Abtak Media Google News

રાજકોટ સહિતના શહેરોમાં સોમવાર બાદ અચાનક વાતાવરણ પલટાયું, તે જ ગતિએ પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષો પડયા, પતરાઓ ઉડયા: કેરીના પાકને પારાવાર નુકશાની, માર્કેટીંગ યાર્ડોમાં ખુલ્લામાં પડેલી જણસી પણ પલળી ગઇ

અબતક, રાજકોટ: રાજસ્થાનમા સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરના કારણે રાજયભરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સોમવારે બપોર બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું હતું. મીની વાવાઝોડુ સાથે વરસાદ પડયો હતો. ધુળની ડમરી ઉડી હતી. વીજળી પડવાના કારણે, દિવાલ ધરાશાયી થવાના કારણે, વૃક્ષો પડવાના કારણે કે પતરા ઉડવાની ઘટનામાં પાંચ વ્યકિતઓના મોત નિપજયા હતા. જયારે સાત વ્યકિતઓને ઇજા થવા પામી હતી. દરમિયાન આજે પણ રાજયના અલગ અલગ 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલથી વાતાવરણ કિલયર થઇ જશે.

આ વર્ષ વાતાવરણમાં સતત પલટો નોંધાયો છે. માર્ચ અને એપ્રિલ બાદ મે માસમાં પણ માવઠાની મુસિબત યથાવત રહેવા પામી છે. રવિવારે રાજયના 91 તાલુકાઓમાં વરસાદ પડયા બાદ ગઇકાલે વરસાદનું જોર ઘટયું હતું. અને 3ર તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ પડયો હતો. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ-કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મીની વાવાઝોડુ ફુંકાયું હતું ધુળની ડમરીઓ ઉડી હતી. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ જવા પામી હતી. જેતપુરમાં કારખાનાના પતરા ઉડયા હતા. ટંકારા પંથકમાં પણ મકાનના છાપરા ઉડયા હતા. રાજકોટમાં સાંજના સમયે ભારે પવન ફુંકાયો હતો.

ધુળની ડમરીઓ ઉડી હતી. ભારે પવનના કારણે શહેરમાં અનેક સ્થળોએ સભા મંડપ ધરાશાયી થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 3ર તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે કચ્વના અંજારમાં સૌથી વધુ 41 મીમી વરસાદ પડયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરમાં અફરાતફરી મચી જવા પામી હતી. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલા કેરીના બોકસ પલળી ગયા હતા. આ ઉપરાંત પાલીતાણામાં 3પ મીમી, ધોરાજીમાં 3પ મીમી, શિહોરમાં ર7 મીમી, ગારીયાધારમાં 24 મીમી, ગોંડલમાં 23 મીમી, વલ્લભીપુરમાં 19 મીમી, જામકંડોરણામાં 18 મીમી, કોટડાસાંગાણીમાં 17 મીમી, ગાંધીધામમાં 16 મીમી, સુઇગામમાં 14 મીમી, ઉમરાળામાં 14 મીમી, જેસરમાં 14 મીમી, મહુવામાં 12 મીમી સહિત સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયના 3ર તાલુકામાં વરસાદ પડયો હતો. મિની વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે રાજયના અલગઅલગ વિસ્તારોમાં પાંચ વ્યકિતઓના મોત નિપજયા હતા. જયારે સાત વ્યકિતઓને સામાન્ય ઇજા થવા પામી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી ઉપરાંત કચ્છ સહિત રાજયના 14 જીલ્લામાં વરસાદ પડયો હતો.

અમરેલી

અમરેલી શહેર અને આજુ બાજુના વિસ્તારમાં ગઈ કાલે બપોરબાદ અચાનક વાતાવરણ પલટાયું હતું કાળા ડીબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા તો સાથે સાથે ભારે પવન ફુંકાયો હતો જેના કારણે ધૂળની ડમરી ચડી હતી અને બસ સ્ટેશન રોડ ઉપર કેટલીક દુકાનોના બોર્ડ ઉડ્યા હતા ભારે પવન ના કારણે લોકોને હાલાકી પડી હતી સાથે સાથે મીની વાવાઝોડા થી અમરેલી શહેરના રાજકમલ ચોક,ચક્કરગઢ રોડ, અને સાવરકુંડલા બાયપાસ  જેવા વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકો ને પરેશાની નો સામનો કરવો પડ્યો હતો બીજી બાજુ ભારે પવન ના કારણે ચિતલ રોડ ઉપર આવેલી સુખનાથ કોલોની માં અને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાછળ વૃક્ષો ધરાશાઈ થયા હતા  અમરેલી ફાયર વિભાગ ટીમ પણ કામે લાગી હતી અને તાત્કાલિક ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી જન જીવન સામાન્ય કરાયું હતું.

