Abtak Media Google News
  • મનસુખભાઇ વસાવા અને ભરતભાઇ ડાભીએ પરિવારજનો માટે ટિકિટ માંગી તેઓને મનાઇ ફરમાવી દેવામાં આવી છે
  • જો કે પરસોત્તમ સોલંકી અને હિરાભાઇ સોલંકીનો મામલો અલગ હોવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સ્પષ્ટતા

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ભાજપ દ્વારા હાલ ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ‘અગ્રેસર ગુજરાત કેમ્પેઇન’નું લોન્ચિંગ કરતા જણાવ્યું હતું કે ભાજપ ધારાસભ્ય અને સંસદસભ્યના કોઇ સગાને કે પરિવારજનોને ટિકિટ આપશે નહિ સાથોસાથ 75 વર્ષથી વધુની વયના લોકોને પણ ટિકિટ આપવામાં આવશે નહિ.

Advertisement

‘અગ્રેસર ગુજરાત કેમ્પેઇન’નું લોન્ચિંગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચિત દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા હાલ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જે દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી ચૂંટણીમાં સંસદસભ્યો અને ધારાસભ્યોના પરિવારજનો કે અન્ય કોઇ સગાવાલાને ટિકિટ આપવામાં આવશે નહિ. સાંસદ મનસુખભાઇ વસાવાએ તેમની દિકરી માટે ટિકિટની માંગણી કરી હતી.

જ્યારે ભરતભાઇ ડાભીએ પણ પરિવારજન માટે ટિકિટની માંગણી કરી હતી. તેઓને પણ આ નિયમની જાણકારી આપી દેવામાં આવી હતી. તેઓએ પક્ષના આ નિયમને સહર્ષ આવકારી લીધો છે. જો કે, પ્રદેશ અધ્યક્ષે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ભાજપ દ્વારા પૂર્વ મંત્રી પરસોત્તમભાઇ સોલંકી અને તેમના ભાઇ હિરાભાઇ સોલંકીને ટિકિટ આપવામાં આવે છે. તે મામલો સંપૂર્ણપણે અલગ છે કારણ કે બંનેની કાર્યશૈલી અલગ છે અને ક્યારેય એકાબીજા માટે ટિકિટની માંગણી કરતા નથી અને વિસ્તાર પણ અલગ-અલગ હોવાના કારણે ટિકિટની ફાળવણી કરવામાં આવી રહી છે. 75 વર્ષ કે તેથી વધુની વય ધરાવતા નેતાઓને ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવશે નહિ.

પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ડો.જયનારાયણ વ્યાસે આજે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેના સવાલના જવાબમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે જયનારાયણ વ્યાસને ભાજપે બે વખત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી અને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. 75 વર્ષથી વધુ વયના દાવેદારોને ટિકિટ નહિ આપવાનો નિર્ણયની તેઓને જાણકારી મળી ગઇ હોવાના કારણે તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાનું બની શકે. તેઓનું રાજીનામું સ્વિકારી લેવામાં આવ્યું છે. એક વાત નિશ્ર્ચિત છે કે ભાજપ દ્વારા ધારાસભ્ય કે સંસદસભ્યના સગાવાલાઓને ટિકિટની ફાળવણી નહિ જ કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.