાળા છો, ગુલામનબી સાથે તમારી મિત્રતા કેવી રીતે થઈ? ત્યારે ગુલામ નબી આઝાદે મસ્ત જવાબ આપ્યો હતો કે, બહાર તમે જે જોવો છે તેવું જ નથી હોતુ. એક પરિવાર તરીકે દરેક પક્ષના નેતાઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેની તમે કલ્પના પણ નથી કરી શકતા.

પરિવાર સાથે રહેવાનું મન થાય છે?:

વડાપ્રધાને કહ્યું કે, મેં જીવનમાં બહુ નાની ઉંમરે જ ઘર છોડી દીધું છે. કારણ કે તે જિંદગી ખૂબ અલગ હતી. જો કે પરિવાર સાથે રહેવાનું મન થાય છે એટલે ક્યારેક માને અહીં બોલાવી લઉં છું. પરંતુ મા પણ એવુ કહે છે કે, મારી પાછળ સમય કેમ ખરાબ કરે છે. મા કહે છે હું અહીંયા શું કરીશ, તેથી તે બહુ અહીં નથી રહેતી અને પાછી જતી રહે છે. મા અહીં રહે છે તો હું મોડું આવું તો મારી ચિંતા કર્યા કરે છે. હું પણ માને સમય નથી આપી શકતો. માત્ર એક-બે વાર સાથે જમી લઉં છું.

ગુસ્સાને કેવી રીતે શાંત કરે છે પીએમ?:

 પીએમ મોદીએ જણાવ્યું કે, જો કોઈ એવી ઘટના બને જે તેમને પસંદ ન હોય તો તેઓ એકલા પેન અને કાગળ લઈને બેસી જતા હતા. તેઓ ઘટનાના વર્ણન વિશે લખતા હતા. પછી તે જ કાગળને ફાડીને ફેંકી દેતા. તો પણ મન શાંત ન થાય તો તેઓ ફરી તે જ ઘટનાને લખતા. આ રીતે કરવાની મારી ભાવનાઓ બદલાઈ જતી અને મને અહેસાસ થતો કે હું ખોટો હતો.

શું સન્યાસી કે સૈનિક બનવા માગતા હતા મોદી?:

પીએમ મોદી સૈનિક અથવા સન્યાસી બનવા માગતા હતા? આ સવાલ વિશે તેમણે જવાબ આપ્યો કે, મને બાળપણથી જ મોટા લોકોના જીવન વિશે વાંચવાનો રસ હતો. ફૌજી લોકોને સેલ્યુટ કરવુ સારુ લાગતું હતું. 1962માં યુદ્ધ થયું, ત્યારે રેલવે સ્ટેશન પર ફૌજી લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારે ખ્યાલ આવ્યો કે આ રસ્તો તો દેશ માટે કઈ કરી શકવાનો છે. તે પછી હું રામકૃષ્ણ મિશન આશ્રમમાં જતો રહ્યો. નવા નવા અનુભવ થવા લાગ્યા. 20 વર્ષની ઉંમરમાં હું બહુ ફર્યો, ભટક્યો અને દુનિયા જોઈ. હું મારા મનમાં જ સવાલ કરતો હતો અને જાતે જ તેના જવાબ આપતો હતો. તે સમયે હુ શું બનીશ તે કહેવું ખૂબ મુશ્કેલ હતું. અંતે જે કદી નહતું વિચાર્યું તે હું બની ગયો.

ક્યારેય વિચાર્યું નહતું કે પીએમ બનીશ:

પીએમએ કહ્યું, ક્યારેય એવો વિચાર નહતો આવ્યો કે હું વડાપ્રધાન બનીશ. મને લાગે છે કે અત્યારે સુધી જે પણ પીએમ બન્યા હશે તેમના મગજમાં પણ કદી આવો વિચાર નહીં આવ્યો હોય. જો કોઈનું પરિવારનું બેકગ્રાઉન્ડ એ પ્રમાણેનું હોય તો વાત અલગ છે. વડાપ્રધાને કહ્યું, હું એવા પરિવારમાંથી આવું છું ત્યાં પીએમ તો દૂરની વાત છે. માત્ર સારી નોકરી મળી જાય તો પણ તેમની મા ખુશ થઈ જાય છે. જીવન ચાલતુ ગયું અને હું વડાપ્રધાન બની ગયો.

પીએમ મોદીએ જણાવ્યું- શું તેઓ કેરી ખાય છે?:

શું વડાપ્રધાનને કેરી ખાવી ગમે છે કે નહીં તે વિશે વડાપ્રધાને જણાવ્યું કે, મને કેરી ખાવી ખૂબ ગમે છે. હું જ્યારે નાનો હતો ત્યારે પરિવારની એવી સ્થિતિ નહતી કે કેરી ખરીદીને ખાઈ શકીએ. તેથી ત્યારે અમે ખેતરોમાં જતા રહેતા ત્યારે ગુજરાતના ઉદાર દિલ ખેડૂતો અમને કેરી ખાતા રોકતા નહતા. મને ઝાડ પરથી જ તોડેલી પાકી કેરી ખાવી બહુ જ ગમે છે. જોકે હવે તેમને કેરી ખાવામાં કંટ્રોલ રાખવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.