ગોંડલ

ગોંડલમાં  ગત સાંજે ચાર વાગ્યે વાતાવરણ પલટાયુ હતુ.મીની વાવાઝોડા અને વિજળી ની ભારે ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકયો હતો.વરસાદ સાથે મોટા કરા પણ વરસ્યા હતા.ભારે પવન ના પગલે કેટલાક વૃક્ષો ની ડાળીઓ ધરાશય થઈ હતી.ઉદ્યોગનગર મા એક ગોડાઉન પર વિજળી પડતા દિવાલ મા તિરાડો પડી હતી.શહેર મા વરસાદ ને કારણે કોલેજ ચોક સહિત પાણી ભરાયા હતા.શહેર મા એક કલાક મા એક ઇંચ વરસાદ નોંધાયો છે.ગોંડલ પંથક મા ભારે પવન સાથે બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.વરસાદ ને કારણે કેટલાક વિસ્તાર મા ખેતરો મા પાણી ફરી વળ્યા હતા.તાલુકા ના પાંચીયાવદર, ખરેડા, સેમળા,ભોજપરા,હડમતાળા,કોલીથડ,વાસાવડ, નાગડકા,મોવીયા, પાટીયાળી સહિત વરસાદ પડ્યો છે

જેતપુર

જેતપુરમાં આજ બપોર બાદ સર્જાયેલ મીની વાવાઝોડામાં શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અનેક વૃક્ષો તેમજ વિજપોલ ધરાશાયી થઈ ગયા હતાં. જ્યારે અનેક મકાનો, તેમજ ઓરડીઓના છાપરા ઉડી ગયા હતાં જેમાં ચાંપરાજપૂર ગામે છાપરા હેઠળ દબાઈ જવાથી એકનું મોત અને બેને ગંભીર ઇજા પહોંચી હતી. ધૂળની ડમરી સાથે પવન બાદ શહેર તેમજ પંથકમાં ઝાપટાથી માંડી વોકળા વહે તેવો વરસાદ વરસ્યો હતો.

શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં આજ બપોરે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાઇ ગયા અને થોડીવારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. અને જાણે મીની વાવઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો  સર્જાયા હતા. ભારે પવનથી શહેરમાં તેમજ પંથકમાં અનેક જગ્યાએ વૃક્ષો તેમજ વિજપોલ ધરાશાયી થઈ ગયા હતાં.

જ્યારે અનેક વિસ્તારોમાં મકાનો પરથી છાપરા ઉડી ગયા હતાં જેમાં કણકિયા પ્લોટ વિસ્તારમાં મંગલમ કોમ્પ્લેક્સનું છાપરાની પ્લાસ્ટિકની પ્લેટ ઉડી નીચે પાર્ક કરેલ વાહનો પર પડતા વાહનોમાં નુકશાન થયું હતું. અને ચાંપરાજપૂર ગામે ખોડલ પાર્ટી પ્લોટની ઓરડીઓ પરના પતરા ભારે પવનમાં ન ઉડે તે માટે અતુલભાઈ વઘાસીયા,મનસુખભાઇ વઘાસીયા અને કિશન સોલંકી છાપરા પર ચડી પતરાઓ પર વજનદાર પથ્થરો ગોઠવતા હતાં ત્યારે ઝોરદાર પવન આવતા આખું છાપરું ઉડીને નીચે જમીન પર પટકાયું હતું. અને છાપરા ઉપરથી ત્રણેય યુવાનો પણ નીચે જમીન પર પટકાયા જેમાં અતુલભાઈનું મોત નીપજ્યું જ્યારે બીજા બેને ગંભીર ઇજા પહોંચી હતી.

આ વર્ષે ઉનાળામાં સામાન્ય કરતા 10 ગણો વરસાદ પડયો

આ વર્ષ ઉનાળામાં આ ઉનાળામાં રાજ્યમાં અત્યાર સુધીમાં 34.7 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં લગભગ 10 ગણો વધારે છે.  રાજ્યમાં અનુભવાયેલા સાત પશ્ચિમી વિક્ષેપો અને ચક્રવાતી પરિભ્રમણને કારણે મોટો વરસાદ થયો હતો, જે સામાન્ય કરતા ઘણો વધારે છે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે રાજ્યમાં રવિવારે વાવાઝોડાં અને અતિવૃષ્ટિને કારણે 11 મૃત્યુ નોંધાયા છે. ભારતના હવામાન વિભાગના ગુજરાતના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણના અનુગામી સ્પેલને કારણે વરસાદ પડે છે.

