Abtak Media Google News

ચડ્ડી-બનીયાનધારી ગેંગનો આતંક

વૃદ્ધાએ દેકારો કરતા જાનથી મારી નાખવાની દીધી ધમકી: રોકડ અને ઘરેણાં મળી રૂ.94 હજારની લૂંટ

રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ ઘરમાં ઘૂસી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ અને ઘરેણાં મળી રૂ.94 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા ગામ પાછળ બંસીપાર્ક-1માં રહેતા ઠાકરશીભાઇ મનજીભાઇ ચૌહાણ નામના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 90 વર્ષીય માતા મણિબેન, પત્ની, બે દીકરા, એક દીકરી સહિતનાઓ છેલ્લા ચાર વર્ષથી અહીં રહીએ છીએ. પોતાનું બીજું મકાન રૈયાધાર બુદ્ધા હાઇટ્સ પાછળ આવેલું છે. તે મકાનમાં ક્યારેક ક્યારેક ચક્કર મારવા જઇએ છીએ. દરમિયાન પોતે ગઇકાલે રૈયાધારવાળા મકાને સૂઇ ગયા હતા. તે દરમિયાન તેમની પુત્રીએ ફોન કરી જલ્દી ઘરે આવવા કહ્યું હતું.

જેથી ફરિયાદી તુરંત પોતાને ઘરે દોડી ગયા હતા. ઘરે પહોંચતા પરિવારના બધા સભ્યો ભેગા થઇ ગયા હતા. જેથી પરિવારને શું થયું તેવું પૂછતા દાદી મણીબેનને રાત્રીના કોઇ અજાણ્યા શખસો ઘરમાં આવી ઘરેણા લૂંટી ગયાની વાત કરી હતી. જેથી માતા મણિબેનને પૂછતા પોતે મકાનના નીચેના માળે રાત્રીના એકલા સૂતા હતા. ત્યારે દોઢ વાગ્યાના અરસામાં મોઢા પર કપડું બાંધેલા અને ચડ્ડી ટીશર્ટ પહેરેલા ત્રણ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા હતા.

ત્યાર બાદ આ ત્રિપુટીએ પોતે શરીર પર પહેરેલા ઘરેણાં કાઢવાની કોશિશ કરતા બૂમ પાડવા જતા પોતાના મોઢે હાથ દઇ ’અવાજ ના કરતા નહીંતર ગળું દબાવી મારી નાખીશ’ તેમ કહી કાનની કડી, મસ્કા, બંગડી, વીંટી મળી રૂ.90 હજારના સોનાના ઘરેણાં, રૂ.3100 કિંમતના ચાંદીના ઘરેણાં અને કબાટમાં રાખેલા રૂ.1 હજાર રોકડા બળજબરીથી લૂંટી ગયાની વાત કરી હતી. પહેરેલા ઘરેણાં બળજબરીથી કાઢી લેતા કાંડામાં તેમજ કાનમાં સામાન્ય ઇજા થઇ હોય રાત આખી કણસતી હાલતમાં પડ્યા રહ્યાંનું જણાવ્યું હતું. બાદમાં સવારે ઉપરથી પૌત્રી નીચે આવતા બનાવની તેને વાત કરતા તેને તને ફોન કરી જાણ કર્યાનું જણાવ્યું હતું.

પોલીસને લૂંટના બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ બી.જી.રજિયા સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ચડ્ડી ટીશર્ટધારી ત્રિપુટી સામે લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી એ.એસ.આઇ. એચ.એમ. સબાડ સહિતના સ્ટાફે ત્રિપુટીને પકડવા દોડધામ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ બે ત્રણ દિવસ પહેલા જ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેથી પોલીસે તેનું પગેરું દબાવવા આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.