આ સિઝન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે સામાન્ય છે, પરંતુ જો આપણે પાછલા એક દાયકાના વર્ષ વિશે વાત કરીએ તો, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે સામાન્ય છે. મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં ગુજરાતમાં પહોંચો. તેના બદલે, આ વર્ષે અમે છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ ત્રણ સ્પેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધ્યા છે જેણે નોંધપાત્ર વરસાદ કર્યો છે,” તેણીએ કહ્યું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાનની પેટર્નમાં ફેરફારને કારણે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઠંડો ઉનાળામાંનો એક માનવામાં આવે છે.

જરાતમાં વાવાઝોડાની તારાજી: ખેડૂત સહિત નવના મોત

ગુજરાતમાં ગઇ કાલે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને જોતજોતામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા સ્થળ પર ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો તો અનેક સ્થળોએ તીવ્ર ગતિએ ફુંકાયેલા પવનના કારણે રાજ્યમાં નવ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.

જેમાં બાબરા તાલુકાના સુકવાણા ગામે વીજળી પડવાથી ખેડૂતનું મોત નિપજ્યું હતું. મકાનનું કામ કરતી વેળાએ ખેડૂત ભાવેશભાઈ સામતભાઈ નાદોડીયા (ઉ.વ.23)નું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઘવાયા હતા.

તો બીજી તરફ જેતપુરના ચાંપરાજપુર રોડ ઉપર પાર્ટી પ્લોટમાં મજૂરની ઓરડીના પતરા ઉડતા અતુલ પોપટભાઈ વઘાસિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે મનસુખ મોહનભાઇ વઘાસિયા અને કિશન સાદુરભાઈ સોલંકી ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે બનાસકાંઠાના વરણ ગામના વતની અને સિધ્ધપુર તાલુકામાં રહેતો ઠાકોર વિકરામજી નામનો યુવાન સિદ્ધપુર ઉમરું રોડ પર બાઈક સાથે ઉભો હતો, તે દરમિયાન પવન સાથે વરસાદ શરૂ થતાં ઝાડ પડવાથી યુવાન ચગદાયો હતો જેમાં તેનું મોત થયું હતું.

વધુ એક બનાવમાં પાટણ જિલ્લામાં કમોસમી વરસાદથી તારાજી સર્જાઈ હતી. યુ.જી.વી.સી.એલ.ના 82 થાંભલા ઉખડી ગયા હતા. તેમજ બે લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે સાત પશુઓના મોત નોંધાયા હતા. આ ઉપરાંત મકાનોને નુકસાન થયું હોવાનું ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવ્યું હતું.

ચાણસ્મા તાલુકાના ઝીલિયા વાસણા ગામે ગોવિંદભાઈ ખાનાભાઈ નામના પ્રૌઢ પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન વીજપોલ પ્રૌઢ પર પડતા ઘટના સ્થળે તેમનું કરુણ મોત થયું હતું.

છોટા ઉદેપુરના સંખેડામાં વીજળી પડવાથી હસમુખભાઈ તડવી અને ગણપતભાઇ તડવી નામના બે ભાઈઓના મોત થયા છે, આ બન્ને ભાઇઓ સંખેડાના કૃષ્ણાપુરાની નવી વસાહતમાં રહેતા હતા અને ગઇરાત્રે ખેતરમાં કામ કરવા ગયા ત્યારે દુર્ઘટના સર્જાઈ છે.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બોરડી ગામે પવન સાથે ધોધમાર વરસાદના લીધે રોડ પર વીજ પોલ અને ટ્રાન્સફોર્મર ટીસી પડતા ત્યાંથી પસાર થઇ રહેલા જીવરાજભાઈ મઘાભાઈ બેલડીયા નામના વૃદ્ધને જીવતો વીજ વાયર અડી જતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ. જ્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકમા ધુફનીયાગામાં વીજળી પડતા 6 વર્ષના બાળકનું મોત થયુ હતુ.

અમરેલી અને ભાવનગર સહિત રાજયના 14 જિલ્લામાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડશે

અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ ખાબકશે

અબતક, રાજકોટ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન  અને તેની સાથે જોડાયેલા પાકિસ્તાન પર સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આજે અમરેલી અને ભાવનગર સહિત રાજયના 14 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલથી વાતાવરણ કિલયર થઇ જશે અને ફરી ગરમીનું જોર વધશે.ગઇકાલે રાજયના 3ર તાલુકાઓમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાથી લઇ બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. માવઠામાં ત્રણ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આપ્યો હતો. ધુળની ડમરીઓ ઉઠી હતી. વીજળીના ડરામણા કડાકા – ભડાકા સાથે કરા સાથે વરસાદ પડયો હતો.

દરમિયાન આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતીકાલથી વાતાવરણ કિલયર થઇ જશે આજે સવારથી બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. માર્ચ, એપ્રિલ બાદ મે માસમાં પણ માવઠાની મહોકાણ યથાવત રહેવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.